માથાકૂટ બાદ સમાધાન માટે ભેગા થયેલા બન્ને જૂથો વચ્ચે ધોકા, પાઇપ, પાવડા સહિતના હથિયારો ઉડયા: બન્ને જૂથના સાત શખ્સો સામે હત્યાના પ્રયાસનો ગુનો
જામનગર શહેરના નવાગામ ઘેડ વિસ્તારમાં ગરબી જોવા જતી વખતે થયેલી સામાન્ય બોલાચાલીનું સમાધાન કરાવવાના પ્રયાસ દરમિયાન બે જૂથો વચ્ચે ઉગ્ર તકરાર થતાં મામલો લોહિયાળ ધીંગાણામાં પરિણમ્યો હતો. હનુમાન મંદિર નજીક મોડી રાત્રે સમાધાન માટે એકત્ર થયેલા બંને પક્ષના લોકો વચ્ચે બોલાચાલી બાદ લોખંડના પાઇપ, પાવડાના હાથા અને લાકડાના ધોકા વડે સામસામા હુમલા થયાના આક્ષેપો સાથે પોલીસ ફરિયાદો નોંધાવવામાં આવી છે. આ અથડામણમાં બંને પક્ષના ત્રણ યુવાનોને માથાના ભાગે ઈજાઓ પહોંચી હતી, જેમાં એક યુવાનને 14 જેટલા ટાંકા લેવા પડ્યા હતા. બનાવ અંગે સિટી બી-ડિવિઝન પોલીસ મથકમાં બંને પક્ષની સામસામી ફરિયાદોના આધારે કુલ સાત શખ્સો સામે હત્યાના પ્રયાસ સહિતની કલમો હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરવામાં આવી છે.
નવાગામ ઘેડ વિસ્તારમાં હનુમાન ચોક નજીક મહાકાળી મંદિર પાસે રહેતા અને મજૂરીકામ કરતા હિતેશભાઈ અશોકભાઈ શિંગાળા (ઉં.વ. 25)એ નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે, બનાવના ત્રણેક દિવસ પહેલાં તેમના જૂના મિત્ર મયુર રાજેશભાઈ બાવરીયા પોતાની પત્ની કિરણબેન સાથે મોટરસાઇકલ પર ગરબી જોવા જઈ રહ્યા હતા. તે દરમિયાન પાણીના ટાંકા નજીક આશાપુરા ગેસ પાસે કેટલાક શખ્સો સાથે બોલાચાલી થઈ હતી. આ બાબતે બંને પક્ષો વચ્ચે સમાધાન કરાવવાના હેતુથી હનુમાન મંદિર પાસે લોકોને એકત્ર કરવામાં આવ્યા હતા.
સમાધાન અંગે વાતચીત ચાલી રહી હતી ત્યારે ઉમેશ રણછોડભાઈ લોલડીયા, તેનો ભાઈ રિતેશ ઉર્ફે રીટો રણછોડભાઈ લોલડીયા અને મયુર રાજેશભાઈ બાવરીયાએ નિતિનભાઈ સાથે ગાળાગાળી કરી ઝપાઝપી શરૂૂ કરી હોવાનો ફરિયાદમાં આક્ષેપ કરવામાં આવ્યો છે.મોટાભાઈ સાથે ઝઘડો થતો હોવાનું જાણીને ઘરમાંથી બહાર આવેલા હિતેશભાઈ તથા તેમના કાકા દિનેશભાઈએ વચ્ચે પડી મામલો થાળે પાડવાનો પ્રયાસ કર્યો હતો. આ દરમિયાન રિતેશ ઉર્ફે રીટોએ પોતાની પાસે રહેલા પાવડાના હાથા વડે હિતેશભાઈને જાનથી મારી નાખવાના ઇરાદે માથામાં ઘા ઝીંક્યો હોવાનો ફરિયાદમાં આક્ષેપ છે.
ગંભીર રીતે ઈજાગ્રસ્ત હિતેશભાઈને તાત્કાલિક જામનગરની જી.જી. હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા. જ્યાં તેમના માથાના ઉપરના ભાગે આઠ અને જમણી બાજુએ આશરે છ મળી કુલ 14 જેટલા ટાંકા લઈ સારવાર આપવામાં આવી હતી.
બનાવમાં સામા પક્ષે પણ હત્યાના પ્રયાસની ફરિયાદ નોંધાવતાં સમગ્ર પ્રકરણમાં નવો વળાંક આવ્યો છે. ઉમેશભાઈ રણછોડભાઈ લોલડીયા (ઉં.વ. 28)એ નોંધાવેલી સામી ફરિયાદમાં નિતીન અશોકભાઈ શિંગાળા, હિતેશ અશોકભાઈ શિંગાળા, દિનેશ શરદભાઈ શિંગાળા અને કારો ઉર્ફે બાપાસીતારામ મકવાણા સહિત ચાર શખ્સો સામે ગંભીર આક્ષેપો કર્યા છે. ઉમેશભાઈની ફરિયાદ મુજબ, તેમના મિત્ર મયુર બાવરીયાને ત્રણેક દિવસ અગાઉ ગોકુલનગર વિસ્તારમાં કેટલાક શખ્સો સાથે બોલાચાલી થઈ હતી. આ મામલે રોહિત શિંગાળાની મધ્યસ્થીથી સમાધાન કરાવવામાં આવ્યું હતું. જોકે સમાધાન થઈ ગયા બાદ પણ ફરીથી તકરાર સર્જાઈ હતી.
ફરિયાદમાં જણાવ્યા પ્રમાણે, સમાધાનના મુદ્દે નિતીન શિંગાળાએ ગાળાગાળી શરૂૂ કરતાં ઉમેશભાઈએ સમાધાન થઈ ગયું હોવાનું જણાવી મામલો શાંત પાડવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ આ દરમિયાન નિતીન શિંગાળાએ લોખંડના પાઇપ વડે ઉમેશભાઈના માથામાં ઘા ઝીંક્યા હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. હિતેશ શિંગાળાએ લોખંડના પાઇપ અને દિનેશ શિંગાળાએ લાકડાના ધોકા વડે હુમલો કર્યો હોવાનો પણ ફરિયાદમાં ઉલ્લેખ છે.આ સમયે મિત્ર ઉમેશભાઈને બચાવવા વચ્ચે પડેલા મયુર બાવરીયાને પણ લોખંડના પાઇપ વડે માથાના ભાગે માર મારવામાં આવ્યો હોવાનો આક્ષેપ છે. ઉપરાંત ઉમેશભાઈના ભાઈ છોડાવવા વચ્ચે પડતાં કારો ઉર્ફે બાપાસીતારામ મકવાણાએ તેમને ઢીકા-પાટુનો માર માર્યાનું ફરિયાદમાં જણાવાયું છે.
આ હુમલામાં ઉમેશભાઈને માથા અને પગના ભાગે ઈજાઓ પહોંચી હતી, જ્યારે મયુરને પણ માથામાં ઈજા થઈ હતી. બંને ઈજાગ્રસ્તોને જામનગરની જી.જી. હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. ઉમેશભાઈની ફરિયાદના આધારે પોલીસે નિતીન શિંગાળા, હિતેશ શિંગાળા, દિનેશ શિંગાળા અને કારો ઉર્ફે બાપાસીતારામ મકવાણા સામે હત્યાના પ્રયાસ, મારામારી સહિતની સંબંધિત કલમો તેમજ જી.પી. એક્ટ હેઠળ ગુનો નોંધ્યો છે.
