Site icon Gujarat Mirror

અમિત શાહ કાલથી ત્રણ દિવસ ગુજરાતમાં, સોલામાં ઉમિયાધામ હોસ્ટેલનું કરશે લોકાર્પણ

કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ આવતીકાલે તા.27 મીથી 29 મે દરમિયાન 3 દિવસ માટે ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે. આ પ્રવાસ દરમિયાન તેઓ રાજ્યના વિવિધ કાર્યક્રમોમાં ભાગ લેશે. અમદાવાદમાં તેઓ વિકાસકાર્યોની સમીક્ષા કરશે અને શિક્ષણ ક્ષેત્રના એક મહત્વપૂર્ણ કામોનું લોકાર્પણ પણ કરશે. અમિત શાહ અમદાવાદના સોલા વિસ્તારમાં આવેલ ઉમિયાધામ કેમ્પસમાં 104 કરોડના ખર્ચે નિર્મિત અત્યાધુનિક બોયઝ અને ગર્લ્સ હોસ્ટેલનું લોકાર્પણ કરશે. આ હોસ્ટેલમાં કુલ 400 રૂૂમની ક્ષમતા છે, જેમાં 1,600 વિદ્યાર્થીઓ રહી શકે એવી સુવિધા ઉભી કરવામાં આવી છે. ઉમિયાધામ સંકુલમાં આ નવું હોસ્ટેલ શિક્ષણ અને રહેઠાણ સુવિધાનો મહત્વપૂર્ણ કેન્દ્ર બનશે.

સોલાના આ હોસ્ટેલમાં વિદ્યાર્થીઓ માટે ઈ-લાઇબ્રેરી, જીમ, હાઈસ્પીડ લિફ્ટ અને 24 કલાક ગરમ પાણી જેવી સુવિધાઓ ઉપલબ્ધ છે. UPSC અને GPSC જેવી સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરતા વિદ્યાર્થીઓ માટે UCDC દ્વારા વિશેષ માર્ગદર્શનની વ્યવસ્થા કરવામાં આવી છે. ઉપરાંત હોસ્ટેલ પરિસરમાં 200 કાર અને 100 સ્કૂટર માટે પાર્કિંગની વિશાળ સુવિધા પણ ઉપલબ્ધ છે.

ત્રણ-દિવસીય કાર્યક્રમ મુજબ 28 મેના રોજ અમિત શાહ સર્કિટ હાઉસ ખાતે અમદાવાદ શહેરના વિવિધ વિકાસકાર્યોની સમીક્ષા કરશે અને નવા નિમાયેલા પદાધિકારીઓ સાથે બેઠક પણ યોજી શકે છે. 29 મેના રોજ તેઓ ભુજની મુલાકાત લેશે, જ્યાં આંતરરાષ્ટ્રીય સરહદની સુરક્ષા વ્યવસ્થાની સમીક્ષા કરવાની શક્યતા છે. આ સમગ્ર પ્રવાસ દરમિયાન રાજ્યના વિકાસ અને સરહદી સુરક્ષા મુદ્દાઓ પર ખાસ ધ્યાન કેન્દ્રિત રહેશે.

Exit mobile version