જેતપુર નજીક દેશી દારૂ પકડવા ગયેલ હેડકોન્સ્ટેબલ ઉપર બુટલેગરે જીવલેણ હુમલો કરી હત્યાનો પ્રયાસ કર્યો હતો. ઉદ્યોગનગર પોલીસ સ્ટેશનની સર્વેલન્સ સ્કોડની ટીમ પર બુટલેગરે છરીથી હુમલો કરતા સમગ્ર પંથકમાં ભારે ચકચાર મચી ગઈ છે. જૂનાગઢથી ગેરકાયદેસર દેશી દારૂનો જથ્થો લઈને આવી રહેલા એક નામચીન બુટલેગરે પોલીસની નાકાબંધી દરમિયાન પકડાઈ જવાની બીકે સર્વેલન્સ સ્કોડના અનાર્મ્ડ હેડ કોન્સ્ટેબલ પર છરી વડે ખૂની હુમલો કરી દીધો હતો. જોકે, પોલીસે સાહસપૂર્વક સામનો કરી રૂ. 3.45 લાખથી વધુના મુદ્દામાલ સાથે આરોપીને ઝડપી લીધો હતો.
બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર, જેતપુર ઉદ્યોગનગર હેડ કોન્સ્ટેબલ નિલેશભાઈ શામજીભાઈ મકવાણા અને તેમની સર્વેલન્સ સ્કોડની ટીમ ગત રાત્રે 27 જુલાઈના રોજ વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતી. તે દરમિયાન ખાનગી રાહે ચોક્કસ બાતમી મળી હતી કે, જેતપુરના ભાદર સામાકાંઠે રહેતો દિલીપ ઉર્ફે દિલો ભાણકુભાઈ શેખવા પોતાની સફેદ કલરની સ્વીફ્ટ કાર નંબર જીજે-03-પીએ -1117 માં જૂનાગઢથી ગેરકાયદેસર દેશી દારૂનો જથ્થો ભરીને નવાગઢ તરફ આવી રહ્યો છે. આ બાતમીના આધારે પોલીસે તાત્કાલિક બે તટસ્થ પંચોને સાથે રાખી નવાગઢ સ્થિત ઇમ્પીરીયલ એપાર્ટમેન્ટ નજીક હાઇવે પર વોચ ગોઠવી હતી.
રાત્રિના આશરે 11:30 વાગ્યે શંકાસ્પદ સ્વીફ્ટ કાર આવતા પોલીસે તેને રોકવાનો ઈશારો કર્યો હતો. કારચાલક દિલીપ શેખવા કાર ઊભી રાખીને નીચે ઊતરી પોલીસને જોઈ ભાગવા લાગ્યો હતો. હેડ કોન્સ્ટેબલ નિલેશભાઈએ તેનો પીછો કરી દોડીને તેને દબોચી લીધો હતો. આ વેળાએ પોતાની ધરપકડથી બચવા માટે દિલીપે પોતાના પેન્ટના નેફામાંથી તીક્ષ્ણ છરી કાઢીને નિલેશભાઈના પેટના ભાગે મારી નાખવાના ઇરાદે જીવલેણ ઘા કર્યો હતો. નિલેશભાઈએ સમયસૂચકતા વાપરી પોતાના બંને હાથ આડા ધરતાં છરીનો ઘા તેમના જમણા હાથ પર વાગ્યો હતો, જેનાથી તેઓ લોહીલુહાણ થઈ ગયા હતા.
હુમલા બાદ બુટલેગર દિલીપે પોલીસ કર્મચારીને ઢીકાપાટુનો માર મારી ભાગવાનો પુન: પ્રયાસ કર્યો હતો. પરંતુ ભાગતી વખતે તે રોડ સાઈડના ડિવાઈડર સાથે ભટકાઈને નીચે પટકાતાં તેના પગમાં ગંભીર ઈજા થઈ હતી. સાથી પોલીસ કાફલાએ તેને સ્થળ પર જ દબોચી લીધો હતો. ઇજાગ્રસ્ત હેડ કોન્સ્ટેબલ નિલેશભાઈ તથા ઇજાગ્રસ્ત આરોપી દિલીપ શેખવા બંનેને તાત્કાલિક સારવાર અર્થે જેતપુર સરકારી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. પોલીસે સ્વીફ્ટ કારમાંથી 200 લીટર દેશી દારૂ કિંમત રૂ. 40,000, રૂ.3 લાખની સ્વીફ્ટ કાર, છરી મળીને કુલ રૂ. 3,45,100 નો મુદ્દામાલ જપ્ત કર્યો છે.
પોલીસની પ્રાથમિક પૂછપરછમાં આરોપીએ કબૂલાત કરી હતી કે, દારૂનો આ જથ્થો તેણે જૂનાગઢના કાના રબારી પાસેથી મેળવ્યો હતો અને જેતપુર ખાતે રહેતી રેખા ઉર્ફે ઢેફુ લલીતભાઈ વેગડાને પહોંચાડવાનો હતો. આ બનાવ અંગે જેતપુર ઉદ્યોગનગર પોલીસ સ્ટેશનમાં મુખ્ય આરોપી દિલીપ શેખવા, દારૂ સપ્લાયર કાનો રબારી અને દારૂ મંગાવનાર રેખા વેગડા સામે હત્યાનો પ્રયાસ , તેમજ પ્રોહિબિશન એક્ટ તથા જી.પી. એક્ટ હેઠળ ગુનો નોંધી પી.એસ.આઈ. કે.બી. ગઢવીએ આગળની કાયદેસરની તપાસ હાથ ધરી છે.
