કાલાવડ રોડ પર ક્રિસ્ટલ મોલની સામે આર.કે નગરમાં આવેલા પર્લ એવન્યુ એપાર્ટમેન્ટમાં રહેતા
પ્રિતેશભાઈ વસંતભાઇ કારીયા(ઉ.વ.39) ના ભાગીદારીમાં આવેલા નવાગામ આણંદપરમાં રામ ટ્રેડિંગ કંપની નામના ગોડાઉનમાં કારમાં આવેલા તસ્કરોએ ચોરીનો પ્રયાસ કરતા કુવાડવા પોલીસ મથકમાં ફરિયાદ નોંધવામાં આવી હતી.
પ્રીતેશભાઈએ ફરિયાદમાં જણાવ્યું હતું કે,તેઓ નવાગામ(આણંદપર) ગ્રામ પંચાયતની પાછળની શેરીમાં રામ ટ્રેડીંગ કંપની ગોડાઉનમાં તેઓ તેમજ શૈલેષભાઈ જોબનપુત્ર અને એલીસભાઇ ડેડાણીયા એમ ત્રણ ભાગીદાર છે.આ ટ્રેડીંગ કંપનીનો સંપુર્ણ વહિવટ પ્રીતેશભાઈ કરે છે.આ ટ્રેડીંગ કંપનીમાં અમો ડ્રાયફુટ તથા કરીયાણાના હોલસેલનો વેપાર કરે છે.ગઈ તા.03/09ના રોજ રાત્રીના ગોડાઉન બંધ કરીને ઘરે જતા રહેલ હતા.બાદમાં ગઇ તા.04/09 ના રોજ રાત્રીના આશરે ત્રણેક વાગ્યાની આસપાસ ગોડાઉનની બાજુમાં રહેતા ધનશ્યામભાઇ ખાંભલાનો ફરિયાદીને ફોન આવેલ અને કહેલ કે તમારા ગોડાઉનના કોઇક તાળા તોડવાની કોશીશ કરતુ હતુ પરંતુ અમે જાગી જતા તેઓ ભાગી ગયા છે.તમે જલ્દીથી અહી આવો જેથી ફરિયાદી તુરંત જ તેના ગોડાઉન ખાતે ગયેલ અને આ બનાવ બાબતે ગોડાઉનના બહારની તરફ રાખેલ સી.સી.ટી.વી. કેમેરાના ફૂટેજ ચેક કરતા તેમાં રાત્રિના આશરે અઢી વાગ્યાની આસપાસ એક અજાણી ફોર વ્હીલ ગાડી ગોડાઉનની સામે રસ્તા ઉપર આવીને ઊભી રહી હતી.
જે ફોર વ્હીલ ગાડીમાંથી ડ્રાઇવરની પાછળની સીટમાંથી મોઢે કપડુ બાંધેલ હોય તેવો એક અજાણ્યો વ્યકિત ગ્રાઇન્ડીંગ જેવુ મશીન લઈને નીચે ઉતરી પોતાના હાથમાં રહેલ ગ્રાઇન્ડીંગ મશીન વડે ગોડાઉન નું તાળુ તોડવાની કોશીશ કરતો હતો.બાદમાં પાછો પોતાની ગાડીમાં બેસી જાય છે એ રીતે તે અજાણ્યો ઇસમ બે-ત્રણ વાર ગ્રાઇન્ડીંગ મશીન વડે તાળુ તોડવાની કોશિશ કરે છે અને બાદમાં ગોડાઉનની બાજુમાં રહેતા ધનશ્યામભાઈ જાગી જતા આ અજાણ્યો શખ્સ ગાડીમાં બેસીને જતો રહ્યો હતો.આ ગોડાઉનમાંથી કોઇ ચીજ વસ્તુ ગઈ ના હોય એ મામલે કુવાડવા પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.

