પુષ્કરના મેળામાં ઘોડા, ઊંટ, બકરી, પાડા જેવાં પ્રાણીઓનો ભારે દબદબો જોવા મળ્યો હતો. આ મેળામાં પ્રાણીઓ તેમનાં જાયન્ટ કદ, રૂૂપરંગ અને ખાસિયતોને કારણે ફેમસ થઈ ગયાં હતાં. જોકે આ મેળામાં છેક છેલ્લા દિવસે એક ટચૂકડી ભેંસે મહેફિલ લૂંટી લીધી હતી. આ ભેંસનું નામ હતું પિન્કી. એનું કદ છે માત્ર બે ફુટ. કદ-કાઠી એકદમ આંધ્ર પ્રદેશની પૂંગનુર ગાય જેવાં જ. મહારાષ્ટ્રના થાણેની પિન્કીની ઉંમર છે પાંચ વર્ષ. માલિક સોહેલ શકીલ એને પુષ્કર મેળામાં લઈ આવ્યા હતા. આ નોર્મલ પ્રજાતિની જ ભેંસ છે, પરંતુ એનું કદ ખૂબ જ નાનું રહી ગયું છે.
પિન્કીની મા પણ માત્ર 3 ફુટ જ ઊંચી હતી. પિન્કી હવે દૂધ પણ નથી આપતી, એમ છતાં એના ક્યુટ કદને કારણે મેળામાં ખૂબ પોપ્યુલર થઈ ગઈ હતી. આ ક્યુટ ભેંસની કિંમત 1 કરોડ રૂૂપિયા અંકાઈ રહી છે. માલિકનો દાવો છે કે આ વિશ્વની સૌથી ટચૂકડી ભેંસ છે. જોકે ગિનેસ વર્લ્ડ રેકોર્ડ્સમાં હાલમાં મહારાષ્ટ્રના સાતારા જિલ્લાના મલવડી ગામમાં ત્ર્યંબક બોરાટેના ફાર્મમાં રહેતી રાધા નામની ભેંસનું નામ છે. રાધાની ઊંચાઈ બે ફુટ અને 8 ઇંચ છે.
