ચૂંટણી પંચે વિવાદિત નિર્ણય લેતા કોંગ્રેસનો વિરોધ : કોઈપણ ગુનાહિત ઇતિહાસ ધરાવતો આગેવાન મતદાન એજન્ટ તરીકે બેસશે તો લોકશાહીનું થશે ચીર હરણ
શહેર કોંગ્રેસ પ્રમુખ રાજદિપસિંહ જાડેજા, હેમાંગ વસાવડા, મહેશ રાજપૂતે સંબોધી સંયુક્ત પત્રકાર પરિષદ
સ્થાનિક સ્વરાજની ચૂંટણીને હવે ગણતરીના બે દિવસ બાકી રહ્યા છે ત્યારે કોંગ્રેસે ભાજપ પર સીધો જ આક્ષેપ કર્યો છે અને ચૂંટણી પંચ દ્વારા મતદાન એજન્ટ અંગેનો છે પરિપત્ર ની ખાસ જોગવાઈ રદ કરવાનો નિર્ણય લીધો છે તેનાથી રાજકારણ સંપૂર્ણપણે ગરમાયું છે. જે અંગે કોંગ્રેસના આગેવાન હેમાંગ વસાવડાની અધ્યક્ષતામાં કોંગ્રેસ દ્વારા પત્રકાર પરિષદ યોજવામાં આવી હતી. ડોક્ટર હેમાંગ વસાવડાએ જણાવ્યું હતું કે ભાજપ ગુંડાઓ અને અપરાધીઓના શરણે થઈ ગઈ છે અને ભાજપે જ લોકશાહીનું ચીરહરણ કર્યું છે. ગુજરાત ગુંડાઓના હવાલે થઈ ગયું હોવાનું પણ સંયુક્ત કોંગ્રેસી આગેવાનોએ જણાવ્યું હતું.
ચૂંટણી પંચ દ્વારા જે મતદાન એજન્ટ અંગેનો પરિપત્ર રદ કરવામાં આવ્યો તેનાથી રાજકારણ તો ગરમાયું છે અગાઉ આ પરિપત્રમાં એ વાતની જોગવાઈ કરવામાં આવી હતી કે, મતદાન એજન્ટ તેજ વિસ્તાર અને તે જ વોર્ડના હોવા જોઈએ અથવા તો પાડોશી વોર્ડ અને બુથ ના હોય તો ચાલે એટલું જ નહીં છે મતદાન એજન્ટોને બેસાડવામાં આવે તેના પર કોઈ પણ પ્રકારનો ગુનાહિત ઇતિહાસ ન હોવો જોઈએ જે પરિપત્રને રદ કરવામાં આવતા અનેકવિધ પ્રશ્નો ઉઠી રહ્યા છે. ત્યારે કોંગ્રેસે એવો પણ આક્ષેપ કર્યો કે હવે ભાજપ કોઈ ગુંડાને મતદાન એજન્ટ તરીકે બેસાડી શકે છે જેનો કોઈ વિરોધ થઈ શકશે નહીં. અચાનક આ જોગવાઈ રદ કરવા પાછળનો મુખ્ય હેતુ શું છે તે અંગે કોઈ સ્પષ્ટતા થઈ નથી.
પરંતુ આ નિર્ણયથી ખરા અર્થમાં રાજ્ય વર્તુળોમાં એ બાબતની પણ ચર્ચા જાગી છે કે હવે નિષ્પક્ષ ચૂંટણી થવી ખૂબ મુશ્કેલ છે અને આ બાબતે કોંગ્રેસે પણ સીધા જ આક્ષેપો ભાજપ પર કર્યા હતા.
ગુજરાત કોંગ્રેસ દ્વારા અતિ મહત્વના મુદે પ્રેસ કોન્ફરન્સ યોજવામાં આવી હતી જેમાં ડો.હેમાંગ વસાવડા, રાજદીપસિંહ જાડેજા અને મહેશ રાજપુતે પ્રેસ કોન્ફરન્સ સંબોધી હતી. ડોક્ટર હેમાંગ વસાવડાએ જણાવ્યું હતું કે ચૂંટણીના બુથ પર ગુન્હા દાખલ થયેલ વ્યક્તિઓને ન બેસવા દેવા માટેનો નિયમ દૂર કરવામાં આવ્યો છે જે અત્યંત ચોંકાવનારો છે.
માત્ર મહાનગરોમાં નહીં આ પરિપત્રથી ગ્રામ્ય વિસ્તારો એટલે કે તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતના મતદાનમાં પણ ઘણી અસર પડશે તેવા આક્ષેપો કરવામાં આવ્યા હતા..
ચૂંટણી પંચ દ્વારા અગાઉ જે પરિપત્ર કરવામાં આવ્યો હતો તેમાં એ વાતની સ્પષ્ટતા કરવામાં આવી હતી કે, નગરપાલિકા અથવા મહાનગરપાલિકાના જે તે વોર્ડના કોઈપણ મતદારમાંથી મતદાન એજન્ટની નિમણૂક કરી શકાશે. તે જ પ્રમાણે મતગણતરી એજન્ટ નગરપાલિકા – મહાનગરપાલિકાના કિસ્સામાં ચૂંટણી હેઠળના જે તે વોર્ડનો મતદાર હોવો જોઈશે. ચૂંટણી એજન્ટ/મતદાન એજન્ટ/મતગણતરી એજન્ટ પર કોઈપણ જાતનો ગુનો નોંધાયેલ ન હોવો જોઈએ કે ગુનાહિત ઈતિહાસ ધરાવતો ન હોવો જોઈએ. તે જોગવાઈ આથી રદ કરવામાં આવી હોવાનો પરિપત્ર જાહેર થયો છે.

