બાઇક સેવા યાત્રામાં જોડાતા ભાજપ પ્રમુખ વિશ્ર્વકર્મા

ગુજરાત પ્રદેશ ભાજપા મીડિયા વિભાગની અખબારી યાદી જણાવે છે કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જાહેરજીવનમાં મુખ્યમંત્રી અને વડાપ્રધાન તરીકે સેવા અને સમર્પણના 25 વર્ષ પૂર્ણ થવાના…

ગુજરાત પ્રદેશ ભાજપા મીડિયા વિભાગની અખબારી યાદી જણાવે છે કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જાહેરજીવનમાં મુખ્યમંત્રી અને વડાપ્રધાન તરીકે સેવા અને સમર્પણના 25 વર્ષ પૂર્ણ થવાના ઐતિહાસિક અવસરે ભારતીય જનતા પાર્ટી દ્વારા સમગ્ર દેશમાં સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત વિવિધ સેવાકીય અને જનસંપર્કલક્ષી કાર્યક્રમો યોજાઈ રહ્યા છે.

આ અભિયાન અંતર્ગત વડનગરથી વારાણસી સુધીની ઐતિહાસિક બાઈક સેવા યાત્રાનું 17 સપ્ટેમ્બરે કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિતભાઈ શાહની વિશેષ ઉપસ્થિતિમાં પ્રસ્થાન થયું હતું.
અરવલ્લી જિલ્લાના મોડાસા ખાતે ભાજપા પ્રદેશ અધ્યક્ષ જગદીશભાઈ વિશ્વકર્માએ વડનગરથી વારાણસી બાઈક સેવા યાત્રામાં સહભાગી થઈ યુવાનોનો ઉત્સાહ વધાર્યો હતો. કિશોરપુરા ખાતે સેવા યાત્રાના સ્વાગત કાર્યક્રમમાં પણ પ્રદેશ અધ્યક્ષ વિશ્વકર્મા જોડાયા હતા. જગદીશભાઈ વિશ્વકર્માએ મોડાસા ખાતે યુવા સંવાદ કાર્યક્રમમાં ઉપસ્થિત રહી વિકસિત ભારતના નિર્માણમાં યુવા શક્તિની મહત્વપૂર્ણ ભૂમિકા અંગે ચર્ચા કરી હતી. જગદીશભાઈ વિશ્વકર્માએ મેઘરજ ખાતે યોજાયેલી ગ્રામસભામાં ઉપસ્થિત રહી ગ્રામજનો સાથે સીધો અને આત્મીય સંવાદ સાધ્યો હતો.

ભાદરવી પૂનમના પાવન અવસરે લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ પગપાળા જગતજનની મા અંબાના દર્શન માટે અંબાજી ધામ તરફ પ્રયાણ કરી રહ્યા છે. ત્યારે અરવલ્લી જિલ્લા ભાજપા સંગઠન દ્વારા સેવા એ જ સંગઠનની ભાવનાને સાકાર કરતા વિસામો પદયાત્રી સેવા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. ભાજપા પ્રદેશ અધ્યક્ષ જગદીશભાઈ વિશ્વકર્માએ આ ‘વિસામો’ સેવાકેમ્પની મુલાકાત લઈ માઈભક્તોની સેવાનો લાભ લીધો હતો અને અંબાજી તરફ પગપાળા જઈ રહેલા શ્રદ્ધાળુઓ સાથે આત્મીય સંવાદ સાધ્યો હતો.