શિવાજીનગરમાં ફોટો ફ્રેમના ધંધાર્થી કાકા-ભત્રીજાની હત્યાનો પ્રયાસ

ધંધાકીય હરીફાઈ અને જૂની અદાવતમાં હુમલો કરાયો,મહિલા સહિત પાંચ શખ્સ સામે ગુનો નોંધાયો રાજકોટ શહેરના દૂધ સાગર રોડ પર આવેલા શિવાજીનગરમાં રહેતા અને ફોટો ફ્રેમ…

ધંધાકીય હરીફાઈ અને જૂની અદાવતમાં હુમલો કરાયો,મહિલા સહિત પાંચ શખ્સ સામે ગુનો નોંધાયો

રાજકોટ શહેરના દૂધ સાગર રોડ પર આવેલા શિવાજીનગરમાં રહેતા અને ફોટો ફ્રેમ તેમજ હીરાના વ્યવસાય સાથે સંકળાયેલા એક જ જ્ઞાતિના પરિવાર પર જૂની અદાવત રાખીને જીવલેણ હુમલો કરવામાં આવ્યો હોવાની ચકચારી ઘટના સામે આવી છે. પ્રાપ્ત વિગતો અનુસાર, આ સમગ્ર મામલે ભોગ બનનાર રાહુલભાઈ દેવજીભાઈ જાદવ દ્વારા થોરાળા પોલીસ સ્ટેશનમાં વિધિવત ફરિયાદ નોંધાવવામાં આવી છે. ફરિયાદમાં જણાવ્યા મુજબ, આરોપી અનિલ અગાઉ ફરિયાદીના ફોટો ફ્રેમના કારખાનામાં જ મજૂરી કામ કરતો હતો. જો કે, થોડા સમય બાદ તેણે પોતાનો અલગ વ્યવસાય શરૂૂ કર્યો હતો અને ફરિયાદીના ચાલુ ધંધાના ગ્રાહકો તેમજ પેઢીઓને પોતાની તરફ વાળવાનું શરૂૂ કર્યું હતું. આ બાબતે ફરિયાદીના ભાઈ ગોપાલે અનિલને અગાઉ ટોક્યો હતો અને ઠપકો આપ્યો હતો,જેનો ખાર રાખીને આ લોહિયાળ અંજામ આપવામાં આવ્યો હતો.

તારીખ 25 જૂન 2026ની રાત્રિના સમયે આ ધંધાકીય વિવાદ અચાનક ભારે ઉગ્ર સ્વરૂૂપ ધારણ કરી ગયો હતો. ફરિયાદી રાહુલભાઈ પોતાના ઘરે પરિવાર સાથે હાજર હતા, ત્યારે તેમના મિત્ર મનિષે ફોન દ્વારા તાકીદની જાણ કરી હતી કે અનિલ ઉપરીયાના ઘર પાસે તેમના ભાઈ ગોપાલ સાથે ઝઘડો થઈ રહ્યો છે. આ સાંભળીને રાહુલભાઈ, તેમના કાકા વિજયભાઈ અને પરિવારના અન્ય સભ્યો તાત્કાલિક ઝઘડાવાળી જગ્યાએ દોડી ગયા હતા. ત્યાં પહોંચતા જ તેમણે જોયું કે આરોપી અનિલ, સુનિલ, તેમના પિતા રમેશભાઈ, માતા હંસાબેન અને કાકા ભાવેશભાઈ એકસંપ થઈને ગોપાલ તથા તેના મિત્ર ભરત સાથે ભારે ગાળાગાળી કરી રહ્યા હતા. આ દરમિયાન મામલો શાંત પાડવા અને સમાધાન કરાવવાનો પ્રયાસ કરી રહેલા રાહુલભાઈના પરિવાર પર તમામ આરોપીઓ અચાનક હિંસક બનીને તૂટી પડ્યા હતા.

આ ઘાતક હુમલા દરમિયાન આરોપી સુનિલે ઉશ્કેરાઈને પોતાના પાસે છુપાવી રાખેલી તીક્ષ્ણ છરી કાઢી લીધી હતી અને સીધો જ ગોપાલના પેટના ભાગે ઘા ઝીંકી દીધો હતો, જેને કારણે ગોપાલ ગંભીર રીતે લોહીલુહાણ હાલતમાં જમીન પર ઢળી પડ્યો હતો. આ ભયાનક દ્રશ્ય જોઈને જ્યારે કાકા વિજયભાઈ પોતાના ભત્રીજા ગોપાલને બચાવવા માટે વચ્ચે પડ્યા, ત્યારે આરોપી સુનિલે સહેજ પણ દયા રાખ્યા વિના તેમના પર પણ છરી વડે જોરદાર હુમલો કરી દીધો હતો અને તેમના પેટના ભાગે પણ ઊંડો ઘા મારીને ગંભીર ઈજા પહોંચાડી હતી. આ સાથે જ અન્ય આરોપીઓ રમેશભાઈ અને ભાવેશભાઈએ ભરતભાઈને મજબૂતીથી પકડી રાખીને ઢીકાપાટુનો બેરહેમ માર માર્યો હતો, જ્યારે હંસાબેને પણ ગાળો આપી હુમલાખોરોને ઉશ્કેર્યા હતા. હુમલાખોરોએ “આજે તો તને જાનથી મારી નાખવો છે” તેવી ધમકીઓ આપીને ભયનો માહોલ સર્જ્યો હતો અને ત્યારબાદ ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયા હતા.

હુમલાના પગલે ગંભીર રીતે ઘવાયેલા ગોપાલ અને કાકા વિજયભાઈને તાત્કાલિક લોહીલુહાણ હાલતમાં સારવાર અર્થે રાજકોટની સરકારી સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. હોસ્પિટલના તબીબોના જણાવ્યા અનુસાર ગોપાલની સ્થિતિ અત્યંત નાજુક હોવાથી તેને તાત્કાલિક ઓપરેશન થિયેટરમાં લઈ જવામાં આવ્યો હતો, જ્યાં તેનું આશરે ચાર કલાક જેટલું અત્યંત જટિલ ઓપરેશન કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત કાકા વિજયભાઈની સ્થિતિ પણ ગંભીર હોવાના કારણે તેમનું પણ તાત્કાલિક ઓપરેશન કરવામાં આવ્યું છે અને બંને હાલ આઈસીયુમાં સારવાર હેઠળ છે.થોરાળા પોલીસે રાહુલભાઈની સત્તાવાર ફરિયાદના આધારે આરોપીઓ અનિલ, સુનિલ, રમેશભાઈ, હંસાબેન અને ભાવેશભાઈ વિરૂૂદ્ધ ગુનો નોંધીને આગળની તપાસનો દોર સંભાળ્યો છે.

સામાપક્ષે પણ માર માર્યાની વળતી ફરિયાદ
આ ઘટનામાં સામા પક્ષે ભરત નાનજીભાઈ પરમાર(ઉ.વ.38) અને રમેશ નાનજીભાઈ પરમાર (ઉ.વ.54) (રહે. બંને શિવાજીનગર પાસે) પણ તે ઘર પાસે હતા ત્યારે ગોપાલ, વિજય અને રાહુલ જાદવ સહિતે પાઈપ અને તિક્ષણ હથિયાર વડે હુમલો કરી ઈજા કર્યાની ફરિયાદ સાથે સિવીલમાં દાખલ થતાં થોરાડા પોલીસે તપાસ હાથ ધરી છે.