Site icon Gujarat Mirror

ભાજપ નેતાની કારે પાંચને કચડી નાખ્યા, ટોળાએ પકડી ઢીબી નાખ્યા

મધ્ય પ્રદેશના મુરૈના જિલ્લામાં એક ભાજપ નેતાની બેફામ કારે ભયાનક અકસ્માત સર્જ્યો છે. નશાની હાલતમાં સ્પીડમાં કાર ચલાવી રહેલા નેતાએ રસ્તા કિનારે તાપણી કરી રહેલા પાંચ લોકોને અડફેટે લીધા હતા. આ ઘટના બાદ રોષે ભરાયેલા સ્થાનિકોએ નેતાને પકડીને બરાબરનો મેથીપાક ચખાડ્યો હતો, જોકે બાદમાં આરોપી પોલીસ કસ્ટડીમાંથી ફરાર થઈ જતા અનેક સવાલો ઉભા થયા છે.

ઘટના પૌરસા પોલીસ સ્ટેશન વિસ્તારના જોટઈ રોડની છે. મળતી માહિતી મુજબ, આરોપી ભાજપ નેતા દીપેન્દ્ર ભદૌરિયા દારૂૂના નશામાં ધૂત થઈને ફૂલ સ્પીડમાં કાર નંબર: MP 06 CA 5172 ચલાવી રહ્યા હતા. જોટઈ રોડ બાયપાસ ચોકડી પાસે કેટલાક લોકો ઠંડીથી બચવા માટે તાપણું કરીને બેઠા હતા. આ દરમિયાન બેકાબૂ કાર આ લોકો પર ફરી વળી હતી.આ અકસ્માતમાં કુલ પાંચ લોકો ઘાયલ થયા છે, જેમાંથી ત્રણની હાલત અત્યંત નાજુક હોવાનું કહેવાય છે. અકસ્માત સર્જ્યા બાદ પણ નેતાએ ગાડી રોકી નહોતી અને આગળ જઈને બીજી એક ગાડીને પણ ટક્કર મારી હતી.

અકસ્માત જોઈને આસપાસના લોકો દોડી આવ્યા હતા અને ભાગી રહેલા દીપેન્દ્ર ભદૌરિયાને પકડી લીધો હતો. રોષે ભરાયેલા ટોળાએ તેની એવી ધુલાઈ કરી કે તેના નાકમાંથી લોહી નીકળવા લાગ્યું હતું.
ત્યારબાદ લોકોએ તેને પોલીસને હવાલે કર્યો હતો. જોકે, આશ્ચર્યજનક રીતે આરોપી દીપેન્દ્ર પોલીસની અટકાયતમાંથી ફરાર થઈ ગયો છે. ગ્રામજનોનો સીધો આરોપ છે કે પોલીસે જ સત્તાધારી પક્ષના નેતાને ભગાડવામાં મદદ કરી છે.

Exit mobile version