હાઇકોર્ટ બેંચનો જશ ખાટવા ભાજપ પ્રેરિત વકીલોમાં ભાગલા

સૌરાષ્ટ્રના પાટનગર રાજકોટને હાઇકોર્ટ બેંચની વર્ષોની માંગણી મુદ્દે ફરી રાજકોટ બાર એસો.એ ચળવળના મંડાણ માડ્યા હોય તેમ થોડા સમય પૂર્વે જ રાજકોટ ખાતે સૌરાષ્ટ્ર-કચ્છના વકિલોની…

સૌરાષ્ટ્રના પાટનગર રાજકોટને હાઇકોર્ટ બેંચની વર્ષોની માંગણી મુદ્દે ફરી રાજકોટ બાર એસો.એ ચળવળના મંડાણ માડ્યા હોય તેમ થોડા સમય પૂર્વે જ રાજકોટ ખાતે સૌરાષ્ટ્ર-કચ્છના વકિલોની બેઠક મળી હતી. જેમાં સૌરાષ્ટ્ર-કચ્છના વકિલો દ્વારા એક દિવસીય હડતાલનું આયોજન કરવામાં આવ્યુ હતું અને સૌરાષ્ટ્ર-કચ્છમાં તમામ જિલ્લા – તાલુકા મથકે વકિલ મંડળો દ્વારા કલેક્ટર, ડે.કલેક્ટર અને મામલતદાર સહિતના ઉચ્ચ અધિકારીઓને આવેદન પત્ર પાઠવવામાં આવ્યા હતા. જે આવેદન પત્ર પાઠવ્યા બાદ રાજકોટ બાર એસો.ના પ્રમુખ સુમીત વોરા દ્વારા ભાજપે ચૂંટણી ઢંઢેરામાં હાઇકોર્ટ બેંચને લઇને જે વચન આપવામાં આવ્યુ હતુ. તેનુ પાલન ભાજપ સરકાર દ્વારા થતુ ન હોય આ મુદ્દે પ્રજાને સાથી રાખી આંદોલન કરવાની ચેતવણી આપી હતી.

જે નિવેદન સામે રાજકોટ શહેર ભાજપ લીગલ સેલ દ્વારા વાંધો ઉઠાવવામાં આવ્યો હતો અને પ્રમુખ દ્વારા આપવામાં આવેલ નિવેદનને વખોડી કાઢવામાં આવ્યુ હતું. ભાજપ પ્રેરીત વકિલોમાં તડા પડ્યા હોય તેમ છેલ્લા ઘણા સમયથી રાજકોટ બાર એસો.ની ચૂંટણીમાં ભાજપ પ્રેમી વકિલોના બંન્ને જૂથ આમને સામને ચૂંટણી મેદાનમાં ઝંપાલાવી રહ્યા છે. ભાજપ પ્રેરીત વકિલોમાં ચાલતો જૂથવાદ ચૂંટણી સમયે જોવા મળે છે. પરંતુ હવે હાઇકોર્ટની બેંચનો જશ ખાટવા પણ ભાજપ પ્રેરીત વકિલોમાં ભાગલા પડ્યા હોય તેમ ગઇકાલે રાજકોટની મુલાકાતે આવેલા મુખ્યમંત્રીને સંયુકત રીતે દબાણ લાવવાના બદલે બાર એસો. અને ભાજપ લીગલ સેલ દ્વારા અલગ અલગ રજૂઆત કરવામાં આવી હતી.

બાર એસો. દ્વારા મુખ્યમંત્રી સમક્ષ હાઈકોર્ટ બેંચની પ્રબળ માંગ સાથે રજૂઆત
રાજકોટ પધારેલા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની વિશેષ ઉપસ્થિતિમાં રાજકોટ બાર એસોસિએશન દ્વારા એક ગરિમાપૂર્ણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે રાજકોટ બાર એસોસિએશનના હોદ્દેદારો દ્વારા મુખ્યમંત્રીનું સ્વાગત કરી તેમને યાદગાર મોમેન્ટો અર્પણ કરીને વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું. આ મુલાકાત દરમિયાન સૌરાષ્ટ્ર અને કચ્છ વિસ્તારના વકીલો અને જનતાના હિતોને લગતા પ્રશ્નો અંગે ચર્ચા કરવામાં આવી હતી. બાર એસોસિએશન દ્વારા મુખ્યમંત્રીને સૌરાષ્ટ્ર અને કચ્છ વિસ્તાર માટે રાજકોટ ખાતે હાઈકોર્ટની બેંચ મંજૂર કરવા અંગેની એક વિસ્તૃત પ્રપોઝલ અને આવેદનપત્ર સુપ્રત કરવામાં આવ્યું હતું. રજૂઆત દરમિયાન બાર એસોસિએશનના હોદ્દેદારોએ જણાવ્યું હતું કે દેશના અન્ય ઘણા મોટા રાજ્યોમાં નાગરિકોની સુવિધા અર્થે એકથી વધુ હાઈકોર્ટ બેંચ સફળતાપૂર્વક કાર્યરત છે. સૌરાષ્ટ્ર અને કચ્છના વિશાળ ભૌગોલિક વિસ્તારમાંથી પક્ષકારોને અમદાવાદ હાઈકોર્ટ સુધી લંબાવું ન પડે અને સ્થાનિક ધોરણે ઝડપી તથા સસ્તો ન્યાય મળી રહે તે માટે રાજકોટ ખાતે બેંચ ફાળવવી અત્યંત જરૂૂરી છે. રાજકોટ એ સમગ્ર સૌરાષ્ટ્રનું મધ્યવર્તી કેન્દ્ર હોવાથી અહીં બેંચ શરૂ થવાથી લાખો પક્ષકારો અને વકીલ મિત્રોને ન્યાયિક પ્રક્રિયામાં મોટો ફાયદો થશે તે બાબત પર વિશેષ ભાર મુકવામાં આવ્યો હતો. આ તકે રાજકોટ બાર એસો.ના પ્રમુખ સુમિત વોરા, બાર કાઉન્સિલ ઓફ ઈન્ડિયાના કો-ચેરમેન દિલીપભાઈ પટેલ, સેક્રેટરી નિલેશ પટેલ, જોઈન્ટ સેક્રેટરી જયેન્દ્રભાઈ ગોંડલીયા તેમજ લાઈબ્રેરી સેક્રેટરી કેતનભાઈ મંડ સહિતના અગ્રણી હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા. તમામ પ્રતિનિધિઓએ એકસૂરે રાજકોટ ખાતે હાઈકોર્ટ બેંચની સ્થાપનાની તાતી જરૂરિયાત દર્શાવી વિસ્તૃત વિગતો રજૂ કરી હતી.

હાઇકોર્ટની સર્કિટ બેંચ માટે લીગલ સેલ દ્વારા રજૂઆત
રાજકોટ ખાતે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ ઉપસ્થિતિમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ખાતે યોજાયેલા કાર્યક્રમ સમયે ભાજપ લીગલ સેલના હોદ્દેદારોએ ચૂંટાયેલા પ્રતિનિધિને સાથે રાખી મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલને હાઇકોર્ટની સર્કિટ બેંચની રજૂઆત કરવામાં આવી હતી. મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલે આ અંગે હકારાત્મક અભિગમ અપનાવ્યો છે.ભાજપ લીગલ સેલના પ્રદેશ સહ-સંયોજક અનિલભાઈ દેસાઈ, રાજકોટ મહાનગર સંયોજક પિયુષભાઈ શાહ, પૂર્વ સંયોજક અંશભાઈ ભારદ્વાજ, સહ-સંયોજક કમલેશભાઈ ડોડીયા, સિનિયર એડવોકેટ અર્જુનભાઈ પટેલ, દિલેશભાઈ શાહ ભાજપ લીગલ સેલના એડવોકેટ અને કોર્પોરેશનના બાગ બગીચા સમિતિના ચેરમેન રક્ષિતભાઈ કલોલા, પૂર્વ સહ-સંયોજક સી એચ પટેલ, સિનિયર એડવોકેટ અજયભાઈ જોશી દ્વારા મુખ્યમંત્રી અને પ્રભારી મંત્રી જીતુભાઈ વાઘાણી, શહેર પ્રમુખ માધવભાઈ દવે, મેયર નેહલભાઈ શુક્લ, ધારાસભ્યો રમેશભાઈ ટીલાળા, દર્શિતાબેન શાહ અને સંગઠનના હોદ્દેદારોની હાજરીમાં રૂૂબરૂૂ મળી રાજકોટને હાઇકોર્ટની સર્કિટ બેંચ આપવા માટે રજૂઆત કરી હતી.તેમજ અગાઉ પણ ભાજપ લીગલ સેલ રાજકોટ મહાનગર દ્વારા ધારાસભ્યઓ અને સંસદસભ્યને તેમજ સંગઠનના હોદ્દેદારો મારફતે સરકારને રજૂઆતો કરી છે. તેવું મુખ્યમંત્રીના ધ્યાન ઉપર મુકેલ હતું મુખ્યમંત્રી દ્વારા આ અંગે હકારાત્મક પ્રતિસાદ આપેલ હતો આ માટે ભાજપ લીગલ સેલના સર્વે હોદ્દેદારો દ્વારા મુખ્યમંત્રીને રૂબરૂ મુલાકાત કરાવવા બદલ શહેર પ્રમુખ માધવભાઈ દવે અને યુવા મેયર તેમજ એડવોકેટ નેહલભાઈ શુક્લનો આભાર માનેલ છે.