બાયજુના ફાઉન્ડરને સિંગાપુરમાં 6 માસની જેલ, 70 હજાર ડોલરનો દંડ

ભારતીય એડટેક કંપની BYJU’s ના સ્થાપક Byju Raveendranને સિંગાપુર કોર્ટએ અવમાનના મામલે 6 મહિનાની જેલની સજા ફટકારી છે. સાથે જ કોર્ટ દ્વારા 90 હજાર સિંગાપુર…

ભારતીય એડટેક કંપની BYJU’s ના સ્થાપક Byju Raveendranને સિંગાપુર કોર્ટએ અવમાનના મામલે 6 મહિનાની જેલની સજા ફટકારી છે. સાથે જ કોર્ટ દ્વારા 90 હજાર સિંગાપુર ડોલર એટલે કે અંદાજે 70 હજાર અમેરિકન ડોલરનો દંડ પણ ફટકારવામાં આવ્યો છે. કોર્ટએ જણાવ્યું હતું કે બાયજુ રવીન્દ્રને એપ્રિલ 2024 બાદ તેમની સંપત્તિસંબંધિત અનેક કોર્ટ આદેશોની અવગણના કરી હતી. કોર્ટએ તેમને સત્તાવાળાઓ સમક્ષ આત્મસમર્પણ કરવા અને ઇછ BR Investco કંપનીમાં પોતાની કાનૂની ભાગીદારી સાબિત કરતા દસ્તાવેજો રજૂ કરવાની પણ સૂચના આપી છે.

હાલ સુધી બાયજુ રવીન્દ્રન તરફથી આ મામલે કોઈ સત્તાવાર પ્રતિક્રિયા સામે આવી નથી. તેઓ હાલમાં સિંગાપુરમાં છે કે અન્ય કોઈ દેશમાં છે તે પણ સ્પષ્ટ થયું નથી. બાયજુસ સામે અમેરિકામાં પણ 1.2 બિલિયન ડોલરના લોન વિવાદ મામલે કાનૂની લડાઈ ચાલી રહી છે. વિદેશી રોકાણકારો અને લેણદારો કંપની પાસેથી નુકસાનની વસૂલી માટે દબાણ કરી રહ્યા છે.

એક સમય એવો હતો જ્યારે BYJU’sનું મૂલ્યાંકન 22 બિલિયન ડોલર સુધી પહોંચી ગયું હતું અને બાયજુ રવીન્દ્રન ભારતીય સ્ટાર્ટઅપ દુનિયાના સૌથી મોટા ઉદ્યોગપતિઓમાં ગણાતા હતા. પરંતુ કંપનીની આક્રમક વિસ્તરણ નીતિ અને અનેક સ્ટાર્ટઅપ્સની ખરીદી બાદ આર્થિક સ્થિતિ બગડતી ગઈ. બાયજુ રવીન્દ્રને અગાઉ એક ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું કે કંપનીનું મૂલ્ય હવે લગભગ ’શૂન્ય’ બની ગયું છે.

કંપનીએ ઝડપથી વૈશ્વિક બજારમાં પ્રવેશ કરવા માટે 24થી વધુ સ્ટાર્ટઅપ્સ ખરીદ્યા હતા અને 40 નવા બજારોમાં વિસ્તરણ કર્યું હતું. પરંતુ રશિયા-યુક્રેન યુદ્ધ બાદ વૈશ્વિક અર્થતંત્રમાં મંદી આવતા રોકાણ મળવાનું બંધ થયું. કંપનીની કેટલીક સંપત્તિઓ સીલ કરવામાં આવી છે અને બાયજુ રવીન્દ્રનને તેમના પદ પરથી સસ્પેન્ડ પણ કરવામાં આવ્યા છે. સાથે જ કંપનીમાં મોટા પાયે છટણી પણ થઈ રહી છે.