જેતપુર પાસે સોલાર પ્લાન્ટની સાઇટ ઉપરથી રૂા.12.48 લાખના કેબલના ડ્રમની ઉઠાંતરી

જેતપુર તાલુકાના થાણાગાલોલ ગામની સીમમાં આવેલ સોલાર પ્લાન્ટમાંથી અજાણ્યા ચોરો દ્વારા લાખો રૂૂપિયાની કિંમતના સોલાર ડીસી કેબલ ડ્રમની ચોરી થવાની ઘટના સામે આવી છે. આ…

જેતપુર તાલુકાના થાણાગાલોલ ગામની સીમમાં આવેલ સોલાર પ્લાન્ટમાંથી અજાણ્યા ચોરો દ્વારા લાખો રૂૂપિયાની કિંમતના સોલાર ડીસી કેબલ ડ્રમની ચોરી થવાની ઘટના સામે આવી છે. આ મામલે જેતપુર તાલુકા પોલીસ મથકે રૂૂ. 12,48 લાખ ની કિંમતના 16 કેબલ ડ્રમ ચોરી થયાની ફરિયાદ નોંધાઈ છે.

મળતી વિગતો અનુસાર, અમરેલીના બગસરા ખાતે રહેતા અને સિવિલ એન્જિનિયર રોહિતભાઈ ભરતભાઈ હિરપરા થાણાગાલોલ સીમમાં ગાંડુભાઈ ઘુસાભાઈ બુટાણીની જમીનમાં આવેલ ’એમબીટ એનર્જી પ્રાઈવેટ લિમિટેડ’ ના સોલાર પ્લાન્ટમાં ઓગસ્ટ 2026થી કોન્ટ્રાક્ટર તરીકે કામગીરી સંભાળે છે. ગઈકાલે 11 ઓક્ટોબર 2026ના રોજ બપોરે અઢી વાગ્યાના અરસામાં રોહિતભાઈ અન્ય સાઈટ પર હતા ત્યારે થાણાગાલોલ સાઈટના કર્મચારી દિલીપભાઈ વસાવાએ ફોન કરીને જાણ કરી હતી કે પ્લાન્ટની દીવાલ પાસે રાખેલા 20 કેબલ ડ્રમમાંથી માત્ર 4 ડ્રમ જ હાજર છે અને બાકીના 16 ડ્રમ ગાયબ છે. રોહિતભાઈએ તરત જ સ્થળ પર પહોંચી તપાસ કરતા ’ ‘ELEGER KERPAN KABEL INDIA PVT. LTD.’  કંપનીના 16 સોલાર ડીસી કેબલ ડ્રમ ગાયબ હોવાનું માલૂમ પડ્યું હતું.

ગાયબ થયેલા એક ડ્રમમાં 6 સ્કવેર એમ.એમ.નો આશરે 1000 મીટર કેબલ હતો, જેની કિંમત રૂૂ.78,000 આંકવામાં આવી છે. આમ, કુલ 16 ડ્રમ જેની કિંમત રૂૂ.12,48 લાખ થાય છે, તે તસ્કરો રાત્રિના 1:00 થી સવારના 7:00 વાગ્યા દરમિયાન સોલાર પ્લાન્ટમાં ગેરકાયદેસર પ્રવેશ કરી ચોરી કરી ફરાર થઈ ગયા હતા. આ બનાવ અંગે કંપનીના સુપરવાઈઝર સરફરાઝભાઈ ગિરાચને જાણ કર્યા બાદ તેમની સૂચનાથી રોહિતભાઈ હિરપરાએ જેતપુર તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. જેતપુર તાલુકા પોલીસે નોંધી વધુ તપાસ હાથ ધરી છે. આ કેસની આગળની તપાસ પી.આઈ. શર્મા ચલાવી રહ્યા છે.