જસદણના ગોંડલધાર ગામે કુવામાંથી માતા-પુત્રીના મૃતદેહ મળી આવતા ચકચાર મચી જવા પામી હતી. બનાવ અકસ્માતનો કે આપઘાત? તે દિશામાં પોલીસે તપાસ હાથ ધરી છે.
આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ જસદણ તાલુકાના ગોંડલધાર ગામે રહેતી ભારતીબેન સાગરભાઇ ડાભી (ઉ.વ.26) અને તેની એક વર્ષની પુત્રી જેનીશાબેનની વાડીના કૂવામાં લાશ તરતી હોવાની જાણ થતાં પોલીસ અને ફાયર બ્રિગેડનો સ્ટાફ તાત્કાલીક ઘટના સ્થળે દોડી ગયો હતો. ફાયર બ્રિગેડની ટીમે માતા-પુત્રીના મૃતદેહને બહાર કાઢી પોસ્ટમોર્ટમ અર્થે ખસેડ્યા હતા. માતા-પુત્રીના મોતથી પરિવારમાં અરેરાટી સાથે ગમગીની છવાઇ જવા પામી છે.
પ્રાથમિક પૂછપરછમાં મૃતક બાળકી અકસ્માતે કૂવામાં પડી જતાં પુત્રીને બચાવવા પડેલી માતા પણ ડૂબી ગઇ હતી. માતા-પુત્રીના ડૂબી જવાથી મોત નીપજ્યા હોવાનું પરિવાર દ્વારા જણાવવામાં આવ્યુ છે. જ્યારે પોલીસે બનાવ અકસ્માતનો કે આપઘાતનો ? તે જાણવા ફોરેન્સિક રીપોર્ટના આધારે તપાસનો દોર લંબાવ્યો છે.
