મંગળવારથી 25 દિવસ ભાજપનું ‘સેવાદૂત અભિયાન’

182 વિધાનસભા બેઠકોમાં લોકોના પ્રશ્ર્નો સાંભળવામાં આવશે અને સરકારી યોજનાની માહિતી આપવામાં આવશે આગામી ગુજરાત વિધાનસભાની ચૂંટણીઓને ધ્યાનમાં રાખીને ભાજપ દ્વારા સંગઠનને મજબૂત કરવા અને…

182 વિધાનસભા બેઠકોમાં લોકોના પ્રશ્ર્નો સાંભળવામાં આવશે અને સરકારી યોજનાની માહિતી આપવામાં આવશે

આગામી ગુજરાત વિધાનસભાની ચૂંટણીઓને ધ્યાનમાં રાખીને ભાજપ દ્વારા સંગઠનને મજબૂત કરવા અને જનસંપર્ક વધારવા માટે કમર કસવામાં આવી છે. રાષ્ટ્રીય સ્તરે શરૂૂ કરાયેલા ’સેવાદૂત અભિયાન’ અંતર્ગત ગુજરાત ભાજપ દ્વારા રાજ્યભરમાં એક વિશેષ ઝુંબેશ હાથ ધરવામાં આવી રહી છે. ભાજપના પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માની અધ્યક્ષતામાં યોજાયેલી મહત્વપૂર્ણ બેઠકમાં આ અભિયાનની રૂૂપરેખા અને કામગીરી અંગે વિસ્તૃત માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

સૌરાષ્ટ્ર ઝોનની બેઠક રાજકોટમાં યોજાઈ અને પશ્ચિમ ઝોન અને ભાવનગર ઝોનની બેઠક સુરતમાં યોજાશે. પૂર્વ ધારાસભ્યો. પૂર્વ સાંસદો, પૂર્વ જિલ્લા પ્રમુખો, જિલ્લા પંચાયતના પ્રમુખો અને પ્રદેશ સ્તરના હોદ્દેદારો આ અભિયાનમાં જોડાશે.

ગુજરાતમાં આ ’સેવાદૂત અભિયાન’ 1 ડિસેમ્બરથી 25 ડિસેમ્બર એમ કુલ 25 દિવસ સુધી ચલાવવામાં આવશે. આ અભિયાનનો મુખ્ય ઉદ્દેશ્ય દરેક વિધાનસભા વિસ્તારમાં રહી કાર્યકરો લોકો સુધી તેમના પ્રશ્નો સાંભળશે. આ સિવાય કેન્દ્ર અને રાજ્ય સરકારની યોજનાઓના લાભ વધુમાં વધુ લોકોને મળે તે માટે પ્રયાસ કરાશે. સરકારી યોજનાના લાભાર્થીઓના અનુભવો અને સફળતાની કહાણીઓનું પણ સંકલન થશે. લોકોની સમસ્યાઓ અને તેના ઉકેલ માટે પણ અભિયાનમાં કામગીરી કરાશે. સામાજિક અને આર્થિક પરિસ્થિતિનું મૂલ્યાંકન કરી સંગઠનને વધુ મજબૂત બનાવાશે. આ સિવાય જનભાગીદારી વધારવા અને નકારાત્મક પ્રશ્નોનું સમાધાન લાવવા ભાજપ આ અભિયાનમાં પ્રયાસ કરશે.

આ સમગ્ર સેવાદૂત અભિયાન દરમિયાન દરેક વિધાનસભા બેઠક પર થતી રોજેરોજની કામગીરીનો રિપોર્ટ સીધો પ્રદેશ નેતૃત્વ સુધી પહોંચાડવામાં આવશે. અંતે, આ સેવાદૂતો દ્વારા જે-તે વિધાનસભા વિસ્તારની વર્તમાન રાજકીય સ્થિતિ અંગેનો એક વિસ્તૃત અહેવાલ તૈયાર કરવામાં આવશે, જે આગામી ચૂંટણીની રણનીતિ ઘડવામાં મહત્વપૂર્ણ સાબિત થશે.

182 બેઠકો પર સિનિયર નેતાઓને જવાબદારી
’સેવાદૂત’ અભિયાન હેઠળ રાજ્યની તમામ 182 વિધાનસભા બેઠકો પર પાર્ટીના 2-2 સિનિયર નેતાઓને ’સેવાદૂત’ તરીકે મોકલવામાં આવશે. આ જવાબદારી પૂર્વ ધારાસભ્યો, પૂર્વ સાંસદો, પૂર્વ જિલ્લા પ્રમુખો, જિલ્લા પંચાયતના પ્રમુખો અને પ્રદેશ સ્તરના હોદ્દેદારોને સોંપવામાં આવી છે. દરેક વિધાનસભા વિસ્તારમાં આ અલ્પકાલીન વિસ્તારકો સાથે સ્થાનિક કાર્યકરો પણ જોડાશે, જેથી લોકો સાથે સીધો સંવાદ સાધી શકાય.