જામનગર મહાનગરપાલિકા દ્વારા આગામી તા.1થી 11 દિવસ માટે આયોજિત થનારા શ્રાવણી લોકમેળાના પ્લોટની ફાળવણીની પ્રક્રિયા હવે પૂર્ણ થઈ છે. અગાઉ કેટલાક પ્લોટ માટે સિંગલ ટેન્ડર આવ્યા હતા, કેટલાક પ્લોટ માટે ટેન્ડર મળ્યા ન હતા તેમજ ટેકનિકલ કારણોસર પણ કેટલીક ફાળવણી મોકૂફ રાખવામાં આવી હતી. જેને પગલે બાકી રહેલા પ્લોટ માટે આજે મહાનગરપાલિકા કચેરી ખાતે ઓપન હરાજી યોજવામાં આવી હતી.
ઓપન હરાજીમાં મશીન મનોરંજનના 6 પ્લોટ, ખાણી-પીણી માટેના ફૂડ ઝોનના 6 પ્લોટ, આઈસક્રીમ બૂથના 2 પ્લોટ, પોપકોર્નનો 1 પ્લોટ તથા ચિલ્ડ્રન રાઈડનો 1 પ્લોટ મળી કુલ 16 પ્લોટની હરાજી કરવામાં આવી હતી. વેપારીઓ અને ધંધાર્થીઓની હાજરીમાં પ્લોટ માટે બોલીઓ બોલાવવામાં આવી હતી અને નિયમોનુસાર સૌથી વધુ બોલી બોલનારને પ્લોટ ફાળવવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી.
આ સાથે શ્રાવણી લોકમેળા માટે અગાઉ ઓનલાઈન તથા ઓફલાઈન ટેન્ડર મારફતે થયેલી ફાળવણી અને આજે થયેલી ઓપન હરાજીની પ્રક્રિયા સહિત તમામ પ્લોટની ફાળવણી પૂર્ણ થઈ છે. શ્રાવણી લોકમેળાના આયોજન થકી જામનગર મહાનગરપાલિકાને કુલ અંદાજે રૂૂ.1.75 કરોડની આવક થવા પામી હોવાનું જાણવા મળે છે.
આગામી તા.1 સપ્ટેમ્બરથી શ્રાવણી લોકમેળાનો પ્રારંભ થવાનો હોવાથી હવે મેળાના ધંધાર્થીઓ અને પ્લોટ ધારકોને પોતાના સ્ટોલ તથા અન્ય વ્યવસ્થાઓ ઊભી કરવા માટેની કામગીરી હાથ ધરવામાં આવશે. સાથે જ મેળા માટે જરૂૂરી અન્ય મંજૂરીઓની પ્રક્રિયા પણ મહાનગરપાલિકા દ્વારા વહેલી તકે પૂર્ણ કરવામાં આવશે.
