Site icon Gujarat Mirror

એક વર્ષ પહેલાં પિતાએ જે હૂંક પર ગળેફાંસો ખાધો ત્યાં જ દીકરીએ પણ મોત વહાલું કર્યું

રાજકોટ તાલુકાના સરધાર ગામમાં એક અત્યંત હૃદયદ્રાવક અને કરુણ ઘટના પ્રકાશમાં આવી છે. સરધારમાં સ્વામિનારાયણ મંદિર પાસે અને સૂકી સાજડીયારી રોડ પર રહેતી 16 વર્ષીય તન્વી મહેન્દ્રભાઈ મકવાણા નામની સગીરાએ પોતાના જ ઘરમાં છતના હૂંક સાથે દુપટ્ટો બાંધીને ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી છે. આ ઘટનાની સૌથી વધુ દુ:ખદ બાબત એ છે કે બરાબર એક વર્ષ પહેલાં જે જ સ્થળે અને જે રીતે તેના પિતાએ પોતાની જિંદગી ટૂંકાવી હતી, તે જ જગ્યાએ દીકરીએ પણ એ જ રીતે આત્યંતિક પગલું ભરી લીધું છે.

આ બનાવને પગલે સમગ્ર વિસ્તારમાં અરેરાટી સાથે ભારે શોકનું મોજું ફરી વળ્યું છે. ઘટના બનવાના સમયે ઘરના અન્ય તમામ સભ્યો કામઅર્થે બહાર ગયા હતા. સગીરાની માતા અને મોટી બહેન મજૂરી કામ માટે ગયા હતા, જ્યારે તેના બે નાના ભાઈઓ શાળાએ અભ્યાસ કરવા ગયા હતા. બપોરના સમયે સગીરા ઘરમાં એકલી હતી ત્યારે તેણે આ ખૌફનાક પગલું ભરી લીધું હતું. શાળાએથી નાનો ભાઈ ઘરે પરત ફર્યો ત્યારે તેણે પોતાની બહેનને છતના હૂંક સાથે લટકતી જોઈને બૂમાબૂમ કરી મૂકી હતી. અવાજ સાંભળીને આસપાસના પડોશીઓ દોડી આવ્યા હતા અને તાત્કાલિક 108 ઈમરજન્સી એમ્બ્યુલન્સને જાણ કરી હતી. જોકે, 108ના ઈએમટી સ્ટાફે સ્થળ પર પહોંચી તપાસ કરતા સગીરાને મૃત જાહેર કરી હતી.

બનાવ અંગે આજીડેમ પોલીસ સ્ટેશનને જાણ કરવામાં આવતા એએસઆઈ સાગરભાઈ પ્રધાન સહિતનો પોલીસ કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચ્યો હતો. પોલીસે જરૂૂરી કાયદાકીય કાર્યવાહી કરીને મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે રાજકોટની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડ્યો હતો. પોલીસની પ્રાથમિક તપાસમાં બહાર આવેલા તથ્યો મુજબ, મૃતક સગીરા છેલ્લા કેટલાક સમયથી આંતરડાની ગંભીર અને જૂની બીમારીથી પીડાતી હતી, જેની દવાઓ પણ સતત ચાલી રહી હતી. બીમારીના સતત દુખાવા અને તકલીફથી કંટાળીને તેમજ એક વર્ષ પૂર્વે પિતાના અવસાન બાદથી તેમના વિયોગમાં રહેતી હોવાથી તેણે આ આત્યંતિક પગલું ભર્યું હોવાનું પ્રાથમિક દ્રષ્ટિએ જણાઈ રહ્યું છે. આજીડેમ પોલીસે હાલ અકસ્માતે મોતના ગુના હેઠળ નોંધ કરી આગળની તપાસ હાથ ધરી છે.

Exit mobile version