Site icon Gujarat Mirror

મહિલાનું પિસ્તોલ અણીએ અપહરણ કરી દુષ્કર્મ આચરનાર બૂટલેગરની જામીન અરજી રદ

રાજકોટ શહેરના ગાંધીગ્રામ વિસ્તારમાં રહેતી મહિલાને પિસ્તોલ બતાવી અપહરણ કરી દુષ્કર્મ આચરવાના ગુનામાં જેલ હવાલે રહેલા બુટલેગરની જામીન અરજી અદાલતે ફગાવી દીધી છે.

વધુ વિગત મુજબ ગાંધીગ્રામ વિસ્તારમાં રહેતી 38 વર્ષીય મહિલાએ વાછકપર બેડીગામે રહેતો હરેશ મોતી જાદવ સામે દુષ્કર્મ, આર્મ્સ એકટ સહિતની કલમ હેઠળ ગાંધીગ્રામ પોલીસે ગુનો નોંધી તપાસ આદરી હતી. ફરીયાદમા જણાવ્યું પ્રમાણે હરેશ જાદવે પાંચેક વર્ષ પહેલા તેને રિક્ષામા ઘરે મુકવા આવ્યો ત્યારે ઓળખાણ કરી મોબાઇલ નંબરની આપ-લે કરી હતી. જે બાદ બંને વચ્ચે વાતચીત થતી હતી. ત્રણેક વર્ષ પહેલા આરોપીનો બર્થડે હોય જેથી તેના ઘરે વાછકપર બેડી ગામે બોલાવી મહિલાને પરાણે કેફી પીણુ પીવડાવી તેણી સાથે પરાણે શરીર સબંધ બાંધેલ હતો. જેથી મહિલાએ આરોપી સાથે સબંધ તોડી નાખેલ હતો.બાદ આરોપી કારમાં આવી પિસ્તોલ બતાવી માર મારી અપહરણ કરી ઇંદોર તેના ઓળખીતાના ઘરે લઇ જઇ ત્યાં કેફી પીણુ પીવડાવી અર્ધ બેભાન કરી પરાણે શરીર સબંધ બાંધ્યો હતો.

બગોદરા પાસે કારમાંથી ઉતારી જો આ વાત કોઇને કહીશ કે મારી સામે ફરિયાદ કરીશ તો તારા આખા ખાનદાનને પતાવી દઇશ તેમ કહી જાનથી મારી નાખવાની ધમકી આપી તરછોડી આરોપી નાસી છૂટ્યો હતો. બાદ રાજકોટ પહોંચી ફરીયાદ નોંધાવી હતી. એસઓજીને મળેલ બાતમી આધારે બેડી (વાછકપર) ગામેથી પીસ્ટલ , જીવતા કાર્ટીસ નંગ 3 સાથે હરેશ ઉર્ફે ભુરો મોતી જાદવ સાથે ધરપકડ કરી હતી. તપાસ પૂર્ણ થતા જેલ હવાલે કર્યો હતો. હાલ જેલમાં રહેલો હરેશ જાદવ જામીન ઉપર છૂટવા સેશન્સ કોર્ટમાં જામીન અરજી કરી હતી.

જામીન અરજીની સુનાવણી ચાલવા પર આવતા જેમાં બંને પક્ષોની રજૂઆત બાદ સરકારી વકીલ મુકેશ પીપળીયા હાજર રહેલ અને જામીન અરજીનો વિરોધ કરતા રજૂઆત કરેલી કે આરોપી સામે સમાજ વિરોધી ગુનો છે. દુષ્કર્મના ગુનામાં આરોપીને જામીન આપવા જોઈએ નહીં જો તેને જમીન આપવામાં આવશે તો તેને કાયદાનો કોઈ ડર રહેશે નહીં તેથી જામીન અરજી રદ કરવા રજૂઆત કરેલ તે રજૂઆતને ધ્યાને લઈ સેશન્સ જજ ટી. એસ બ્રહ્મભટ્ટ આરોપી હરેશ મોતીભાઈ જાદવની રેગ્યુલર જામીન અરજી રદ કરી છે આ કામમાં સરકાર તરફે સરકારી વકીલ મુકેશભાઈ પીપળીયા રોકાયેલ હતાડ્ઢ.

Exit mobile version