Site icon Gujarat Mirror

બેટલ ઓફ ગલવાનનું નવું નામ ‘માતૃભૂમિ’, સલમાનની જાહેરાત

બોલિવૂડ સુપરસ્ટાર સલમાન ખાનની આગામી વોર-ડ્રામા ફિલ્મ જે અત્યાર સુધી ’બેટલ ઓફ ગલવાન’ તરીકે જાણીતી હતી, તેનું નામ સત્તાવાર રીતે બદલીને ’માતૃભૂમિ: મે વોર રેસ્ટ ઈન પીસ’ કરવામાં આવ્યું છે. સોમવારે સલમાન ખાને સોશિયલ મીડિયા પર ફિલ્મનું નવું પોસ્ટર શેર કરીને આ જાહેરાત કરી છે. આ ફિલ્મ 2020 માં ભારત અને ચીન વચ્ચે ગલવાન ઘાટીમાં થયેલા સંઘર્ષ પર આધારિત છે.

ફિલ્મનું નવું નામ ‘માતૃભૂમિ’ રાખવામાં આવ્યું છે, જે ફિલ્મના મુખ્ય ગીત (જે અરિજિત સિંહ અને શ્રેયા ઘોષાલે ગાયું છે) પરથી પ્રેરિત હોવાનું મનાય છે. આ સાથે ઉમેરવામાં આવેલી ટેગલાઈન એવો સંદેશ આપે છે કે ફિલ્મ માત્ર યુદ્ધ જ નહીં, પણ તેના કારણે થતા માનવીય નુકસાન અને શાંતિના મહત્વ પર પણ ભાર મૂકે છે.

ગયા વર્ષે જ્યારે આ ફિલ્મનું ટીઝર રિલીઝ થયું હતું, ત્યારે ચીનના સરકારી અખબાર ‘ગ્લોબલ ટાઈમ્સ’ એ આ ફિલ્મની આકરી ટીકા કરી હતી. ચીની મીડિયાએ આરોપ લગાવ્યો હતો કે આ ફિલ્મ તથ્યોને તોડી-મરોડીને રજૂ કરે છે અને ચીન વિરોધી ભાવનાઓને ભડકાવે છે. જોકે, ભારતીય વિદેશ મંત્રાલયે સ્પષ્ટ કર્યું હતું કે સિનેમા એ કલાત્મક અભિવ્યક્તિ છે અને સરકાર તેમાં દખલ કરતી નથી.

Exit mobile version