834 કરોડના બોગસ રાજકીય ડોનેશનમાં રાજકોટનાં સી.એ. સહિત નવ સામે ગુનો

સીઆઇડી (ક્રાઇમ)એ ગુરુવારે રૂૂ. 843 કરોડના કથિત ટેક્સ ડિડક્શન રેકેટના સંદર્ભમાં રાજકીય હસ્તીઓ, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ અને મધ્યસ્થીઓ સામે કેસ દાખલ કર્યો છે. આ રેકેટ એક…

સીઆઇડી (ક્રાઇમ)એ ગુરુવારે રૂૂ. 843 કરોડના કથિત ટેક્સ ડિડક્શન રેકેટના સંદર્ભમાં રાજકીય હસ્તીઓ, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ અને મધ્યસ્થીઓ સામે કેસ દાખલ કર્યો છે. આ રેકેટ એક રાજકીય પક્ષ દ્વારા ચલાવવામાં આવતો હોવાનો આરોપ છે.

અમદાવાદના ઇન્કમ ટેક્સ વિભાગના સહાયક કમિશનરે દાખલ કરેલી ફરિયાદ મુજબ, આમ જનમત પાર્ટીનો ઉપયોગ ફ્રન્ટ તરીકે કરીને બેંકિંગ ચેનલ દ્વારા ફંડ રૂૂટ કરવામાં આવ્યા હતા અને કમિશન કાપીને દાતાઓને રોકડ પરત કરવામાં આવતી હતી. એફઆઇઆરમાં આમ જનમત પાર્ટીના રાષ્ટ્રીય પ્રમુખ ગૌરવ મિશ્રા, ટ્રેઝરર ધર્મેન્દ્ર વૈષ્ણવ, એકાઉન્ટન્ટ મયુરસિંહ રાઠોડ, મધ્યસ્થી દિનેશકુમાર જૈન તથા રાજકોટના ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ પ્રણવ શાહ અને અમદાવાદના આકાશ સોની સહિત અન્યોના નામનો સમાવેશ કરવામાં આવ્યો છે.

દાનમાં મળેલા ફંડને પ્રેનિત કોર્પોરેશન, હશાઝ કોર્પોરેશન, આયન એન્ટરપ્રાઇઝિસ અને શ્રી રામદેવ એન્ટરપ્રાઇઝિસ સહિતની એન્ટિટીઝ દ્વારા રૂૂટ કરીને રોકડમાં ઉપાડી લેવામાં આવતા હતા. આ યોજનાથી દાતાઓને આવકવેરા અધિનિયમની કલમ 80GGC હેઠળ 2022-23 અને 2023-24 નાણાકીય વર્ષો માટે બોગસ ટેક્સ ડિડક્શનનો દાવો કરવાની સુવિધા મળી હતી. આથી સરકારી તિજોરીને રૂૂ. 250 કરોડથી વધુનું અંદાજિત નુકસાન થયું છે.

તપાસકર્તાઓના જણાવ્યા મુજબ, આ પક્ષે ખૂબ જ ઓછી વાસ્તવિક રાજકીય પ્રવૃત્તિ કરી હતી અને મુખ્યત્વે બોગસ નાણાકીય રેકોર્ડ જનરેટ કરવા માટે કામ કરતો હતો. ચૂંટણી પ્રચાર અને રેલીઓ જેવા હેડ હેઠળ ખર્ચ બનાવટી રીતે દર્શાવવામાં આવ્યો હતો, જ્યારે સપોર્ટિંગ વાઉચર્સ નહોતા. ઑડિટિંગ કરનારા સીએએ સ્કેમને સરળ બનાવવા માટે બોગસ ટેક્સ રિટર્ન્સ સર્ટિફાઇ કર્યા હોવાનો આરોપ છે.

આ કેસ ગુજરાતમાં રજિસ્ટર્ડ અનરેકગ્નાઇઝ્ડ પોલિટિકલ પાર્ટીઝ (RUPPs) દ્વારા ચાલતા બોગસ ડોનેશન રેકેટ્સની શ્રેણીનો ભાગ છે. અગાઉ પણ આવા ઘણા કેસોમાં સીઆઇડી ક્રાઇમે તપાસ શરૂૂ કરી છે, જેમાં દાતાઓને ટેક્સ લાભ આપીને કમિશન કાપીને રોકડ પરત કરવાની પદ્ધતિનો ઉપયોગ થતો હતો. હવે આ કેસમાં વધુ તપાસ અને કાનૂની કાર્યવાહી ચાલુ રહેશે.