કેરળમાં સ્થાનિક સ્વરાજની સંસ્થાઓની ચૂંટણીનાં શનિવારે આવેલાં પરિણામોએ રાજકીય વિશ્ર્લેષકોને ચોંકાવી દીધા છે કેમ કે કેરળમાં પહેલી વાર ભાજપે કોઈ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં જીત મેળવીને સત્તા હાંસલ કરી છે. આ ચૂંટણીનાં પરિણામો પરથી સ્પષ્ટ છે કે, ભાજપ કેરળમાં પણ પગપેસારો કરી રહ્યો છે અને સાવ નગણ્ય રાજકીય પરિબળમાંથી જેને અવગણી ના શકાય એવી રાજકીય તાકાત બનીને ઉભરી રહ્યો છે.
લોકસભાની ચૂંટણીમાં પહેલી વાર કેરળમાં બેઠક મેળવીને ભાજપે સૌને ચોંકાવી દીધેલા પણ એ વખતે એમ કહીને ભાજપની જીતને ઓછી આંકવામાં આવેલી કે આ જીત મલયાલમ ફિલ્મ સ્ટારમાંથી રાજકારણી બનેલા સુરેશ ગોપીના સ્ટારડમની જીત છે. તિરુવનંતપુરમ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં કોઈ સ્ટાર નહોતા કે કોઈ હિંદુત્વની લહેર પણ નહોતી ને છતાં ભાજપ જીત્યો છે તેથી આ જીતને ગંભીરતાથી લેવી જ પડે.
આ પરિણામોએ કેરળમાં છેલ્લા એક દાયકાથી એકહથ્થુ શાસન ભોગવતા સીપીએમના પિનારાયી વિજયનનાં વળતાં પાણી થઈ રહ્યાં હોવાનો પણ સંકેત આપ્યો છે.
કેરળમાં આવતા વરસે વિધાનસભાની ચૂંટણી થવાની છે અને સ્થાનિક સ્વરાજની ચૂંટણીનાં પરિણામોને આધારે આગાહી કરવાની હોય તો કહી શકાય કે, કેરળમાં 2026માં જીતીને કોંગ્રેસ એક દાયકા પછી સત્તામાં પાછી ફરી એવી પ્રબળ શક્યતા છે જ્યારે એક સમયે પશ્ચિમ બંગાળ, ત્રિપુરા અને કેરળ એ ત્રણ રાજ્યોમાં એકચક્રી શાસન ભોગવતા ડાબેરીઓનો છેલ્લો ગઢ પણ ધરાશાયી થઈ જાય તો નવાઈ નહીં. કેરળમાં છ મ્યુનિસિપલ કોર્પોરેશનો, 14 જિલ્લા પંચાયતો, 86 નગરપાલિકાઓ, 152 બ્લોક એટલે કે તાલુકા પંચાયતો અને 941 ગ્રામ પંચાયતો માટે યોજાયેલી ચૂંટણીમાં ભાજપ ક્યાંય ચિત્રમાં જ નહોતો કેમ કે કેરળમાં પરંપરાગત રીતે કોંગ્રેસના નેતૃત્વ હેઠળના યુનાઈટેડ ડેમોક્રેટિક ફ્રન્ટ (યુડીએફ) અને સીપીએમ સહિતના ડાબેરી પક્ષોના લેફ્ટ ડેમોક્રેટિક ફ્રન્ટ (એલડીએફ) વચ્ચે જંગ છે.
ભાજપ સમ ખાવા પૂરતો થોડીક બેઠકો જીતે તો પણ ઘણું છે. કોંગ્રેસ માટે આ પરિણામો બહુ સારાં છે કેમ કે કોંગ્રેસે 4 મ્યુનિસિપલ કોર્પોરેશન જીતી છે. કેરળમાં તિરુવનંતપુરમ ઉપરાંત કોલ્લમ, એર્નાકુલમ, થ્રિસુર, કોઝિકોડ અને કન્નુર એમ કુલ છ મ્યુનિસિપલ કોર્પોરેશન છે. તિરુવનંતપુરમ ભાજપના ફાળે ગઈ જ્યારે કોઝિકોડમાં ડાબેરીઓનો દબદબો રહ્યો છે પણ બાકીની ચાર કોર્પોરેશન કોંગ્રેસે જીતી છે. 87 મ્યુનિસિપાલિટીમાંથી 54 કોંગ્રેસે જીતી છે અને ડાબેરીઓ માત્ર 28 જીતી શક્યા છે. 14 જિલ્લા પંચાયતોમાં કોંગ્રેસ અને ડાબેરી બંનેને 7-7 મળી છે તેથી બંને બરાબરી પર છે પણ કોંગ્રેસ શહેરી વિસ્તારોમાં ડાબેરીઓના વર્ચસ્વને તોડવામાં સફળ રહી છે એ જોતાં 2026માં સરકાર રચવાના ઉજળા સંજોગો છે.

