ગુજરાત
લાખાજીરાજ રોડ ઉપરથી પાથરણા હટાવાતા બઘડાટી
વેપારીઓને ભાડા વસૂલવા સારા લાગતા હતા હવે ધંધા છીનવવા નીકળ્યા છો? પાથરણાવાળાઓનો સવાલ
એક મહિલા બેભાન થઇ જતા દોડધામ, દિવાળીના તહેવારો ટાણે વૈકલ્પિક વ્યવસ્થામાં પણ તંત્રની લોલીપોપ
શહેરના લાખાજી રોજ પર ગઇકાલે પાથરણાવાળા ધંધાર્થીઓને હટાવવા ગયેલા મનપાના સ્ટાફ અને ધંધાર્થીઓ વચ્ચે ચકમક-બઘડાટીના દ્રશ્યો સર્જાયા હતા. દિવાળીના તહેવારો ટાણેજ ધંધા-રોજગાર છીનવાઇ ગયાનો ધંધાર્થીઓમાં રોષ જોવા મળ્યો હતો. ગેરકાયદેસર દબાણ હટાવી રોડ-રસ્તા ખુલ્લા કરવામાં આવે તેવી કાર્યવાહી સૌમા આવકાર્ય છે પણ વૈકલ્પિક વ્યવસ્થાની ખાતરી આપ્યા પછી પણ તંત્ર દ્વારા કોઇ કાર્યવાહી ન થતા પાથરણાવાળાઓમાં રોષ વ્યાપ્યો છે. ગઇકાલે તંત્રની દબાણ હટાવ કાર્યવાહી દરમિયાન ગરીબ ધંધાર્થીઓએ કાકલુદી કરી દિવાળી સુધી ધંધો કરવા દેવાની માંગણી કરી હતી.
બીજી બાજુ ગઇકાલે લાખાજી રોડ પર પાથરણાવાળા ધંધાર્થીઓને તંત્રએ પ્રયાસ કર્યો ત્યારે એક ગરીબ મહીલા બેભાન બની ગઇ હતી. અનેક પાથરણાવાળા ધંધાર્થીઓએ છીનવાતી રોજીરોટી બચાવવા તંત્રને રીતસરની કાકલુદી કરી હતી પણ તંત્રએ કાયદાનો ધોકો પછાડવાનું ચાલુ જ રાખતા ધંધાર્થીઓમાં રોષ ફેલાયો હતો.
અત્યાર સુધી બધુ મુંગા મોએ સહન કરનાર અમુક જાગૃત પાથરણાવાળા ધંધાર્થીઓ હવે મેદાનમાં આવ્યા છે અને લાખાજી રોડ પરના વેપારીઓ સો આંગળી ચીંધી આક્ષેપો કર્યા છે કે સાહેબ, મફતમાં નથી બેસતા, જે વેપારીની દુકાનો સામે બેસીએ છીએ તે વેપારીઓને મહીને હપ્તારૂપી નાની મોટી રકમ અપાય છે અને તોજ બેસવા દયે છે!! ત્યારે ગરીબ ધંધાંર્થીઓનો આવો પૈસા ચુકવવાનો આક્ષેપ સાચો હોય તો લાખાજીરાજ રોડ પરની વેપારી આલમ માટે આ શરમજનક વાત ગણવી અનુચિત નથી.
રહી વાત મનપા તંત્રની તો આ બાબતે પાથરણાવાળા ધંધાર્થીઓએ કહ્યું કે લાખાજીરોડ પરથી જયારે તેઓને હટાવવાની કાર્યવાહી શરૂ કરાઇ ત્યારે મનપાએ વૈકલ્પિક વ્યવસ્થા રૂપે આ રોડ પર આવલી શાળામાં બેસવાની વ્યવસ્થા કરી આપવા તંત્રએ ખાતરી આપી હતી. પણ આ બાબતે તંત્રએ કોઇ નિર્ણય ન લેતા ગુજરાન ચલાવવા ના છુટકે રોડ પર જ બેસવું પડે તેવી સ્થિતિ છે.
એક પાથરણાવાળા બહેને કહ્યું કે વરસાદથી અમારો ધંધો બંધ રહે કે રોજીરોટી છીનવાય તેને કુદરતી આફત ગણીએ છીએ પણ માનવ સર્જીત મનપાની આફતમાં બચાવીને અમોને સુખેથી ધંધો કરવા દઇને સુખેથી જીવવા દેવાય તે જરૂરી છે. ધંધાર્થીઓએ તંત્ર સો વિરોધ કરી ન્યાયની માંગણી કરી હતી.
અમારા છોકરા ભૂખ્યા તરસ્યા રાડો પાડે છે, અમોને ધંધો કરવા દ્યો!
પાથરણાવાળી ધંધાર્થી મહીલાઓએ મીડીયા સમક્ષ વેદના ઠાલવી જણાવ્યું હતું કે તેઓ કાયમી લાખાજી રોડ પર બેસતા નથી. દિવાળી પહેલાના પખવાડીથી આ રોડ પર બેસી દિવાળી સુધી બે પૈસા કમાવવા બહારથી રાજકોટમાં આવે છે. એક મહીલાએ કહ્યું કે તેઓ કોઇ મોટી વસ્તુઓ નહી પણ નજીવી કિંમતના તોરણ વેચી પેટીયુ રળે છે. એક મહીલાએ કહ્યું કે તંત્ર અમારી આજીવીકા સમાન માલ સામાન ઉઠાવી જાય છે, હવે અમોને મારી નાખો. રાત્રે નિરાંતથી સુતા નથી અને પુરતું ખાતા પણ નથી. હાથ જોડી પગે પડીએ છીએ કે દિવાળી સુધી અમોને ધંધો કરવા દો. હવે ગરીેબોની આવી વેદના તંત્ર સાંભળશે કે નહીં? તે સમય જ બતાવશે.