બહેન સાથે મિલકત મુદ્દે ચાલતી અદાવતમાં બનેવી અને ભાણેજે યુવકને ઘરમાં ઘુસી માર માર્યો

શહેરના સ્વામિનારાયણ ચોક નજીક અંબાજી કડવા પ્લોટ વિસ્તારમાં પારિવારિક ઝઘડામાં મારામારીની ઘટના સામે આવી છે. દાદાએ પોતાની પ્રોપર્ટી પૌત્રીના નામે કરી દેતાં તેનો ખાર રાખીને…

શહેરના સ્વામિનારાયણ ચોક નજીક અંબાજી કડવા પ્લોટ વિસ્તારમાં પારિવારિક ઝઘડામાં મારામારીની ઘટના સામે આવી છે. દાદાએ પોતાની પ્રોપર્ટી પૌત્રીના નામે કરી દેતાં તેનો ખાર રાખીને બનેવી અને તેના દીકરાએ યુવકને ઢીકાપાટુનો માર માર્યો હતો. હુમલામાં ઘવાયેલા યુવકને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે.

આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ, સ્વામિનારાયણ ચોક પાસે અંબાજી કડવા પ્લોટ મેઇન રોડ પર રહેતા અને ડ્રાઇવિંગ વ્યવસાય સાથે સંકળાયેલા ધવલભાઈ ભુપતભાઈ વાઘેલા (ઉં.વ. 42) રાત્રે સાડા આઠેક વાગ્યાની આસપાસ પોતાના ઘરે હતા. તે દરમિયાન તેમના જ બનેવી રાજેશભાઈ ગોહિલ અને ભાણેજ રાજવીર ગોહિલ ત્યાં ધસી આવ્યા હતા અને ઝઘડો કરી ધવલભાઈને ઢીકાપાટુનો માર માર્યો હતો. હુમલામાં ઘવાયેલા યુવકને સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો.

આ ઘટના અંગે સિવિલ હોસ્પિટલ હોસ્પિટલ પોલીસ ચોકીના સ્ટાફે માલવિયાનગર પોલીસને જાણ કરતા માલવીયાનગર પોલીસ મથકનો સ્ટાફ તાત્કાલિક સિવિલ હોસ્પિટલ ખાતે દોડી આવ્યો હતો. પ્રાથમિક પૂછપરછમાં ધવલભાઈના પિતા ભુપતભાઈએ પોતાની મિલકત (પ્રોપર્ટી) ધવલભાઈની દીકરી પલકના નામે કરી દીધી હતી. આ વાતનો ખાર રાખીને જમાઈ રાજેશ અને પૌત્ર રાજવીરે હુમલો કર્યો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. માલવીયાનગર પોલીસે ઇજાગ્રસ્ત યુવાનનું નિવેદન નોંધી વધુ તપાસ હાથ ધરી છે.