પ્રાઇવેટની વાત દૂર, ખુદ સરકારના પ્રોજેક્ટ ફોરેસ્ટ ખાતાની આંટીઘૂંટીમાં અટવાયા, ફોરેસ્ટ વિભાગના પ્રિન્સિ. સેક્રેટરીને કેબિનેટ સમક્ષ ખખડાવ્યા
સરકારને પણ કોઈ મોટા વિકાસના પ્રોજેક્ટ માટે તમામ વિભાગોની ક્લિયરન્સની જરૂૂર પડતી હોય છે ભલે સીએમની પણ અપ્રૂવલ હોય પણ નિયમો તો ફોલો કરવા જ પડતા હોય છે. આ નિયમો પણ એટલા માટે છે કે કયારેય કોઈ બાબતે ગેરરિતી ન થાય અને વિકાસના કામો અવિરત થતા જ રહે પણ હંમેશાં શાંત રહેતા દાદા પણ ગાંધીનગરમાં એક વિભાગ પર અકળાઈ ગયા છે.
જ એટલે જળ, જ એટલે જમીન અને જ એટલે જંગલ આ 3 ’જ’ને સાંકળતી કક્કો-બારખડીનું ABCD થાય તો પણ સરકારી તંત્રમાં આ કામગીરી સંબંધીતના પ્રશ્નોનો અંત આવતો નથી. સામાન્ય પ્રજા માટે તો આ વિભાગોની મંજૂરી લેવી એટલે અશક્યને શક્ય કરી બતાવવું એમ હોય છે પણ સરકારના વિભાગો અને એજન્સીઓ પણ આ વિભાગની પરમિશનમાં થાકી જાય છે. એવું પણ નથી કે તેઓ ખોટા હોય છે પણ આ વિભાગોમાં પરમિશન માટેના નિયમો કડક હોય છે. જેને પૂરા કરવા એટલે લોઢાના ચણા ચાવવા સમાન હોય છે.
પ્રાઈવેટ તો દૂર સરકારના પોતાના જ પ્રોજેક્ટ-વિકાસ કાર્યોનો ખર્ચ, કેપિટલ કોસ્ટ વધી રહી છે. ખુદ સરકારો પણ આ બાબતે કેટલીકવાર ભોગ બનતી હોય છે. ચીફ સેક્રેટરી મનોજ દાસે સરકારમાં વિકાસના પ્રોજેક્ટો માટે મંજૂરી માટે આંતરિક વિભાગીય ઉકેલ માટે રેલવે, ઊર્જા, શહેરી વિકાસ, સિંચાઈ, માર્ગ મકાન, પંચાયત જેવા વિભાગોના સેક્રેટરીઓને સામસામે વીડિયો કોન્ફરન્સના માધ્યમથી બેસાડીને ફાઈલ ક્લિયર કરાવી દીધી પણ કેન્દ્રની ફોરેસ્ટ મિનિસ્ટ્રીની ઓથોરિટીઓ, રાજ્યના વન વિભાગમાંથી ફોરેસ્ટ ક્લિયરન્સ મુદ્દે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને હસ્તક્ષેપ કરવો પડ્યો હતો. ચર્ચા એવી પણ છે કે, CoSમાંથી સેક્રેટરીઓને કેબિનેટમાં મંત્રી પરિષદ સમક્ષ બોલાવાયા ત્યારે મુખ્યમંત્રીએ ફોરેસ્ટના ઈન્ચાર્જ પ્રિન્સિપલ સેક્રેટરી આર સી મીણા અને સ્ટેટ ફોરેસ્ટ હેડ જયપાલસિંધને ’હવે કંઈક ફોર્મ્યુલા શોધો. દરેક વખતે તમે (ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ અને તેની ઓથોરિટીઓ) નડ્યા કરો છો’એમ કહેવું પડ્યું હતું. મુખ્યમંત્રીના આવા કહેણ અને નારાજગી પછી અધિકારીઓ કેટલા એક્ટિવ થઈને સરકારી પ્રોજેક્ટમાં સમયની બચત કરીને કોણ, કયા પ્રોજેક્ટમાં કેવી નાણાકીય બચત કરી દેખાડે છે તે જોવું રહ્યું પણ આ મામલો સચિવાલયમાં ચર્ચામાં છે.
