મોરબીના લાલપર ગામે ભાઇ અને ભત્રીજાએ યુવાનનું અપહરણ કર્યુ

મોરબીના લાલપર ગામની સીમમાં આવેલા એક કારખાના પાસેથી જમીન-મકાનની અદાવતમાં સગા ભાઈ અને ભત્રીજાએ મળીને એક આધેડનું બળજબરીથી બાઈક પર અપહરણ કર્યું હતું. આરોપીઓ આધેડને…

મોરબીના લાલપર ગામની સીમમાં આવેલા એક કારખાના પાસેથી જમીન-મકાનની અદાવતમાં સગા ભાઈ અને ભત્રીજાએ મળીને એક આધેડનું બળજબરીથી બાઈક પર અપહરણ કર્યું હતું. આરોપીઓ આધેડને એકાંત જગ્યાએ લઈ ગયા હતા અને ત્યાં લાકડાના ધોકા વડે માર મારી ગંભીર મુંઢ ઈજાઓ પહોંચાડી નાસી છૂટ્યા હતા. આ અંગે મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં સગા ભાઈ અને ભત્રીજા વિરુદ્ધ અપહરણ અને મારપીટનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે.

પ્રાપ્ત વિગત મુજબ, ટંકારાના ગજડી ગામના વતની અને હાલ મોરબીના ઉમિયા સર્કલ પાસે યદુનંદન સોસાયટીમાં રહેતા 50 વર્ષીય વાસુરભાઈ સામંતભાઈ સોઢીયાએ પોતાના સગા ભાઈ મગનભાઈ સામંતભાઈ સોઢીયા અને ભત્રીજા રાજન મગનભાઈ સોઢીયા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. મોરબીના વિદ્યુતનગરમાં એક મકાન ફરિયાદી વાસુરભાઈ અને આરોપી મગનભાઈ બંનેના નામે આવેલું છે, જે મકાન આરોપી મગનભાઈ પોતાના એકલાના નામે કરી દેવાનું કહી દબાણ કરતો હતો. વાસુરભાઈએ મકાન નામે કરવાની ના પાડતા, લાલપરની સીમમાં સયાજી હોટલ સામે આવેલા આલ્ફા ડાઈમંડ ટુલ્સ કારખાના પાસે બંને આરોપીઓ ધસી આવ્યા હતા. ત્યાં વાસુરભાઈને ભૂંડી ગાળો આપી, લાફો મારીને બળજબરીથી પોતાના મોટરસાયકલ પર બેસાડી અપહરણ કરી ગયા હતા.

આરોપીઓ તેમને જાંબુડીયા બ્રીજ થઈને કોરલ ગોલ્ડ કારખાના પાસે એકાંત જગ્યાએ લઈ ગયા હતા અને ત્યાં લાકડાના ધોકા વડે પગના ભાગે આડેધડ માર મારી ગંભીર ઈજાઓ પહોંચાડી હતી. આ મામલે મોરબી તાલુકા પોલીસે ગુનો નોંધી આગળની તપાસ શરૂૂ કરી છે.

બાઇક અડફેટે મોત
મોરબીના રંગપર ગામ પાસે શ્રમશ્રદ્ધા હોટલ સામે પુલ નજીક રોડ પર ગત રાત્રે એક અકસ્માત સર્જાયો હતો. જેમાં પુરપાટ ઝડપે અને ગફલતભરી રીતે આવી રહેલા એક બાઈક ચાલકે રસ્તા પરથી પસાર થઈ રહેલા એક રાહદારી આધેડને જોરદાર ટક્કર મારી દીધી હતી. આ અકસ્માતમાં આધેડને માથાના ભાગે અત્યંત ગંભીર ઈજાઓ પહોંચી હતી.

અકસ્માત સર્જ્યા બાદ બાઈક ચાલક પોતાની મોટરસાયકલ ઘટનાસ્થળે જ મૂકીને નાસી છૂટ્યો હતો. ગંભીર રીતે ઘવાયેલા આધેડને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, જ્યાં ટૂંકી સારવાર દરમિયાન તેમનું મોત નીપજ્યું હતું.