અંડર -19 વર્લ્ડ કપ 2026ના સુપર 6ના મુકાબલા હાલ રમાઈ રહ્યાં છે. સાતમી મેચમાં ઓસ્ટ્રેલિયા અંડર -19 ટીમે વેસ્ટ ઈન્ડિઝ અંડર -19 ટીમને 22 રનથી હરાવ્યું. પ્રથમ બેટિંગ કરતા ઓસ્ટ્રેલિયાએ કેપ્ટન ઓલિવર પીકની સદીની મદદથી 50 ઓવરમાં 7 વિકેટ ગુમાવીને 314 રન બનાવ્યા. જવાબમાં વેસ્ટ ઈન્ડિઝ માત્ર 292 રન જ બનાવી શકયું હતું.
આ જીત સાથે ઓસ્ટ્રેલિયન ટીમ અંડર -19 વર્લ્ડ કપની સેમિફાઇનલમાં પહોંચી ગઈ છે. આ 11મી વખત છે કે કાંગારૂૂઓ અંડર -19 વર્લ્ડ કપની સેમિફાઇનલમાં પહોંચ્યા છે. આ સાથે ઓસ્ટ્રેલિયાએ ભારતીય ટીમના રેકોર્ડની બરાબરી કરી લીધી છે. ટીમ ઇન્ડિયા પણ આ ટુર્નામેન્ટની સેમિફાઇનલમાં 11 વાર રમી ચૂકી છે.
વધુમાં, પાકિસ્તાનની અંડર -19 ટીમ 10 વખત સેમિફાઇનલમાં પહોંચી છે. ઓસ્ટ્રેલિયા ચાર વખત અંડર -19 વર્લ્ડ કપ જીતી ચૂક્યું છે. ભારતે સૌથી વધુ પાંચ વખત ટ્રોફી જીતી છે.
ઓસ્ટ્રેલિયા અત્યાર સુધી ટુર્નામેન્ટમાં જીતનો સિલસિલો જાળવી રાખ્યું છે. ઓસ્ટ્રેલિયાએ તેમના પહેલા ગ્રુપ સ્ટેજ મેચમાં આયર્લેન્ડને આઠ વિકેટથી હરાવ્યું. ત્યારબાદ તેઓએ જાપાનને આઠ વિકેટથી, શ્રીલંકાને નવ વિકેટથી અને દક્ષિણ આફ્રિકાની અંડર -19 ટીમને છ વિકેટથી હરાવી હતી. તેમની પહેલી સુપર 6 મેચમાં ઓસ્ટ્રેલિયાએ વેસ્ટ ઈન્ડિઝને 22 રનથી હરાવ્યું. યુવા ઓસ્ટ્રેલિયન ટીમ હવે મંગળવારે પોતાનો પહેલો સેમિફાઇનલ રમશે.

