ભુજ ભૂકંપ, કોવિડ, મીડિયા: 25 વર્ષમાં શીખેલા પાઠ વર્ણવતા પીએમ

આજે નરેન્દ્ર મોદી – જેઓ અત્યારે વડાપ્રધાન તરીકેના તેમના ત્રીજા કાર્યકાળમાં છે – તેમણે 2001માં ગુજરાતના મુખ્યમંત્રી તરીકે સૌપ્રથમ જાહેર પદ સંભાળ્યું તેને 25 વર્ષ…

આજે નરેન્દ્ર મોદી – જેઓ અત્યારે વડાપ્રધાન તરીકેના તેમના ત્રીજા કાર્યકાળમાં છે – તેમણે 2001માં ગુજરાતના મુખ્યમંત્રી તરીકે સૌપ્રથમ જાહેર પદ સંભાળ્યું તેને 25 વર્ષ પૂર્ણ થયા છે.

આ પ્રસંગે તેમણે જણાવ્યું કે જ્યારે તેઓ તેમની સફર પર પાછળ ફરીને જુએ છે ત્યારે તેમને અપાર કૃતજ્ઞતાનો અનુભવ થાય છે. સાથે જ, તેમણે ટીકાકારોનો પણ આભાર માન્યો જેમણે તેમને ઘણું બધું શીખવ્યું છે. “જે કોઈ વ્યક્તિ કે અનુભવે મને કંઈક શીખવ્યું છે, તે દરેક પ્રત્યે હું કૃતજ્ઞ છું. જેમણે મને શીખવ્યું, તેમણે મને નમ્રતા શીખવી. જેમણે મને નીચે પાડવાનો પ્રયાસ કર્યો, તેમણે મને ફરીથી ઊભા થતા શીખવ્યું. મારા સમર્થકોએ મને પ્રોત્સાહન આપ્યું, જ્યારે ટીકાકારોએ મને આત્મ-મંથન કરતા શીખવ્યું. જેઓ મારી પડખે ઊભા રહ્યા, તેમણે મને વિશ્વાસની શક્તિનો પરિચય કરાવ્યો.

વડાપ્રધાન મોદીએ તેમના ઘડતરમાં મહત્વની ભૂમિકા ભજવનારા ચોક્કસ પ્રસંગોનો ઉલ્લેખ કર્યો, જેમાં 2001નો ભુજનો ભૂકંપ – જેણે “મને પુન:નિર્માણના કાર્યમાં અડગ રહેતા શીખવ્યું”; ચંદ્રયાન મિશન – જેણે “મને નિષ્ફળતામાંથી બેઠા થતા શીખવ્યું”; અને કોવિડ સંકટ – જેણે “મને રાષ્ટ્રની સામૂહિક ચેતનાના મહત્વનો અહેસાસ કરાવ્યો” – તેનો સમાવેશ થાય છે. તેમણે મીડિયાનો પણ આભાર માન્યો કે જેમણે તેમને “કડવા-મીઠા અનુભવો વચ્ચે પણ આગળ વધવાની” પ્રેરણા આપી.