ભાજપ કાર્યાલય ખાતે આજે 12 વોર્ડની સેન્સ પ્રક્રિયા હાથ ધરાઈ, કાલે સાંજે ત્રણ ત્રણ નામોની પેનલો બનશે
ભાજપે ગાઈડલાઈન જાહેર ન કરતાં સીટીંગ કોર્પોરેટરો અને 60 વર્ષથી વધુ વયના ત્રણ ચૂંટણી લડેલાઓએ પણ સેન્સ આપી
મહાનગરપાલિકાની ચૂંટણીની જાહેરાત ગમે તે ઘડીએ થઈ શકે છે ત્યારે રાજકોટ મહાનગરપાલિકામાં ચૂંટણી લડવા માટે થનગનતા ઉમેદવારોની પસંદગી માટે આજે શહેરના 18 પૈકી 12 વોર્ડ માટે ભાજપ દ્વારા સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. ભાજપના ચિન્હ ઉપર ચૂંટણી લડી કોર્પોરેટર બનવા કાર્યકરોમાં જબ્બર ઉત્સાહ જોવા મળ્યો હતો.
વોર્ડવાઈઝ 60થી વધુ કાર્યકરોએ ચૂંટણી લડવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. અને નિરિક્ષકો સમક્ષ પોતાની દાવેદારી વિવિધ સમીકરણો સાથે રજૂ કરી હતી બપોર સુધીમાં 6 વોર્ડની સેન્સ પ્રક્રિયા પૂર્ણ કરી લેવામાં આવી છે. 6 વોર્ડની 24 બેઠકો માટે 150થી વધુ દાવેદારોએ સેન્સ આપી હતી. બપોર બાદ વધુ 6 વોર્ડ માટે દાવેદારોને સાંભળવામાં આવશે. મોટાભાગના વોર્ડમાં સીટીંગ કોર્પોરેટરોએ પણ ફરી ચૂંટણી લડવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. બીજી તરફ ટીકીટ ફાળવણી માટે કોઈ ગાઈડલાઈન જાહેર કરવામાં આવી ન હોય 60 વર્ષથી વધુ ઉંમરના આગેવાનો અને ત્રણ ટર્મ ચૂંટમી લડેલા નેતાઓએ પણ સેન્સ આપી હતી.
રાજકોટ શહેરભાજપ કાર્યાલય કમલમ ખાતે આજે 9 પ્રદેશ નિરિક્ષકો દ્વારા રાજકોટ મહાનગરપાલિકાના અલગ અલગ વોર્ડ માટે ઉમેદવારો પસંદ કરવા માટે સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. નિર્ધારિત સમય કરતા એક કલાક સેન્સ પ્રક્રિયા મોડી શરૂૂ થઈ હતી. બીજી તરફ અપેક્ષા કરતા વધુ દાવેદારો ઉમટી પડતા વોર્ડને ફાળવાયેલા ટાઈમ પણ ઘટ્યો હતો. સરેરાશ એક વોર્ડની 4 બેઠકો માટે 60થી વધુ દાવેદારો હાલ મેદાનમાં છે. બપોર સુધીમાં 6 વોર્ડના દાવેદારોને સાંભળી લેવામાં આવ્યા છે.
જેમાં વોર્ડ નં. 1, 2, 4,5,7 અને 13નો સમાવેશ થાય છે. લંચબ્રેક બાદ બપોર પછી પ્રદેશ નિરિક્ષકો દ્વારા વોર્ડ નં. 3, 6,8,14,15 અને 17માંથી ચૂંટણી લડવા ઈચ્છુકોને સાંભળવામાં આવશે. મોડી રાત સુધી સેન્સ પ્રક્રિયા ચાલે તેવા સંકેતો હાલ દેખાઈ રહ્યા છે. આ વખતે ટોળાસાહીમાં સેન્સ આપવા પર પ્રતિબંધ મુકી દેવામાં આવ્યો હોવા છતાં વ્યક્તિગત ધોરણે કાર્યકરોમાં સેન્સ આપવા ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. 18 વોર્ડની 72 બેઠકો માટે ભાજપમાં 1000થી વધુ દાવેદારો ચૂંટણી લડવા માટે દાવેદારી કરે તેવી શક્યતા જોવાઈ રહી છે છતાં આવતીકાલે સંપૂર્ણ સેન્સપ્રક્રિયા પૂર્ણ થયા બાદ સાચો આંકડો બહાર આવશે.
બે ધારાસભ્યોએ દાવેદારી ન કરી, નયયાબેન-જયમીનની ફરી દાવેદારી
મનપાની ચૂંટણીમાં કોર્પોરેટર બનેલા ભાનુબેન બાબરિયા અને કોર્પોરેટર રહી ચુકેલા ડો. દર્શિતાબેન શાહ હાલ ધારાસભ્ય તરીકે કાર્યરત છે. જેના કારણે આ બન્નેએ આજે સેન્સ પ્રક્રિયા દરમિયાન કોર્પોરેશનની ચૂંટણી લડવા માટે કોઈ જ પ્રકારની દાવેદારી કરી ન હતી. પાછલા અઢી વર્ષની મેયરની ટર્મ અનુ. જાતીના મહિલા ઉમેદવાર માટે અનામત હોય આવામાં એવી શક્યતા હતી કે, રોટેશનને ધ્યાનમાં રાખી ભાજપ ધારાસભ્ય ભાનુબેન બાબરિયાને વોર્ડ નં. 2 માંથી કોર્પોરેશનની ચૂંટણી લડાવશે અને પછી પાછલી અઢી વર્ષની ટર્મમાં તેઓને મેયર પદે બેસાડી દેવાશે. પરંતુ જે રીતે આજે સેન્સ દરમિયાન તેઓએ દાવેદારી કરી ન હોય પક્ષ દ્વારા સુચના અપાઈ હોય તેવું પણ લાગી રહ્યું છે. જોકે, પૂર્વ પ્રેયર નયનાબેન પેઢડિયા, સ્ટેન્ડિંગ ચેરમેન જયમીન ઠાકરે ફરી ટિકિટ માંગી છે
વોર્ડ વાઈઝ દાવેદારો
વોર્ડ નં. દાવેદારો
1 – 64
2 – 61
4 – 52
5 – 42
7 – 72
13 – 34

