ગુજરાત
બોક્સ ક્રિકેટ મનોરંજન છે: પ્રોજેક્ટ પડતો મૂકતી મનપા
ક્રિકેટને પ્રોત્સાહન આપવા માટે મહાનગરપાલિકાએ અલગ અલગ વિસ્તારોમાં બોક્સ ક્રિકેટ પ્રોજેક્ટ શરૂ કર્યો છે. જે અંતર્ગત થોડા સમય પહેલા બે સ્થળે તૈયાર થનાર બોક્સ ક્રિકેટનો વિરોધ થતાં પ્રોજેક્ટ પડતો મુકાયો હતો અને રેસકોર્સમાં બોક્સ ક્રિકેટ બનાવવા માટેની દરખાસ્ત આજની સ્ટેન્ડાીંગમાં રજૂ કરવામાં આવેલ પરંતુ મહિલા ગાર્ડનની બાજુમાં બોક્સ ક્રિકેટ થતુ હોવાથી તેમજ આ સ્થળ ઉપર આદીવાસી અગ્રણી બિરશા મુંડાની પ્રતિમા મુકવાની હોવાનું બહાનુ આગળ ધરી આ પ્રોજેક્ટ પણ પડતો મુકવાનું નિર્ણય લઈ હવે પછી મહાનગર પાલિકા ક્યારેય બોક્સ ક્રિકેટ નહીં બનાવે તેમ સ્ટેન્ડીંગ ચેરમેન જયમીન ભાઈ ઠાકરે જણાવ્યું હતું.
સ્ટેન્ડીંગ ચેરમેન જયમીનભાઈ ઠાકરે જણાવેલ કે, ક્રિકેટને પ્રોત્સાહન આપવા માટે બોક્સ ક્રિકેટ બનાવવાનો નિર્ણય બનાવવામાં આવેલ પરંતુ જાણકારોના મતે બોક્સ ક્રિકેટ ફક્ત મનોરંજનનું સાધન હોવાનું જાણવા મળેલ છે. જેની સામે રેસકોર્સમાં મહિલા ગાર્ડનની બાજુની જગ્યા ઉપર બોક્સ ક્રિકેટ બનાવવામાં આવે તો ન્યુસન્સ થવાની શક્યતા રહે છે. તેમજ આ સ્થળ ઉપર આદીવાસી અગ્રણી બિરશા મુંડાની પ્રતિમા મુકવાની હોય આ પ્રોજેક્ટ પડતો મુકવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ખરેખર બોક્સ ક્રિકેટની જરૂરિયાત રહેતી નથી.
આ ફક્ત મનોરંજન માટે બનાવવામાં આવે જે કોર્પોરેશનને માન્ય નથી. તેવી જ રીતે બોક્સ ક્રિકેટ ખાતે રાત્રીના 12 વાગ્યા સુધી ક્રિકેટ રસિયાઓ સહિતના એકઠા થતાં હોય રોસકોર્સ બંધ થઈ ગયા બાદ પણ ફક્ત બોક્સ ક્રિકેટની સુરક્ષાની જવાબદારી રહે છે. આ તમામ કારણોસર બોક્સ ક્રિકેટ પ્રોજેક્ટ રદ કરવામાં આવ્યો છે. તેવી જ રીતે આગામી દિવસોમાં પણ હવે કોર્પોરેશન દ્વારા શહેરમાં કોઈ સ્થળે બોક્સ ક્રિકેટ બનાવવામાં નહીં આવે.
આજની સ્ટેન્ડીંગમાં રેસકોર્સ ખાતે તૈયાર થનાર બોક્સ ક્રિકેટ પ્રોજેક્ટને પડતો મુકવામાં આવ્યો છે. આ પહેલા પણ સત્યસાંઈ રોડ ઉપર અને પેડક રોડ ઉપર મનપાના પ્લોટમાં તૈયાર થનાર બોક્સ ક્રિકેટનો આજુબાજુના રહેવાસીઓએ વિરોધ કરતા પ્રોજેક્ટ પડતો મુકવામાં આવ્યો હતો.
છતાં અમુક લોકોના જણાવ્યા મુજબ ખાનગી બોક્સ ક્રિકેટમાંથી ધુમ કમાણી થતી હોવાથી મનપા દ્વારા મામુલી દરથી બોક્સ ક્રિકેટ શરૂ કરવામાં આવે તો ખાનગી બોક્સ ક્રિકેટના સંચાલકોને મોટો ફટકો પડે તેમ છે. જેના કારણે આ લોકો દ્વારા પણ બોક્સ ક્રિકેટ મહાનગરપાલિકા ન બનાવે તેવા પ્રયત્નો કરવામાં આવી રહ્યા હતાં. જે આજે સાથર થયા છે. અને મનપાએ પ્રોજેક્ટને જ પડતો મુક્યો છે. તેવી ચર્ચા જાગી છે.