માંગરોળમાં મકતુપુરમાં બોલેરોચાલકની બેદરકારી: રિવર્ષ લેતાં આધેડનું કચડાઈ જતાં મોત

માંગરોળ પંથકમાં માર્ગ અકસ્માતોનો સિલસિલો યથાવત રહ્યો છે, ત્યારે વધુ એક ગમખ્વાર અકસ્માતની ઘટના સામે આવી છે. માંગરોળ-પોરબંદર-સોમનાથ હાઈવે પર બેદરકારીપૂર્વક વાહન ચલાવવાના કારણે વધુ…

માંગરોળ પંથકમાં માર્ગ અકસ્માતોનો સિલસિલો યથાવત રહ્યો છે, ત્યારે વધુ એક ગમખ્વાર અકસ્માતની ઘટના સામે આવી છે. માંગરોળ-પોરબંદર-સોમનાથ હાઈવે પર બેદરકારીપૂર્વક વાહન ચલાવવાના કારણે વધુ એક માનવ જિંદગી હોમાઈ ગઈ છે. ઠેબાર બાગ નજીક અકસ્માતની ઘટના આ અકસ્માત માંગરોળ તાલુકાના મક્તુપુર ગામની સીમમાં આવેલ ’ઠેબાર બાગ’ નજીક સર્જાયો હતો. ઠેબાર બાગના મુખ્ય ગેટમાંથી એક બોલેરો ગાડીનો ચાલક પોતાના વાહનને ગફલતભરી રીતે રિવર્સમાં હાઈવે રોડ તરફ કાઢી રહ્યો હતો. આ જ સમયે રહીજ ગામ તરફથી આવી રહેલા બાઈક સવાર ગોવિંદભાઈ જગમાલભાઈ રામ પોતાનું મોટરસાયકલ લઈને ત્યાંથી પસાર થઈ રહ્યા હતા.

રિવર્સમાં લેતા સમયે બોલેરોએ બાઈકને ટક્કર મારી બોલેરો ચાલકે હાઈવે પર પાછળથી આવી રહેલા વાહનોની પરવા કર્યા વિના કે જોયા વગર અચાનક જ બોલેરો રિવર્સમાં લીધી હતી, જેના કારણે રહીજ તરફથી આવી રહેલા બાઈક સવાર ગોવિંદભાઈ રામ કંઈ સમજે તે પહેલાં જ બોલેરો ગાડીએ તેમને જોરદાર ઠોકર મારીને હડફેટે લીધા હતા.માથાના ભાગે ઈજા થતા ઘટનાસ્થળે જ મોત આ અકસ્માત એટલો ભયાનક હતો કે બોલેરોની જોરદાર ટક્કર વાગતા જ બાઈક સવાર ગોવિંદભાઈ રોડ પર પટકાયા હતા અને તેમને શરીરે તેમજ માથાના ભાગે ગંભીર અને જીવલેણ ઈજાઓ પહોંચી હતી. ગંભીર ઈજાઓ થવાના કારણે ગોવિંદભાઈ જગમાલભાઈ રામનું ઘટનાસ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું.

અકસ્માત સર્જાતા જ આસપાસના સ્થાનિક લોકો અને હાઈવે પરથી પસાર થતા અન્ય વાહન ચાલકો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. સ્થાનિક લોકો દ્વારા આ અંગેની જાણ માંગરોળ પોલીસને કરવામાં આવતા પોલીસ કાફલો પણ તાકીદે ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. પોલીસે મૃતદેહનો કબજો સંભાળીને તેને પોસ્ટમોર્ટમ અર્થે હોસ્પિટલ ખસેડવાની તજવીજ હાથ ધરી હતી. હાઈવે પર રિવર્સમાં વાહન કાઢવાની બોલેરો ચાલકની ઘોર બેદરકારીએ એક હસતા-રમતા પરિવારનો માળો વિખી નાખ્યો છે. પોલીસે આ મામલે ફરાર થઈ ગયેલા બોલેરો ચાલક સામે ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.