ગોંડલ માં ફરી એકવાર રખડતા આખલાઓની સમસ્યા ગંભીર બની છે, જેના કારણે સ્થાનિક રહીશો અને વાહનચાલકોની સુરક્ષા સામે મોટો પ્રશ્ન ઊભો થયો છે. શહેરની મુખ્ય સોસાયટીઓ અને મુખ્ય માર્ગો પર આખલાઓના યુદ્ધો સામાન્ય બન્યા છે, જેમાં વાહનોને પણ નુકસાન થવાની ઘટનાઓ નોંધાઈ છે. શહેરના મુખ્ય માર્ગો પર આખલાઓના મોટા જૂથો બેફામ દોડતા જોવા મળે છે, જેના કારણે ગમે ત્યારે અકસ્માત થવાનો ભય સેવાઈ રહ્યો છે. તાજેતરમાં, નાની બજાર વિસ્તારમાં મોડી રાત્રે બે આખલાઓ વચ્ચે ભીષણ લડાઈ થઈ હતી. સ્થાનિક લોકોએ પાણી છાંટીને તેમને છૂટા પાડવાનો પ્રયાસ કર્યો હોવા છતાં, તેઓ સફળ રહ્યા નહોતા.હાર્દસમા કોલેજ ચોક સહિત રાહદારીઓ થી ભરચક વિસ્તારો માં આખલાઓ અડીંગો જમાવી બેઠા હોય છે.વધુમાં ગમેત્યારે આખલાઓ યુધ્ધ છેડી દેતા હોય રાહદારીઓ ફફડી રહ્યા છે.
નગરપાલિકા દ્વારા લાખો રૂૂપિયાના ખર્ચે ’નંદી શાળા’ બનાવવામાં આવી છે, તેમ છતાં રખડતા આખલાઓને પકડવાની કામગીરી નહી થતાં લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. નંદી શાળાના નિર્માણ સમયે આખલાઓને પકડી ને નંદીઘર ભેગા કરાયા હતા, જેના પરિણામે શહેરમાં તેમની સંખ્યામાં ઘટાડો થયો હતો. જોકે, કામગીરી બંધ થતાં હવે ફરીથી આખલાઓની સંખ્યામાં નોંધપાત્ર વધારો થયો છે. નગરપાલિકા તાત્કાલિક ધોરણે આખલા પકડવાની ઝુંબેશ ફરી શરૂૂ કરે તેવી લોકમાંગ પ્રબળ બનીછે.

