નબળી ફિલ્ડિંગ ગુજરાતના હારનું કારણ બની, વિરાટ કોહલીનો આઇપીએલમાં સતત ચાર સીઝનમાં 600+ રનનો રેકોર્ડ
આઇપીએલ 2026ની રોમાંચક સફર હવે તેના અંતિમ પડાવ પર પહોંચી ચૂકી છે. ધર્મશાલાના હિમાચલ પ્રદેશ ક્રિકેટ એસોસિએશન સ્ટેડિયમ ખાતે રમાયેલા હાઈ-વોલ્ટેજ ક્વોલિફાયર-1 મુકાબલામાં રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ એ અદભુત પ્રદર્શન કરતા ગુજરાત ટાઇટન્સને 92 રનના મોટા અંતરથી પરાજય આપ્યો છે. આ એકતરફી જીત સાથે જ બેંગલુરુની ટીમે સીધી ફાઇનલમાં એન્ટ્રી કરી લીધી છે. આરસીબી સતત બીજી વખત અને આઇપીએલ ઇતિહાસમાં પાંચમી વાર ફાઇનલમાં પહોંચ્યું છે. ગયા વર્ષની ચેમ્પિયન બેંગલુરુ પાસે હવે પોતાનો ખિતાબ બચાવવાની સુવર્ણ તક છે.
ટોસ હાર્યા બાદ પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી રોયલ ચેલેન્જર્સ બેંગલુરુની શરૂૂઆત શાનદાર રહી હતી. સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલીએ 25 બોલમાં 43 રનની ઇનિંગ રમીને મજબૂત પાયો નાખ્યો હતો. જોકે, ખરી ધમાકેદાર ઇનિંગ મિડલ ઓર્ડરમાં આવેલા કેપ્ટન રજત પાટીદારે રમી હતી. પાટીદારે ગુજરાતના બોલરોની લાઇન-લેન્થ બગાડતા માત્ર 33 બોલમાં અણનમ 93 રન ફટકારી દીધા હતા. 281થી વધુના સ્ટ્રાઇક રેટથી રમેલા પાટીદારે પોતાની ઇનિંગમાં 9 ગગનચુંબી છગ્ગા અને 5 ચોગ્ગા માર્યા હતા. મિડલ ઓર્ડરમાં કૃણાલ પંડ્યાએ પણ 43 રનનું મહત્વનું યોગદાન આપ્યું હતું, જેના કારણે બેંગલુરુએ 20 ઓવરમાં 254 રનનો વિશાળ પહાડ જેવો સ્કોર ખડક્યો હતો.
આ મેચમાં ગુજરાત ટાઇટન્સની હારનું સૌથી મોટું કારણ તેમની નબળી ફિલ્ડિંગ અને કેચ ડ્રોપ રહ્યા હતા. મેચની 14મી ઓવરમાં પ્રસિદ્ધ કૃષ્ણાની બોલિંગ દરમિયાન ગુજરાતના ફિલ્ડરોએ 3 બોલની અંદર રજત પાટીદારને બે જીવનદાન આપ્યા. પ્રથમ બોલ પર જ્યારે પાટીદાર માત્ર 18 રને હતો ત્યારે તેમનો કેચ છૂટ્યો હતો. ત્યારબાદ આ જ ઓવરના ત્રીજા બોલ પર કાગિસો રબાડાએ વધુ એક સરળ કેચ ટપકાવી દીધો હતો. આ બે જીવનદાનનો ભરપૂર ફાયદો ઉઠાવીને પાટીદારે ગુજરાતને મેચમાંથી સંપૂર્ણપણે બહાર કરી દીધું.
255 રનના વિશાળ લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી ગુજરાત ટાઇટન્સની શરૂૂઆત ખૂબ જ ખરાબ રહી હતી.
ઇન-ફોર્મ બેટ્સમેન સાઈ સુદર્શન 14 રને હિટ-વિકેટ આઉટ થયો હતો, જ્યારે કેપ્ટન શુભમન ગિલ માત્ર 2 રન બનાવીને બોલ્ડ થઈ ગયો હતો. વિકેટકીપર જોસ બટલરે 11 બોલમાં 29 રન ફટકારી આક્રમક વલણ અપનાવ્યું પણ તે લાંબુ ટકી શક્યો નહીં. નિશાંત સિંધુ (5), વોશિંગ્ટન સુંદર (8) અને જેસન હોલ્ડર (0) સસ્તામાં આઉટ થતા ટીમ ભારે દબાણમાં આવી ગઈ હતી. રાહુલ તેવતિયાએ અડધી સદી ફટકારીને એક છેડો સાચવવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ આખી ટીમ 162 રનમાં જ સમેટાઈ ગઈ હતી. આરસીબી તરફથી જેકબ ડફીએ સૌથી વધુ 3 વિકેટ ઝડપી હતી, જ્યારે રસિખ સલામ ડાર અને ભુવનેશ્વર કુમારને 2-2 સફળતા મળી હતી.
આ હાર છતાં ગુજરાત ટાઇટન્સની ટૂર્નામેન્ટ સફર પૂરી થઈ નથી. પોઇન્ટ ટેબલમાં ટોપ-2માં હોવાને કારણે ગુજરાતને ફાઇનલમાં પહોંચવાની વધુ એક તક (ક્વોલિફાયર-2) મળશે. 29 મેના રોજ ન્યૂ ચંદીગઢ ખાતે રમાનારી ક્વોલિફાયર-2 મેચમાં ગુજરાતનો સામનો 27 મેના રોજ હૈદરાબાદ અને રાજસ્થાન વચ્ચે રમાનારા એલિમિનેટર મુકાબલાની વિજેતા ટીમ સામે થશે.
વિરાટ કોહલીએ 25 બોલમાં 43 રન બનાવ્યા હતા. ભલે તે અડધી સદી સુધી પહોંચી શક્યો ન હતો, પરંતુ તેણે આ ઇનિંગ દરમિયાન એક ખાસ રેકોર્ડ બનાવ્યો. તેણે આ સિઝનમાં 600 રનનો આંકડો વટાવી દીધો, અને સતત ચાર IPL સિઝનમાં પચાસથી વધુ રન બનાવવાની સિદ્ધિ હાંસલ કરી. જોકે, આ ઇનિંગ દરમિયાન તેને જેસન હોલ્ડરે મોટો ઝટકો આપ્યો. વિરાટ કોહલી IPLના ઇતિહાસમાં સતત ચાર વખત 600 થી વધુ રન બનાવનાર પ્રથમ ખેલાડી છે. 2023 માં, તેણે 639 રન બનાવ્યા. 2024 માં કોહલીએ 741 રન બનાવ્યા. 2025 માં વિરાટે 657 રન અને હવે તેણે ફરી એકવાર 600 રનનો આંકડો વટાવી દીધો છે. વધુમાં, તેણે IPLમાં છ વખત 600 થી વધુ રન બનાવ્યા છે. તે આ બાબતમાં નંબર વન છે. કેએલ રાહુલે ચાર વખત અને શુભમન ગિલે ત્રણ વખત આ સિદ્ધિ મેળવી છે.
રજત પાટીદારનું રનનું તાંડવ, અણનમ 93 ફટકાર્યા
ધર્મશાલાના મેદાન પર રજત પાટીદાર સંપૂર્ણપણે અલગ જ મૂડમાં જોવા મળ્યો હતો. તેણે પોતાની આ યાદગાર ઇનિંગમાં 5 શાનદાર ચોગ્ગા અને 9 ગગનચુંબી છગ્ગા ફટકાર્યા હતા. એટલે કે તેણે પોતાની ઇનિંગના 93 રનમાંથી 74 રન તો માત્ર 14 બોલમાં (બાઉન્ડ્રી દ્વારા) જ બનાવી લીધા હતા. પાટીદારની આ આક્રમક બેટિંગ સામે ગુજરાત ટાઇટન્સના બોલરો સંપૂર્ણપણે લાચાર નજરે પડ્યા હતા. આ ઇનિંગ સાથે રજત પાટીદારે આઈપીએલ પ્લેઓફના ઇતિહાસમાં એક કેપ્ટન તરીકે સૌથી મોટો સ્કોર બનાવવાનો સંયુક્ત રેકોર્ડ પોતાના નામે કરી લીધો છે. તેણે સનરાઇઝર્સ હૈદરાબાદના પૂર્વ કેપ્ટન ડેવિડ વોર્નરના રેકોર્ડની બરાબરી કરી છે, જેણે ગુજરાત લાયન્સ સામે અણનમ 93 રન બનાવ્યા હતા. પાટીદારે મેચમાં માત્ર 21 બોલમાં પોતાની હાફ સેન્ચુરી પૂરી કરી લીધી હતી, જે આઈપીએલ પ્લેઓફ/નોકઆઉટ ઇતિહાસની ચોથી સૌથી ઝડપી ફિફ્ટી છે.
