ઓસ્ટ્રેલિયાના દિગ્ગજ ક્રિકેટર ગ્લેન મેકસવેલની ઇન્ટરનેશનલ ક્રિકેટને અલવિદા

  ઓસ્ટ્રેલિયાના દિગ્ગજ ઓલરાઉન્ડર ગ્લેન મેક્સવેલે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ જાહેર કરી છે. 38 વર્ષની ઉંમરે તેણે પોતાની 14 વર્ષની આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કારકિર્દીનો અંત લાવ્યો છે.…

 

ઓસ્ટ્રેલિયાના દિગ્ગજ ઓલરાઉન્ડર ગ્લેન મેક્સવેલે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ જાહેર કરી છે. 38 વર્ષની ઉંમરે તેણે પોતાની 14 વર્ષની આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કારકિર્દીનો અંત લાવ્યો છે. મેક્સવેલે ઓસ્ટ્રેલિયા માટે કુલ 286 આંતરરાષ્ટ્રીય મેચ રમી હતી. આ દરમિયાન તેણે પોતાની આક્રમક બેટિંગ, ઉપયોગી ઓફ સ્પિન બોલિંગ અને શાનદાર ફિલ્ડિંગથી દુનિયાભરના ક્રિકેટ ચાહકોના દિલ જીત્યાં હતાં. આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધા બાદ પણ તે ફ્રેન્ચાઇઝી ક્રિકેટમાં રમતો જોવા મળશે.

વર્ષ 2012માં અફઘાનિસ્તાન સામે આંતરરાષ્ટ્રીય પદાર્પણ કરનાર મેક્સવેલ પોતાની આક્રમક બેટિંગ અને મેદાનના કોઈ પણ ખૂણે બોલ પહોંચાડવાની 360-ડિગ્રી ક્ષમતા માટે જાણીતો બન્યો. કાંગારૂૂ ટીમ તરફથી ત્રણેય ફોર્મેટમાં મળીને તેણે 286 મેચોમાં 7,226 રન ફટકાર્યા છે અને ઓફ સ્પિન બોલિંગ વડે 136 મહત્વપૂર્ણ વિકેટો પણ ઝડપી છે.

મેક્સવેલની કારકિર્દીની સૌથી શાનદાર ક્ષણ 2023ના વનડે વર્લ્ડ કપ દરમિયાન જોવા મળી હતી. મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં અફઘાનિસ્તાન સામે 292 રનના ટાર્ગેટ સામે ઓસ્ટ્રેલિયાએ માત્ર 91 રનમાં 7 વિકેટ ગુમાવી દીધી હતી. ભારે ક્રેમ્પ્સ અને શારીરિક પીડા વચ્ચે પણ હાર માન્યા વગર મેક્સવેલે માત્ર 128 બોલમાં 21 ચોગ્ગા અને 10 છગ્ગાની મદદથી અણનમ 201 રન બનાવી ટીમને અકલ્પનીય જીત અપાવી હતી. વનડે ક્રિકેટના ઈતિહાસમાં આ ચેઝિંગ ઇનિંગ્સ સુવર્ણ અક્ષરે અંકિત થઈ ગઈ છે.

મેક્સવેલ માત્ર વ્યક્તિગત સ્કોરર નહોતો પરંતુ તે ઓસ્ટ્રેલિયાની જીતનો મજબૂત સ્તંભ રહ્યો છે. તે 2015 વનડે વર્લ્ડ કપ, 2021 ઝ20 વર્લ્ડ કપ અને 2023 વનડે વર્લ્ડ કપ વિજેતા ઓસ્ટ્રેલિયન ટીમનો મુખ્ય ભાગ રહ્યો હતો. ઉપરાંત આઇપીએલમાં દિલ્હી, મુંબઈ, પંજાબ અને રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ (RCB) તરફથી રમતાં 141 મેચોમાં 2,819 રન બનાવીને વિશ્વભરમાં ચાહકોના દિલ જીત્યા હતા.