ગુજરાત

બાર એસો.ની ચૂંટણીનો જંગ: એક્ટિવ અને કાર્યદક્ષ પેનલ મેદાને

Published

on

વર્તમાન પ્રમુખ બકુલ રાજાણીની એક્ટિવ અને પૂર્વ સેક્રેટરી દિલીપ જોષીની પેનલના ઉમેદવારોએ નામાંકન પત્રો રજૂ ર્ક્યા: પરેશ મારૂની સમરસ પેનલના દાવેદારો આવતીકાલે વિજયમુહૂર્ત નોંધાવશે ઉમેદવારી

રાજકોટ બાર એસોસિએશનની આગામી તારીખ 20 મી ડિસેમ્બર યોજાનારી ચૂંટણી સંદર્ભે પુર્વ સેક્રેટરી દિલીપભાઈ જોષીની આગેવાની હેઠળની કાર્યદક્ષ પેનલે આજે બપોરે 12:20 વાગ્યે વિજય મુહૂર્તમાં સાદગીપૂર્ણ અને ગરીમાભર્યા માહોલ વચ્ચે ઉમેદવારી પત્રો રજૂ કર્યા હતા. તેમજ ત્યારબાદ હાલના પ્રમુખ બકુલભાઈ રાજાણીની આગેવાની હેઠળની એક્ટિવ પેનલના ઉમેદવારોએ ઉમેદવારી પત્રો રજૂ કરવા સાથે ચૂંટણીના માહોલમાં ગરમાવો આવ્યો છે. પ્રમુખ પદના ત્રીજા ઉમેદવાર પરેશ મારુ તેમની સમરસ પેનલ આવતીકાલે ઉમેદવારી કરશે તેમ જણાવાય છે, તેથી હવે ત્રિપાખિયો જંગ જામવાના એંધાણો વરતાયા છે.

જામનગર રોડ, ઘંટેશ્વર પાસે નવા કોર્ટ બિલ્ડીંગ ખાતે પ્રથમ વખત યોજાનારી હાલની 2025ના વર્ષના 6 હોદ્દેદારો અને 10 કારોબારી સભ્યોની ચૂંટણીમાં ભાજપ સેલનું આડકતરું સમર્થન ધરાવતી દિલીપભાઈ એન. જોષીની કાર્યદક્ષ પેનલના ઉમેદવારોએ ઢોલ નગારાના શોર વિના સાદગીપૂર્ણ અને ગરિમા ભર્યા માહોલ વચ્ચે ઉમેદવારી નોંધાવી હતી. ગત ચૂંટણીમાં ભાજપ લીગલ સેલમાં પ્રવર્તતી જૂથબંધી વચ્ચે એડવોકેટ કમલેશ શાહની પેનલ મેદાનમાં હતી, પરંતુ તેમાં પ્રમુખપદે એક્ટિવ પેનલના બકુલ રાજાણી ચૂંટાયા હતા.

પ્રમુખ બકુલ રાજાણીએ પણ ચૂંટણી લડવાના મેસેજ સોશિયલ મીડિયામાં વાયરલ કર્યા હતા. દરમિયાન હાલની ચૂંટણીમાં કાર્યદક્ષ પેનલને લીગલ સેલનો બિનસત્તાવાર ટેકો હોવાની કોર્ટ લોબીમાં ચર્ચા છે.આજે બપોરે વિજય મુહૂર્તમાં બાર એસો.મા ચાર વખત રહી ચૂકેલા સિનિયર એડવોકેટ દિલીપ જોષી પોતે પ્રમુખ પદ માટે જ્યારે ઉપપ્રમુખ મયંક આર. પંડ્યા, સેક્રેટરી સંદિપ એમ. વેકરીયા, જોઇન્ટ સેક્રેટરી જીતેન્દ્ર એચ. પારેખ, ટ્રેઝરર કૈલાશ જે. જાની, લાયબ્રેરી સેક્રેટરી રવિ બી. ધ્રુવ, કારોબારી સભ્યોમાં મહિલા અનામત ઉપર રૂૂપલબેન બી. થડેશ્વર, જનરલ કારોબારી સભ્યોમાં ચિત્રાંક એસ. વ્યાસ, મહેશ એન. પુંધેરા, હુસેન એમ. હેરંજા, અનિલ બી. ડાકા, હિરેન પી. ડોબરીયા, નીલ વાય. શુક્લ, કિશન એસ. રાજાણી, સંજય એન. કવાડ, ભાવિક ટી. આંબલીયા વગેરેએ રિટર્નિંગ ઓફિસર્સ (ચૂંટણી અધીકારીઓ) જયેશભાઈ એન. અતીત, કેતનભાઈ ડી. શાહ તથા જતીનભાઈ વી. ઠકકર સમક્ષ ઉમેદવારી પત્ર રજૂ કર્યા હતા.

ત્યારબાદ બાર એસો.માં ત્રણ વખત પ્રમુખ તરીકે ચૂંટાયેલા હાલના પ્રમુખ બકુલ રાજાણીની એક્ટિવ પેનલમાં પ્રમુખ તરીકે બકુલ રાજાણી ઉપરાંત ઉપપ્રમુખમાં નિરવ પંડ્યા, સેક્રેટરીમાં વિનેશ છાયા, ટ્રેઝરરમાં રાજેશ ચાવડા, મહિલા અનામત કારોબારી સભ્યમાં પૂનમબેન પટેલ, તેમજ કારોબારી સભ્યોમાં ધર્મેન્દ્ર ઝરીયા, રમેશ આદ્રોજા, હસમુખ બારોટ, ધારેશ દોશી, અનિલ પરસાણા, જીગર સંઘવી, ભાવેશ જેઠવા અને વિરેન્દ્રસિંહ ઝાલાએ ચૂંટણી અધિકારીઓ સમક્ષ તેમના ઉમેદવારી પત્ર રજૂ કર્યા હતા. આ ઉપરાંત સમરસ પેનલના પ્રમુખ પદના ઉમેદવાર પરેશભાઈ મારુ અને તેમની પેનલ આવતીકાલે ઉમેદવારી નોંધાવશે તેમ જણાવાયું છે. ગઈકાલ સુધી માત્ર બે જ ઉમેદવારી પત્રો ભરાયા હતા, નામ પત્રો ભરવાની છેલ્લી તારીખ 9/ 12 એટલે કે સોમવારે સાંજ સુધીની છે. તા. 10ના રોજ ઉમેદવારી પત્રોની ચકાસણી બાદ પ્રથમ યાદી જાહેર કરાશે. અને ઉમેદવારી પત્ર પાછા ખેંચવાની મુદ્દત પૂરી થતાં ઉમેદવારોની અંતિમયાદી જાહેર થયા બાદ ચૂંટણી પ્રચાર કાર્યમાં વધુ ગરમાવો આવશે, તેમ મનાય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending

Exit mobile version