રા.લો. સંઘમાં ભાજપના મેન્ડેટનો ઉલાળિયો, 5માંથી 2 બળવાખોરો જીત્યા

રાદડીયા જુથનો દબદબો યથાવત, સહકારી ક્ષેત્રમાં કોરાટ-રૈયાણી ફેકટરનો સફાયો, સ્થાનિક રાજકારણમાં મોટો ઉલટફેર પૂર્વમંત્રી અરવિંદ રૈયાણી અને પૃથ્વીસિંહ જાડેજાને પોતાના જ મત મળ્યા, હલેન્ડ બેઠકના…

રાદડીયા જુથનો દબદબો યથાવત, સહકારી ક્ષેત્રમાં કોરાટ-રૈયાણી ફેકટરનો સફાયો, સ્થાનિક રાજકારણમાં મોટો ઉલટફેર

પૂર્વમંત્રી અરવિંદ રૈયાણી અને પૃથ્વીસિંહ જાડેજાને પોતાના જ મત મળ્યા, હલેન્ડ બેઠકના ઉમેદવારે હરિફને મત આપ્યો

એશીયાની સૌથી મોટી તાલુકા કક્ષાની સહકારી સંસ્થા રાજકોટ-લોધિકા તાલુકા ખરીદ- વેંચાણ સહકારી સંઘની 15 પૈકી 10 બેઠક બિનહરીફ થયા બાદ બાકી રહેલી પાંચ બેઠકોની ચુંટણીમાં ભાજપ સામે ભાજપના જંગમાં 21માંથી 20 મત પડયા અને 16 મતદારોએ વ્હીપનો ઉલાળીયો કરી દેતા પાંચમાંથી બે બેઠકો ઉપર બળવાખોરો ચુંટાયા હતા. જયારે બાબુ નસીત સહિત ત્રણ મેન્ડેટવાળા ઉમેદવાર જીત્યા છે. નસિતની બેઠક ઉપર પણ ભાજપે શૈલેષ પરસાણાને વોટિંગ કરવા નહીં દેતા નસીતની જીત થઇ છે.
આ ચૂંટણીમાં ભાજપના કદાવર ઉમેદવારો પૂર્વ મંત્રી અરવિંદ રૈયાણી અને પૃથ્વીસિંહ ઉર્ફે ઘોઘુભા જાડેજાને માત્ર પોતાના સિંગલ મત મળતા બન્ને નેતાઓનો પરાજય થયો હતો.

આ પરિણામોની રાજકોટ જિલ્લાના રાજકારણ ઉપર જબરી દુરોગામી અસર પડશે તેવું મનાય છે. ભાજપના પ્રદેશ મહામંત્રી પ્રશાંત કોરાટે પડદાપાછળ જે ઉમેદવારોને ટેકો આપ્યો હતો તેમાં મોટાભાગનાનો પરાજય થતાં સહકારી ક્ષેત્રમાં પ્રશાંત કોરાટની પાપાપગલીનું બાળમરણ થયું છે. જયારે જયેશ રાદડીયાનો સહકારી ક્ષેત્રમાં દબદબો યથાવત રહ્યો છે.

રા.લો. સંઘની હાઇવોલ્ટેજ ચુંટણીમાં ભાજપના વ્હીપવાળા અરવિંદ રૈયાણી તથા ઘોઘુભાનો પરાજય થયો છે. રૈયાણી સામે નીતિન ચોવટીયા જીત્યા છે તેને 4માંથી 3 મત મળ્યા હતા. જયારે ઘોઘુભા જાડેજા સામે વિજય સખીયાને પાંચમાંથી 4 મત મળ્યા હતા.

ત્રંબા બેઠક ઉપર નીતિન રૈયાણી અને અનિરૂધ્ધસિંહ જાડેજાને બે-બે મત મળતા ટાઇ થઇ હતી જેના કારણે ચિઠ્ઠી નાખીને પરિણામ નક્કી કરાતા નીતિન રૈયાણી વિજેતા બન્યા હતા. જયારે ખોખડદડ બેઠક ઉપર 4માંથી ત્રણ મત પડયા હતા. ચોથો મત શૈલેષ પરસાણાનો હતો પરંતુ તેને પાર્ટીએ મતદાન નહીં કરવા સુચના આપતા આ બેઠક ઉપર બાબુ નસીતને 3માંથી બે મત મળ્યા હતા. હલેન્ડા બેઠક ઉપર મહેશ આસોદરીયાને તમામ 4 મત મળ્યા હતા. હરિફ ઉમેદવાર ધીરૂભાઇ રોકડનો મત પણ મહેશ આસોદરીયાને મળ્યો હતો.

આ ચૂંટણીમાં રાદડીયા જુથે પોતાનો દબદબો જાળવી રાખ્યો છે અને રાદડીયા ફેકટર સામે કોરાટ-રૈયાણી ફેકટર સાફ થઇ ગયું છે. ભાજપે પણ સેન્સ લીધા બાદ વ્હીપ આપવામાં આંધળુકીયું કર્યા તેના પરિણામે ભાજપના ઉમેદવારોને હારનો સામનો કરવો પડયો છે. માત્ર આગેવાનોને થોપી બેસાડવાની નીતિ બુમરેંગ સાબીત થઇ છે.

હવે ચેરમેન પદની રેસ
રા.લો.સંઘની ચૂંટણીમાં ભાજપના જ ઉમેદવારો અને બળવાખોરો ચૂંટાયા છે. ત્યારે આગામી દિવસોમાં ચેરમેન પદ માટે રેસ લાગે તેવી પુરી શક્યતા છે. વર્તમાન ચેરમેન નરેન્દ્રસિંહ જાડેજા અને ચેરમેન પદના બીજા દાવેદાર નિતીન ઢાકેચા પણ બિનહરીફ ચૂંટાયા છે. ત્યારે આગામી દિવસોમાં ચેરમેન પદ કોને મળે છે ? તે તરફ સૌની મીટ મંડાયેલી છે. આંકડાની રમત જોઇએ તો બહુમતી સભ્યો નીતિન ઢાકેચા જૂથના છે. તેથી ભાજપ આમા પણ વ્હીપ આપે તો મોટી ઉલથ પાથલ થવાની શક્યતા દર્શાવાય છે. આગામી દિવસોમાં ચેરમેન પદની રેસ વધુ રસપ્રદ બનવાની શક્યતા જોવાઇ રહી છે.

ભાજપમાં ભારે ખેંચતાણના કારણે સુમુલ ડેરીના સુકાનીઓની ચૂંટણી બીજી વખત મોકુફ
સુરતની સુમુલ ડેરીના પ્રમુખ-ઉપપ્રમુખની મહત્વપૂર્ણ ચૂંટણી સતત બીજી વખત મોકૂફ રાખવામાં આવી છે. આજે યોજાનારી આ ચૂંટણી પ્રક્રિયા ફરી એકવાર અટકી પડતા સહકારી બેડામાં ભારે ચર્ચા જાગી છે. સત્તાધારી પક્ષ ભાજપમાં પ્રવર્તી રહેલી તીવ્ર આંતરિક ખેંચતાણ અને અસંતોષના પગલે આ ચૂંટણી મોકૂફ રાખવાની નોબત આવી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, પ્રમુખ અને ઉપપ્રમુખ પદ માટે કોને મેન્ડેટ આપવો તે નક્કી કરવામાં ભાજપ હાઈકમાન્ડ અને નેતાઓ નિષ્ફળ ગયા છે. સુમુલ ડેરીના નવા ચૂંટાયેલા સંચાલક મંડળમાં અંદરખાને ભારે ખેંચતાણ ચાલી રહી છે, જેના કારણે મેન્ડેટ કોને ફાળવવો તે મુદ્દે હજુ સુધી અસમંજસની સ્થિતિ યથાવત રહી છે. અગાઉ પણ આ ચૂંટણી કોઈને કોઈ કારણસર મોકૂફ રાખવામાં આવી હતી અને હવે બીજી વખત ચૂંટણી અટકતા ભાજપના નેતાઓ વચ્ચે બેઠકોનો દોર વધુ તીવ્ર બન્યો છે.