રાજકોટ-લોધિકા ખરીદ-વેચાણ સહકારી સંઘની ચૂંટણીમાં ભાજપ આંતરીક જૂથબંધીમાં બળવાના બ્યુગલ ફૂંકાયા બાદ હવે ભડકો થયો છે. જિલ્લા ભાજપ પ્રમુખે રા.લો.સંઘના વિજેતા ઉમેદવાર વિજય સખિયા સહિત 4 આગેવાનોને સસ્પેન્ડ કરવા ભલામણ કરી છે તો વિજય સખિયાએ જિલ્લા ભાજપ પ્રમુખ અલ્પેશ ઢોલરીયા સામે આર્થિક ‘વહિવટ’ અને લાગવગ શાહી સહિતના આક્ષેપો કરતા ભારે ખળભળાટ મચી ગયો છે.
રાજકોટ-લોધિકા સહકારી સંઘની પ્રતિષ્ઠિત ચૂંટણી સંપન્ન થયા બાદ હવે ભાજપ સંગઠનમાં આંતરિક વિવાદ ચરમસીમાએ પહોંચ્યો છે. પક્ષ દ્વારા જાહેર કરાયેલા સત્તાવાર મેન્ડેટની અવગણના કરી ચૂંટણી મેદાનમાં ઉતરેલા 4 અગ્રણીઓ સામે જિલ્લા ભાજપ સંગઠને લાલ આંખ કરી છે અને તેમની સામે શિસ્તભંગના કડક પગલાં લેવા માટે પ્રદેશ મોવડીમંડળને રિપોર્ટ સોંપ્યો છે.
મળતી વિગતો મુજબ, સહકારી સંઘની ચૂંટણીમાં પક્ષના વલણ વિરુદ્ધ જઈ કેટલાક આગેવાનોએ બળવાખોર ઉમેદવારી નોંધાવી હતી. આ બાબતને ગંભીર શિસ્તભંગ ગણી રાજકોટ જિલ્લા ભાજપ પ્રમુખ અલ્પેશ ઢોલરિયાએ સીધો પ્રદેશ અધ્યક્ષ સમક્ષ પત્ર વ્યવહાર કર્યો છે. પત્રમાં પક્ષ વિરોધી પ્રવૃત્તિ અને મેન્ડેટનું ઉલ્લંઘન કરવા બદલ વિજયભાઇ સખીયા ડિરેક્ટર રાજકોટ ડેરી તેમજ પ્રતિનિધિ રાજકોટ ડિસ્ટ્રિક બેંક, વિજયભાઈ કોરાટ – વાઇસ ચેરમેન રાજકોટ માર્કેટયાર્ડ, જયેશભાઈ બોઘરા – ચેરમેન રાજકોટ માર્કેટયાર્ડ તેમજ ભૂપતસિંહ જાડેજા પ્રમુખ વાજડી ગામ સેવા સહકારી મંડળી સામે શિસ્તભંગના પગલા ભરવા રિપોર્ટ કર્યો છે.
બીજી તરફ રાજકોટ લોધિકા સંઘની ચૂંટણી વિવાદિત બની છે. માધાપર જૂથની બેઠક પર ભાજપના મેન્ડેટ પર ચૂંટણી લડતા પૃથ્વીસિંહ ઉર્ફે ઘોઘુભા જાડેજા સામે વિજય સખીયાની જીત થતા જિલ્લા ભાજપ પ્રમુખ અલ્પેશ ઢોલરીયાએ સખીયા ભાજપના કાર્યકર્તા નથી તેવું નિવેદન આપ્યું. જેની સામે વિજયભાઈએ આજે મીડિયા સમક્ષ આવી પોતે ભાજપના કાર્યકર્તા હોવાનો પુરાવો આપ્યો હતો અને ભાજપે આપેલું વ્હીપ જાહેર કર્યું અને ઢોલરિયા સામે પૂરાવા વિના આર્થિક વ્યવહારો કરતા હોવાના આક્ષેપો કર્યા હતા તો અહીંના એક મતદારે પોતાનું અપહરણ થયાનો ખૂલાસો કર્યો હતો.
માધાપર જૂથમાં ચૂંટણી જીતતા વિજય સખીયાએ જણાવ્યું હતું કે, રાજકોટ – લોધિકા સંઘની ચૂંટણીમાં મને પાર્ટીએ એવું કીધું હતું કે પહેલા ફોર્મ ભરી દો, બધા પાર્ટીના જ છે. પછી પાછું ફોર્મ ખેંચવાના ટાઈમે ટિકિટ બીજાને આપી એટલે મેં ફોર્મ રાખ્યું. આ ઉપરાંત ભાજપે મને વ્હીપ આપી. હું ભાજપમાં ન હોઉં તો મને વ્હીપ કેમ આપી? વર્ષ 2016માં હું નાગદાનભાઈ ચાવડા જિલ્લા ભાજપ પ્રમુખ હતા અને ત્યારે હું રાજકોટના પડધરી તાલુકાનો પ્રભારી હતો અને એ એમ કહે કે હું ભાજપમાં નથી.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, એ એવું સમજે છે કે ભાજપમાંથી અમે જે નક્કી કરેલા નામ હતા. એના સિવાયના ઉમેદવાર હોય એને નહીં બોલાવાના. તેમણે અલ્પેશભાઈ સામે આક્ષેપો કરતા જણાવ્યું કે, હું પ્રદેશ ભાજપને કહેવા માંગુ છું કે, જિલ્લા પંચાયતના કોઈ પણ સભ્યોને પૂછી લો કે અલ્પેશભાઈને કે કોની સાથે આર્થિક વ્યવહારો કરેલા છે? તેમણે કહ્યું કે, હું વર્ષ 2016થી ભાજપનો સક્રિય કાર્યકર્તા છું. પડધરી તાલુકા ભાજપનો પ્રભારી રહી ચૂક્યો છું.જ્યારે જયેશ રાદડિયા અંગે જણાવ્યું હતું કે, જયેશભાઈ સાથે અમારે કાયમી ફેમિલી રિલેશન છે અને કાયમી એનો સપોર્ટ અમને હોય જ છે. પણ આ ચૂંટણીમાં કાંઈ એવું હતું નહીં. અરવિંદભાઈએ ગઈકાલે કહ્યું હતું કે, 2 વ્યક્તિઓએ પાર્ટી વિરૂૂધ્ધમાં કામગીરી કરી તો હું એને કહેવા માગું છું કે ગત વિધાનસભામાં શહેરના હોદ્દેદારોને પૂછી લ્યો કે કોણે કઈ પાર્ટી માટે ક્યાં કામ કર્યું અને કોણે પાર્ટીની વિરુદ્ધમાં કામ કર્યું હતું. તેમણે જણાવ્યું કે, રા.લો. સંઘની ચૂંટણીની સેન્સ પ્રક્રિયામાં મારા મતદારો ગયા હતા અને બે વ્યક્તિએ મારી સેન્સ આપી હતી.
આમ છતાંય આ અલ્પેશભાઈએ અને એક-બે જણા બીજાના કહેવાથી તારા-મારાને ટિકિટ આપી દેવામાં આવી.મને એવું નથી લાગતું કે ઉપરથી કાંઈ હોય. આ બે-ત્રણ જણા જ અહિયાં ચલાવે છે. જેમાં અલ્પેશભાઈ ઢોલરિયા અને જિલ્લા પ્રભારી ભરતભાઈ આર્યા સામેલ છે. મતદારોને તો બહુ દબાવ્યા છે. અમુક અમુક મતદારોને એવું કીધું કે તમે ભેગા ન રહો તો પાર્ટીમાંથી રાજીનામું આપી દ્યો.તેમણે પ્રદેશ ભાજપ પ્રમુખ અને સંગઠનને કહ્યું કે પહેલા મારી હિસ્ટ્રી ચેક કરી લ્યો. મેં ક્યાંય કોઈ દી પાર્ટી વિરુદ્ધ કામ કર્યું છે? જ્યારે મતદાર લખમણભાઈ વિરાણીએ જણાવ્યું હતું કે, જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ નાગદાન ચાવડા અને ચેતન પાણના કહેવાથી મારું અપહરણ કરવામાં આવ્યું હતુ. સહી કરવાની છે તેમ કહી વાડીમાંથી મને પકડીને ગાડીમાં બેસાડી દેવામાં આવ્યો હતો. જે બાદ મને દ્વારકા લઈ જવામાં આવ્યો. જ્યાંથી મેં મારા સરપંચને ફોન કર્યો કે હું દ્વારકા છું મને તેડી જાઓ. જોકે પૈસાની કોઈ લાલચ આપવામાં આવી ન્હોતી.
જંગલ કોઇપણ હોય, સિંહ તો એક જ રહેશે : રાદડિયાના ટેકેદારોનું કેમ્પેઇન
રાજકોટ-લોધિકા સંઘની ચૂંટણીના પરિણામો જાહેર થયા બાદ સૌરાષ્ટ્રના સહકારી રાજકારણમાં ફરી ગરમાવો જોવા મળી રહ્યો છે. ચૂંટણીના પરિણામો બાદ હવે રાજકીય ચર્ચા સોશિયલ મીડિયા સુધી પહોંચી છે અને સહકારી આગેવાન તથા રાજકોટ જિલ્લા બેંકના ચેરમેન જયેશ રાદડિયાના સમર્થનમાં પોસ્ટર વોર શરૂૂ થયું છે. સોશિયલ મીડિયા પર જયેશ રાદડિયાના ફોટા સાથે વિવિધ પ્રકારના પોસ્ટર અને સ્લોગન વાયરલ થઈ રહ્યા છે. તેમાં ’જંગલ કોઈ પણ હોય, સિંહ તો એક જ રહેશે’ અને ’સૌરાષ્ટ્રના સાવજ’ જેવા લખાણો ખાસ ચર્ચામાં છે. યુવાનો અને સમર્થકો દ્વારા ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને વોટ્સએપ સહિતના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર આ પોસ્ટ્સ શેર કરવામાં આવી રહી છે. રાજકોટ જિલ્લાના સહકારી ક્ષેત્રમાં જયેશ રાદડિયાનો પ્રભાવ અને દબદબો યથાવત હોવાનો દાવો કરતા સમર્થકો આ પોસ્ટરો દ્વારા તેમની આગેવાનીને બિરદાવી રહ્યા છે. ચૂંટણી બાદ સામે આવેલી આ પોસ્ટ્સે સહકારી રાજકારણની ચર્ચાને વધુ રસપ્રદ બનાવી છે. ખાસ કરીને ’જંગલ કોઈ પણ હોય, સિંહ તો એક જ રહેશે’ જેવા સ્લોગને સોશિયલ મીડિયા પર લોકોનું ધ્યાન ખેંચ્યું છે. અલગ-અલગ ડિઝાઇન અને ફોટા સાથેની પોસ્ટ્સ વાયરલ થતાં રાજકીય વર્તુળોમાં પણ તેની ચર્ચા થઈ રહી છે.રાજકોટ-લોધિકા સંઘની ચૂંટણી બાદ શરૂૂ થયેલા આ સોશિયલ મીડિયા પોસ્ટર વોરને કારણે જયેશ રાદડિયા ફરી એકવાર સૌરાષ્ટ્રના સહકારી અને રાજકીય વર્તુળોમાં ચર્ચાના કેન્દ્રમાં આવ્યા છે. હવે આ ડિજિટલ પોસ્ટર વોર આગામી સમયમાં વધુ વેગ પકડે છે કે કેમ તેના પર સૌની નજર છે.
હું પલોઠી વાળીને બેસી રહેનારો નથી, ભાજપમાં રહીને સંઘર્ષ કરતો રહીશ
રાજકોટ-લોધિકા સહકારી સંઘની ચૂંટણીના પરિણામો સામે આવતાં જ સ્થાનિક રાજકારણમાં મોટો ઉલટફેર જોવા મળ્યો છે. ચૂંટણીમાં સૌથી વધુ ચર્ચાસ્પદ બનેલી કુવાડવા જૂથ બેઠક પર રાજ્યના પૂર્વ મંત્રી અને ભાજપના નેતા અરવિંદ રૈયાણીની અનપેક્ષિત હાર થઈ છે.
ચૂંટણી પરિણામ જાહેર થયા બાદ અરવિંદ રૈયાણીએ Facebook પર પોસ્ટ કરી હતી અને જણાવ્યું હતું કે મારી હાર થઈ છે તેની હું કબૂલાત કરું છું, પરંતુ હું પલોઠી વાળીને ઘરમાં બેસી રહેનારો માણસ નથી. સત્તા અને ખુરશી મેળવવી એ ક્યારેય મારું અંતિમ લક્ષ્ય રહ્યું નથી. હું સંઘર્ષ કરવા માટે જ જન્મ્યો છું અને પક્ષ (ભાજપ)માં રહીને જ સતત સંઘર્ષ કરતો રહીશ.
બીજી તરફ, આ પરિણામ બાદ સોશિયલ મીડિયા પર અરવિંદ રૈયાણીના સમર્થકો મેદાનમાં આવ્યા છે. કાર્યકરો દ્વારા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ પર રૈયાણીના ફોટા સાથે સંઘર્ષ જ મારી જીત છે તેવા લખાણવાળી પોસ્ટ અને સ્ટેટસ વાયરલ કરવામાં આવી રહ્યા છે. સમર્થકોએ સોશિયલ મીડિયા પર આક્રમક પોસ્ટ મૂકી પૂર્વ મંત્રીને સમર્થન આપતાં જણાવ્યું છે કે હારથી તેમનો જનસંપર્ક કે પ્રભાવ ઘટશે નહીં.
