ગુજરાત

અનેક મેડલ મેળવી ગોલ્ડન ગર્લ નામને સાર્થક કરે છે ભૂમિકા ભૂત

Published

on

ગિરનાર આરોહણ-અવરોહણ સ્પર્ધા હોય,ખેલ મહાકુંભ હોય કે ડીજીપી કપ હોય દરેકમાં મેડલ,પ્રાઇઝ અને નંબર મેળવ્યા છે ભૂમિકા ભૂતે

પોલીસની ફરજ સાથે એથ્લેટિક્સ અને માઉન્ટેન્યરિંગમાં શિખરો સર કરી ભૂમિકા ભૂત સફળ બન્યા છે

2021ના વર્ષની વાત છે. ગિરનાર આરોહણ-અવરોહણ સ્પર્ધા તથા પોલીસ વિભાગનો ડીજીપી કપ બંનેનું એક જ તારીખે આયોજન થયું હતું. ગુજરાત પોલીસ વિભાગમાં ફરજ બજાવતી એ દીકરીને બંનેમાં ભાગ લેવો હતો. ઉચ્ચ અધિકારીઓએ એકબીજા સાથે ચર્ચા વિચારણા કરી ડીજીપી કપની તારીખ બદલાવી અને બીજા દિવસની રાખી કારણ કે અધિકારીને ખબર હતી કે આ દીકરી બંને સ્પર્ધામાં જરૂૂર વિજેતા બનશે. ગિરનાર આરોહણ સ્પર્ધામાં 2200 પગથિયા 37 મિનિટમાં ચડી-ઉતરીને 2 વાગે ઈનામ વિતરણ પૂર્ણ કરી તેણી રાત્રે 12 વાગ્યે ગાંધીનગર કરાઇ ખાતે પહોંચે છે અને સવારે રિપોર્ટિંગ ટાઈમે પહોંચી જાય છે. ગિરનાર ખાતે નેશનલ સ્પર્ધા હોવાથી બધા જ પ્રયત્નો લગાવી દીધા હતા.આ ઉપરાંત 12 કલાકનું ટ્રાવેલિંગ કરવાથી પગ એકદમ જકડાઈ ગયા હતા.

એક ડગલું પણ ચાલી શકાય તેમ નહોતું આમ છતાં અધિકારીઓએ મૂકેલ વિશ્વાસને સાબિત કરવા તેણી 800 મીટર અને 1500 મીટર દોડીને વિજેતા થઇ. કોઈપણ પર્વત ચડીને સામાન્ય માણસ ચાલવામાં મુશ્કેલી અનુભવે ત્યારે આ દીકરીએ દોડ સ્પર્ધામાં વિજય મેળવ્યો. ગુજરાત પોલીસમાં ફરજ બજાવવા સાથે એથ્લેટિક્સ માં પણ અવ્વલ રહેતી આ દીકરી એટલે હાલ મોરબી જિલ્લામાં ફરજ બજાવતા ભૂમિકાબેન ભૂત.


ગાંધીનગરમાં જન્મ તથા ભૂકંપ બાદ મોરબી નજીક ચાચાપરમાં અભ્યાસ કર્યો. ધોરણ 12માં 96% સાથે ઉત્તીર્ણ થયા જેથી પરિવારની ઈચ્છા દીકરીને ડોક્ટર બનાવવાની હતી પરંતુ દીકરીને નેવીમાં જોડાઈને દેશ માટે કંઈક કરી છૂટવું હતું. નેવીની પરીક્ષામાં પાસ પણ થઈ ગયા છતાં ઘરના વડીલોની મંજૂરી ન મળતા તેઓ આગળ અભ્યાસ કરવા રાજકોટ આવ્યા.રાજકોટમાં ફાર્મસી સાથે સાથે બીએસસીનો અભ્યાસ કર્યો,ત્યારબાદ જીપીએસસીની પરીક્ષાની તૈયારી દરમિયાન પોલીસ ભરતી આવી, જેમાં તેઓ ઉતીર્ણ થયા.ટ્રેનિંગ દરમિયાન ગિરનાર આરોહણ અવરોહણ સ્પર્ધામાં પણ ભાગ લીધો. 2017-18માં જિલ્લા અને રાજ્ય લેવલે ખેલ મહાકુંભમાં હારનો સામનો કરવો પડ્યો ત્યારે દિલમાં લાગી આવ્યું અને નક્કી કર્યું કે હવે પછી કોઈપણ સ્પર્ધામાં જીત મેળવીને જ રહીશ. તેમના આ નિર્ધાર બાદ તેઓએ ક્યારેય પાછું વળીને જોયું નથી.


ગિરનાર આરોહણ અવરોહણ સ્પર્ધા હોય કે ખેલ મહાકુંભ હોય કે ડીજીપી કપ હોય દરેકમાં મેડલ,પ્રાઇઝ અને નંબર મેળવ્યા છે.સ્પોર્ટ્સ માટે દોડવાની પ્રેક્ટિસ અને શારીરિક શ્રમ કરતા જોઈને ઉપરી અધિકારી એસપી ઓડેદરા સાહેબે એવરેસ્ટ સર કરવા માટે સૂચન કર્યું જે ભૂમિકાએ ખુશીથી વધાવી લીધું.


મનાલી ખાતે બેઝિક ટ્રેનિંગ,એડવાન્સ ટ્રેનિંગ બાદ 7000 ફૂટનો કોઈપણ એક પર્વત સર કરેલો હોવો જોઈએ જેમાં તેઓએ માઉન્ટ મનાસ્લુ સર કર્યું. ત્યારબાદ એવરેસ્ટ માટે પણ ખૂબ તૈયારી કરી પરંતુ એવરેસ્ટ થી 400 મીટર દૂર હતા ત્યારે અનકન્ડિશનલ વેધરના કારણે તેઓએ પાછું ફરવું પડ્યું તેઓ જણાવે છે કે, “આ એક નિરાશાજનક પળ હતી કે સામે મંઝિલ દેખાઈ રહી હતી છતાં ત્યાં પહોંચવું અશક્ય હતું.સમગ્ર મોરબી જિલ્લાની નજર મારા પર હતી.આ માટે સારો એવો ખર્ચ પણ કરવો પડ્યો હતો છતાં સફળતા ન મળી.આવા અનુભવો જ જીવનનો પાઠ શીખવે છે.” હજુ પણ તેઓ ફરી એવરેસ્ટ સર કરવા માટે જવાના છે.


એથ્લેટ તરીકે સફળ ભૂમિકાબેનને ગોલ્ડન ગર્લ તરીકે નવાજવામાં આવ્યા છે.પોતાની સફળતામાં માતા મંજુલા બેન,પિતા દુર્લભજી ભાઈ તથા પરિવારજનોનો ખૂબ સહકાર મળ્યો છે.એવરેસ્ટ સર કરવા જ્યારે 45 લાખનો ખર્ચ થવાનો હતો ત્યારે પરિવાર,પોલીસ પરિવાર અને મોરબી સિરામિક ઉદ્યોગે સપોર્ટ કર્યો આ ઉપરાંત દરેક ઉપરી અધિકારીઓનો ખૂબ સાથ સહકાર મળ્યો છે.


ભવિષ્યની યોજના અને સ્વપ્ન વિશે વાત કરતા તેઓએ જણાવ્યું કે,”જ્યારે ગુજરાત તરફથી સ્પર્ધામાં રમવાનું હોય ત્યારે એક અનુભવ એવો થતો કે ગુજરાતમાંથી સ્પર્ધકો ઓછા હોય છે.રમત પ્રત્યે ગુજરાતીઓનું વલણ નિરાશાજનક છે તેથી યુવાનો રમતગમત પ્રત્યે રસ લે તે પ્રકારે કામગીરી કરવી છે. અત્યારે પણ તેઓ પોલીસની ભરતીની તૈયારી કરતા યુવાનોને નિ:શુલ્ક ટ્રેનિંગ આપે છે અને દરેક રીતે મદદ કરવા માટે તૈયા રહે છે.એવરેસ્ટ સફર બાદ લખેલ પુસ્તક ‘હૈયું, હાડ અને હિમાલય’નો હેતુ પણ એ જ છે કે વધુમાં વધુ યુવાનો રમતગમત પ્રવૃત્તિમાં રસ લે.ભૂમિકા ભૂતને ખૂબ ખૂબ શુભેચ્છાઓ.

ગામ લોકો હાંસી ઉડાવતા… દોડી દોડીને શું કરશે?
મહિલાઓને સંદેશ આપતા તેઓએ જણાવ્યું કે કોઈ પણ કામ હોય સખત મહેનત કરો. નિરાશ થવાની જરૂૂર નથી.લોકો શું બોલશે તેની પરવા ન કરો. એક સમય આવશે કે જ્યારે નિંદા કરનાર જ તમારી પ્રશંસા કરશે. હું જ્યારે પોલીસ ભરતીની તૈયારી માટે દોડવાની પ્રેક્ટિસ કરતી હતી ત્યારે ગામના લોકો હાંસી ઉડાવતા અને પરિવારજનોને કહેતા કે દોડી દોડીને શું કરશે?એ જ લોકો આજે સફળતા મળતા સન્માન કરી રહ્યા છે. માટે લોકો તમારું સન્માન કરે,વખાણ કરે કે નિંદા કરે તેનો ફરક તમને પડવો ન જોઈએ.

ખરા અર્થમાં છે ગોલ્ડન ગર્લ
અનેક ચંદ્રકો, ઈનામો, સન્માનપત્રો પ્રાપ્ત કરનાર ભૂમિકા બેનની સફળતાની યાદી રસપ્રદ છે. ગુજરાત ગિરનાર આરોહણ અવરોહણ સ્પર્ધામાં ચાર વખત રાજ્ય કક્ષા અને ચાર વખત રાષ્ટ્રીય કક્ષાએ એમ આઠ વખત જીત્યા છે. ખેલ મહાકુંભ એથ્લેટિકસમાં ત્રણ વખત જીત્યા. ગુજરાત પોલીસ ડિપાર્ટમેન્ટ એથ્લેટિકસ સ્પર્ધા ત્રણ વખત જીત્યા. ઓલ ઈન્ડિયા પોલીસ ડિપાર્ટમેન્ટ એથ્લેટિકસ સ્પર્ધા રમ્યાં.અમદાવાદ,રાજકોટ વગેરે અનેક મેરેથોન રમી તેમાં મેડલ્સ જીત્યા. વિશ્વનું આઠમા નંબરનું માઉન્ટ મનાસ્લુ સર કર્યું. ટોપ ઓફ ધ વર્લ્ડ માઉન્ટ એવરેસ્ટ ચડ્યા. આ ઉપરાંત 30 થી વધુ ગોલ્ડ મેડલ્સ મેળવીને અનેક એથ્લેટિકસ સ્પર્ધાઓમાં વિજેતા બન્યા છે.

Wrritten by: Bhavna Doshi

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending

Exit mobile version