દરોડારાજ સામે ભભૂકતો આક્રોશ, સ્થાનિક ધારાસભ્યો-સાંસદના મૌન સામે ઉઠતા સવાલો
જામનગરના બ્રાસ ઉદ્યોગકારોને જીએસટી વિભાગ દ્વારા આપવામાં આવેલી નોટિસો તેમજ જીએસટી કાયદાની જટિલતાઓના કારણે પડી રહેલી મુશ્કેલીઓના કાયમી અને વ્યવહારુ ઉકેલની માંગ સાથે જામનગરના ઉદ્યોગ સંગઠનો દ્વારા આંદોલનાત્મક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આગામી તા. 28 સપ્ટેમ્બરના રોજ સોમવારે એક દિવસ માટે ઉદ્યોગો બંધ રાખી જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવશે.
જામનગર ફેક્ટરી ઓનર્સ એસોસિએશન, જામનગર ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ તથા જીઆઈડીસી પ્લોટ/શેડ હોલ્ડર્સ એસોસિએશન ફેઝ-2ના સંયુક્ત ઉપક્રમે તા. 28 સપ્ટેમ્બરે સવારે 10 વાગ્યે જામનગર ફેક્ટરી ઓનર્સ એસોસિએશન ખાતેથી શાંતિપૂર્ણ અને લોકશાહી ઢબે મૌન સ્કૂટર-બાઈક રેલી યોજાશે.
રેલીમાં જોડાયેલા ઉદ્યોગકારો જિલ્લા કલેક્ટર કચેરી ખાતે પહોંચીને જીએસટી સંબંધિત પ્રશ્નોના ઉકેલ માટે આવેદનપત્ર પાઠવશે. ઉદ્યોગકારોના જણાવ્યા મુજબ, જીએસટી કાયદાની જટિલતાઓ તથા વિવિધ નોટિસોના કારણે પ્રામાણિક કરદાતાઓને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. આ પ્રશ્નોના નિવારણ માટે જીએસટી કાયદામાં જરૂૂરી ફેરફારો કરી સ્પષ્ટ નીતિ અને માર્ગદર્શિકા બનાવવામાં આવે તેવી રજૂઆત સરકાર સમક્ષ કરવામાં આવશે.
જામનગરના વેપાર-ઉદ્યોગ જગત સાથે સંકળાયેલી વિવિધ સંસ્થાઓને તેમના સભ્યોને તા. 28મીએ ફરજિયાત ઉદ્યોગ બંધ રાખવા તેમજ મૌન સ્કૂટર-બાઈક રેલીમાં મોટી સંખ્યામાં જોડાવા અપીલ કરવામાં આવી છે. આ આયોજનને સફળ બનાવવા માટે સંસ્થાઓ પાસેથી લેખિત સમર્થન આપવા પણ વિનંતી કરવામાં આવી છે. અત્રે એ ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં જામનગરમાં ધારાસભ્યની હાજરીમાં જીએસટીના અધિકારીઓ અને ઉદ્યોગકારોની બેઠક યોજાઇ હતી. તેમાં પણ ઉદ્યોગકારોએ જીએસટી તંત્ર દ્વારા આચરવામાં આવતા અતિરેક સામે નારાજગી વ્યકત કરી ઉગ્ર રજૂઆતો કરી હતી. આ સમયે ફરિયાદોનું નિવારણ લાવવાની ખાતરી આપવામાં આવી હતી. પરંતુ ધારાસભ્યની હાજરીમાં આપવામાં આવેલી ખાતરી પોકળ સાબિત થતાં ઉદ્યોગકારોએ આંદોલનનો માર્ગ પકડયો છે.
જીએસટી તંત્ર દ્વારા કોઇ ત્રાસવાદીને પકડવાના હોય તેવી રીતે દરોડા પાડવા ઉપરાંત આડેધડ ફટકારવામાં આવતી નોટિસો સામે ઉદ્યોગકારોમાં ભારે રોષની લાગણી પ્રવર્તી રહી છે. સ્થાનિક નેતાગીરીના મૌન સામે પણ પ્રશ્ર્નો ઉઠાવાઇ રહ્યા છે. ધારાસભ્યો અને સાંસદે જીએસટીના મામલે મોઢુ ફેરવી લેતા ઉદ્યોગકારોમાં રોષ જોવા મળી રહ્યો છે.
