ઉદ્યોગપતિ સાથે ક્રેડિટ કાર્ડ KYC અપડેટના નામે રૂપિયા 6.52 લાખની છેતરપિંડી

સ્ક્રીન શેરિંગ કરાવ્યા બાદ ઉદ્યોગકાર સાથે ઓનલાઈન ફ્રોડ, ક્રેડિટ કાર્ડ બ્લોક કરાવ્યા તે પહેલાં જ ખાતામાંથી રકમ ઉપડી ગઈ, સ્ક્રીન શેરિંગ એપ્લિકેશન દ્વારા મોબાઈલનો એક્સેસ…

સ્ક્રીન શેરિંગ કરાવ્યા બાદ ઉદ્યોગકાર સાથે ઓનલાઈન ફ્રોડ, ક્રેડિટ કાર્ડ બ્લોક કરાવ્યા તે પહેલાં જ ખાતામાંથી રકમ ઉપડી ગઈ, સ્ક્રીન શેરિંગ એપ્લિકેશન દ્વારા મોબાઈલનો એક્સેસ મેળવી લાખો રૂપિયા સરકાવ્યા

રાજકોટ શહેરના યુનિવર્સિટી રોડ પર આવેલા નટરાજનગર વિસ્તારમાં રહેતા અને શાપરમાં સ્કીનની દવા તથા કોસ્મેટિક્સ આઈટમનો વેપાર કરતા 52 વર્ષીય ઉદ્યોગકાર નિલેશભાઈ પ્રધાનભાઈ ચંદારાણા સાયબર ફ્રોડનો ભોગ બન્યા છે. સાયબર ગઠિયાઓએ ક્રેડિટ કાર્ડનું વીડિયો કેવાયસી કરાવવાના બહાને તેમની સાથે મોટી ઠગાઈ આચરી છે. ત્રણ અલગ-અલગ ક્રેડિટ કાર્ડમાંથી કુલ રૂૂ. 6.52 લાખ ઉપાડી લેવાતા આ અંગે રાજકોટ સાયબર ક્રાઈમ પોલીસ મથકમાં વિધિવત ગુનો નોંધવામાં આવ્યો છે અને પોલીસે આગળની તપાસ હાથ ધરી છે.

સમગ્ર બનાવની વિગત મુજબ, ફરિયાદી નિલેશભાઈ પોતાના વેપાર અર્થે ત્રણ ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કરે છે. ગત તારીખ 2 ના રોજ સવારના સમયે તેમના પર એક અજાણ્યા નંબર પરથી ફોન આવ્યો હતો. સામેની વ્યક્તિએ પોતે એચડીએફસી બેંકના કર્મચારી હોવાની ઓળખ આપી હતી અને ક્રેડિટ કાર્ડ અપડેટ કરવાની લાલચ આપી હતી. ત્યારબાદ તે જ દિવસે સાંજે ફરીથી કોલ કરીને વીડિયો કેવાયસીની પ્રક્રિયા પૂર્ણ કરવાની વાત કરી હતી. સાયબર ગઠિયાએ વીડિયો કોલ દરમિયાન ઉદ્યોગકાર પાસેથી તેમના આધારકાર્ડ, પાનકાર્ડ, સેલ્ફી ફોટો અને ત્રણેય ક્રેડિટ કાર્ડની વિગતો મેળવી લીધી હતી. દસ્તાવેજો મેળવ્યા બાદ ગઠિયાઓએ કેવાયસી પ્રક્રિયામાં સિસ્ટમ એરર આવે છે તેવું બહાનું બતાવ્યું હતું. પ્રોસેસ પૂરી કરવા માટે મોબાઈલની સ્ક્રીન શેર કરવાનું કહેવામાં આવ્યું હતું. ભોગ બનનારે ગઠિયાની વાતોમાં આવીને સ્ક્રીન શેરિંગ ચાલુ કરતા જ આરોપીઓએ તેમના આખા મોબાઈલ ફોનનો રિમોટ એક્સેસ મેળવી લીધો હતો.

મોબાઈલનો કંટ્રોલ મળતા જ સાયબર ગઠિયાઓએ ક્ષણવારમાં જ તેમના ત્રણેય ક્રેડિટ કાર્ડમાંથી તબક્કાવાર કુલ રૂૂ. 6.52 લાખ ઉપાડી લીધા હતા. મોબાઈલમાંથી નાણાં કપાયાના મેસેજ આવતા જ નિલેશભાઈને પોતાની સાથે ઓનલાઈન ફ્રોડ થયાનો અહેસાસ થયો હતો. તેમણે તાત્કાલિક બેંકનો સંપર્ક કરીને પોતાના ત્રણેય ક્રેડિટ કાર્ડ બ્લોક કરાવવાની કાર્યવાહી કરી હતી. જોકે, કાર્ડ બ્લોક થાય તે પહેલાં જ સાયબર ગઠિયાઓ ટ્રાન્ઝેક્શન કરવામાં સફળ રહ્યા હતા. આ ઘટના બાદ ભોગ બનનારે તુરંત જ સાયબર ક્રાઈમની હેલ્પલાઈન પર ઓનલાઈન ફરિયાદ નોંધાવી હતી. આ ફરિયાદના આધારે સાયબર ક્રાઈમ પોલીસે અજાણ્યા ઠગો વિરુદ્ધ આઈટી એક્ટ અને છેતરપિંડીની કલમો હેઠળ ગુનો દાખલ કરી તેમની શોધખોળ શરૂૂ કરી છે.