Site icon Gujarat Mirror

બાય બાય પાપા, સોરી હર ચિઝ કે લિયે, સુરતની સગીરાનો ફાંસો ખાઇ આપઘાત

માતા-પિતા માટે લાલબત્તી સમાન વધુ એક કિસ્સો હાલ સુરતના ડિંડોલી વિસ્તારમાં સામે આવ્યો છે. જ્યાં માત્ર 15 વર્ષની વિદ્યાર્થિનીએ એક સ્લેટ પર (પાટી-બોર્ડ) પર ભાવુક શબ્દો લખી જીવન ટૂંકાવ્યું છે. તેણીએ એક સ્લેટ પર ’બાય બાય પાપા, સોરી હર ચીઝ કે લિયે’ જેવા ભાવુક શબ્દો લખી પોતાના ઘરમાં જ ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી છે, ત્યારે સ્લેટ પર લખેલા આ શબ્દોએ તેના પરિવાર સહિત તેને વાંચનાર હરકોઈની આંખો ભીની કરી દીધી છે.

સુરતના ડિંડોલી વિસ્તારમાં રહેતી અને ધો.9માં અભ્યાસ કરતી 15 વર્ષીય વિદ્યાર્થિની શગુને આ રીતે ભાવુક શબ્દો લખી જીવન ટૂંકાવ્યું છે. પ્રાથમિક માહિતી મુજબ, શગુનને તેના પિતાએ અભ્યાસ અને શિસ્ત બાબતે ઠપકો આપ્યો હતો. પિતાએ તેને એક ટ્યુશન ક્લાસમાં ગેરહાજર રહેવા બાબતે તથા મોબાઈલ ફોનનો વધુ પડતો વપરાશ કરવા બાબતે એમ બે બાબતે ઠપકો આપ્યો હતો. પિતાનો આ ઠપકો શગુનને મનમાં લાગી આવ્યો હતો અને બાદમાં તેણીએ આ અંતિમ પગલું ભરવાનું નક્કી કરી લીધું હતું.

પિતાના ઠપકાના થોડા સમય બાદ જ્યારે પરિવારે જોયું ત્યારે શગુન ફાંસો ખાધેલી હાલતમાં મળી આવી હતી. શગુને જ્યારે પોતાના ઘરમાં ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું, ત્યારે તેની પાસેથી એક સ્લેટ (પાટી) મળી આવી હતી. આ સ્લેટ પર તેણે ચોકથી “’બાય બાય પાપા, સોરી હર ચીઝ કે લિયે” લખ્યું હતું. આ શબ્દો તેની માસૂમિયત અને પિતા પ્રત્યેની લાગણી તેમજ ગ્લાનિ વ્યક્ત કરતા હતા. આ ઘટના ફરી એકવાર માતા-પિતા માટે લાલબત્તી સમાન સાબિત થઈ છે, જે ફરી હાલના ડિજિટલ યુગમાં વધતી જતી સ્પર્ધાઓ વચ્ચે કિશોર વયના બાળકો માનસિક રીતે ખૂબ જ નાજુક બની રહી હોવાનું ચિત્ર બતાવે છે.

Exit mobile version