સ્થાનિક ચૂંટણીઓમાં પ્રચાર પડઘમ શાંત, રવિવારે સત્તાનો સેમિફાઇનલ

15 મહાનગરપાલિકા, 84 નગરપાલિકા, 34 જિલ્લા પંચાયત અને 260 તાલુકા પંચાયતોમાં ઉમેદવારોના પાયલાગણ વહીવટીતંત્ર દ્વારા તૈયારીઓનો ધમધમાટ, 27 હજારથી વધુ ઉમેદવારોના ભાવિનું કાઉન્ટડાઉન શરૂ ગુજરાતમાં…

15 મહાનગરપાલિકા, 84 નગરપાલિકા, 34 જિલ્લા પંચાયત અને 260 તાલુકા પંચાયતોમાં ઉમેદવારોના પાયલાગણ

વહીવટીતંત્ર દ્વારા તૈયારીઓનો ધમધમાટ, 27 હજારથી વધુ ઉમેદવારોના ભાવિનું કાઉન્ટડાઉન શરૂ

ગુજરાતમાં આગામી તા.26ને રવિવારે યોજાનાર સ્થાનિક સ્વરાજયની સંસ્થાઓની ચુંટણી માટે આજે સાંજથી પ્રચાર-ભુંગળા શાંત થતા હવે ઉમેદવારોએ માઇક અને ડી.જે.ના તાસીરા વગર ચૂંટણી પ્રચાર શરૂ કર્યો છે. જયારે વહિવટીતંત્ર દ્વારા મતદાન માટે જરૂરી તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે.

આગામી રવિવારે રાજયની 15 મહાનગરપાલિકા, 84 નગરપાલિકા, 34 જિલ્લા પંચાયત અને 260 તાલુકા પંચાયતોની કુુલ 10006 બેઠકોની ચૂંટણી યોજાનાર છે. આ પૈકીની 734 જેટલી બેઠકો બિનહરિફ થઇ હોવાથી બાકીની બેઠકો માટે રવિવારે મતદાન થનાર છે. જયારે તા.28મીએ મંગળવારે મતગણતરી સાથે પરિણામો જાહેર થનાર છે. ફેર મતદાનની જરૂર પડે તો તા.27મીએ ફેર મતદાન કરવામાં આવશે. આજે સાંજથી પ્રચાર પડઘમ શાંત પડતાની સાથે જ અન્ય વિસ્તારોમાંથી પ્રચાર માટે આવેલા નેતાઓ- કાર્યકરોને પોતપોતાના મત વિસ્તારમાં જતા રહેવાની સુચના આપવામાં આવી છે.

ગુજરાતમાં હિટવેવ વચ્ચે ગ્રામ પંચાયતો સિવાયની સ્થાનિક સ્વરાજયની સંસ્થાઓની આ ચુંટણી આગામી વિધાનસભાની ચુંટણીના સેમિફાઇનલ સમાન ગણાય છે ત્યારે ગરમીના કારણે મતદારો કેવો ઉત્સાહ બતાવે છે તે તો રવિવારે સાંજે જ ખબર પડશે. પરંતુ નિરસ રાજકીય વાતાવરણ, ગરમી અને લગ્નગાળાના કારણે મતદાન ઉપર અસર થવાની શકયતા છે. 4.19 કરોડથી વધુ મતદારોમાં ગ્રામ્ય વિસ્તારના મતદારોની સંખ્યા 2.74 કરોડ છે. જયારે શહેરી મતદારોની સંખ્યા 1.44 કરોડ છે. જયારે ઉમેદવારોની સંખ્યા 27 હજારથી વધુ છે.

ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણીનો જંગ હવે તેના અંતિમ અને નિર્ણાયક તબક્કામાં પ્રવેશ્યો છે. રવિવારે યોજાનારા મતદાન માટેનો સત્તાવાર પ્રચાર આવતીકાલ સાંજથી થંભી જશે. ચૂંટણી પંચના નિયમો અનુસાર મતદાનના 48 કલાક પૂર્વે જ જાહેર પ્રચાર, સભાઓ અને લાઉડસ્પીકર પર પ્રતિબંધ આવી જતો હોય છે, જેના કારણે ઉમેદવારો પાસે હવે ગણતરીના કલાકો જ બાકી રહ્યા છે. છેલ્લા કેટલાય દિવસોથી રાજ્યના ખૂણેખૂણે ગુંજતા પ્રચારના પડઘમ આવતીકાલે સાંજે શાંત થતાં જ સમગ્ર રાજ્યમાં ’સાયલન્સ પિરિયડ’ શરૂૂ થશે, જે દરમિયાન ઉમેદવારો માત્ર વ્યક્તિગત સંપર્ક કે ડોર-ટુ-ડોર પ્રચાર કરી શકશે.

રાજકીય પક્ષોએ પણ આ આંકડાઓને ધ્યાનમાં રાખીને પ્રચારમાં કોઈ કસર છોડી નથી. ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના દિગ્ગજ નેતાઓએ છેલ્લા દિવસોમાં રેલીઓ અને રોડ-શો દ્વારા મતદારોને રીઝવવા આકાશ-પાતાળ એક કર્યા છે. પ્રચારના અંતિમ કલાકોમાં સોશિયલ મીડિયાના માધ્યમથી પણ આક્રમક રીતે પ્રચાર કરવામાં આવી રહ્યો છે. ખાસ કરીને અમદાવાદ, સુરત અને રાજકોટ જેવા મહાનગરોમાં ત્રિપાંખિયો જંગ જામ્યો હોવાથી પ્રચારમાં ભારે ગરમાવો જોવા મળ્યો હતો, જે આવતીકાલે સાંજે સત્તાવાર રીતે શાંત પડશે.

તંત્ર દ્વારા સુરક્ષા અને શાંતિપૂર્ણ મતદાન માટે ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. સંવેદનશીલ મતદાન મથકો પર વધારાની પોલીસ ફોર્સ તૈનાત કરવામાં આવી છે અને ડ્રોન તેમજ સીસીટીવી દ્વારા સતત મોનિટરિંગ કરવામાં આવશે. આવતીકાલ સાંજ પછી કોઈ પણ બહારની વ્યક્તિ જે તે મતવિસ્તારમાં રોકાઈ શકશે નહીં તેવા આદેશો પણ જારી કરાયા છે. રવિવારે સવારે 7 વાગ્યાથી મતદાન પ્રક્રિયા શરૂૂ થશે, જેના ભવિષ્યનો ફેંસલો 28 એપ્રિલના રોજ મતગણતરી બાદ થશે. રાજ્ય ચૂંટણી કમિશનરે તમામ નાગરિકોને નિર્ભય થઈને અને મોટી સંખ્યામાં મતદાન કરવા અપીલ કરી છે.

શહેરી સંસ્થાઓ કરતા ગ્રામ્ય મતદારોની સંખ્યા વધુ

 

આ ચૂંટણીમાં મતદારોની સંખ્યા અને વ્યાપ જોતા વહીવટી તંત્ર દ્વારા અભૂતપૂર્વ તૈયારીઓ કરવામાં આવી છે. રાજ્ય ચૂંટણી પંચના તાજેતરના આંકડા મુજબ, આ ચૂંટણીમાં કુલ 4,19,20,818 (આશરે 4.19 કરોડ) મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરવા પાત્ર છે. જેમાં 15 મહાનગરપાલિકાઓના આશરે 1.10 કરોડ મતદારો, 84 નગરપાલિકાઓના 34 લાખ જેટલા મતદારો અને જિલ્લા-તાલુકા પંચાયતોના અંદાજે 2.74 કરોડ ગ્રામીણ મતદારોનો સમાવેશ થાય છે. આ આંકડો દર્શાવે છે કે રાજ્યના 95% થી વધુ મતદારો આ લોકશાહીના પર્વમાં સહભાગી થવાના છે, જેના માટે રાજ્યભરમાં હજારો મતદાન મથકો ઉભા કરવામાં આવ્યા છે.