Site icon Gujarat Mirror

રેસકોર્ષ પાસેથી ધોળે દિવસે બાળકીને ઉઠાવી જવાનો પ્રયાસ

માતા સહિતના સ્થાનિકોએ મહિલાને ઝડપી પોલીસને સોંપી: પોલીસે મહિલાની પૂછપરછ શરૂ કરી

રાજકોટ શહેરના રેસકોર્સ રિંગ રોડ પર આજે ધોળે દિવસે એક ચોંકાવનારી ઘટના બની હતી, જેમાં એક શંકાસ્પદ મહિલાએ 5 વર્ષની બાળકીને લલચાવીને અપહરણ કરવાનો પ્રયાસ કર્યો હોવાનો આક્ષેપ થયો છે. આ ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં ભારે ચકચાર મચી ગઈ હતી અને લોકોના ટોળા ઉમટી પડ્યા હતા. જોકે, બાળકીની સતર્કતા અને સ્થાનિકોની ત્વરિત કાર્યવાહીને કારણે મોટી દુર્ઘટના ટળી હતી. જોકે સ્થાનિકો દ્વારા અપહરણની આશંકાએ મહિલાને માર મારવામાં આવ્યો હતો. ત્યારબાદ આ અંગે જાણ કરાતા પોલીસ દોડી ગઈ હતી. અને હાલ આ મામલે મહિલાની અટકાયત કરી ઊંડી તપાસ હાથ ધરી છે. તેમજ આવી આશંકાએ કાયદો હાથમાં નહીં લેવાની અને તાત્કાલિક પોલીસને જાણ કરવાની અપીલ પણ પોલીસે કરી છે.

રેસકોર્સ રિંગ રોડ પર મજૂરી કામ કરતા અને રમકડાં વેચીને ગુજરાન ચલાવતા એક પરિવારની 5 વર્ષની માસૂમ બાળકી પાસે એક અજાણી મહિલા આવી હતી. બાળકીની માતા બીનાબેનના જણાવ્યા અનુસાર, તે જ્યારે પોતાનો વેપાર કરી રહ્યા હતા ત્યારે આ મહિલાએ તેમની દીકરીને ખાવાની લાલચ આપી હતી. મહિલા પાસે એક થેલી હતી જેમાં ધાણી, ભૂંગળા અને અન્ય નાસ્તો હતો. આ નાસ્તો બતાવીને મહિલાએ બાળકીને પોતાની પાસે બોલાવી અને અચાનક તેનો હાથ પકડી લઈ જવા કોશિશ કરી હતી.

બાળકીએ ગભરાઈને બૂમાબૂમ કરવાનું શરૂૂ કરતા પોતે દોડી ગયા હતા. બાદમાં આસપાસના લોકો દોડી આવ્યા હતા. બીનાબેને જણાવ્યું કે, મેં જ્યારે મારી દીકરીને છોડાવવા પ્રયાસ કર્યો ત્યારે તે મહિલા કહેવા લાગી કે આ તો મારી દીકરી છે. આ સાંભળીને આસપાસના શ્રમિકો અને રાહદારીઓ પણ એકઠા થઈ ગયા હતા. આ મહિલાની હિલચાલ શંકાસ્પદ જણાતા લોકોએ તેને પકડી રાખી હતી. અને બાદમાં પોલીસ આવતા તેણીને પોલીસના હવાલે કરવામાં આવી હતી.

ઉલ્લેખનીય છે કે, હાલમાં રેસકોર્સ ખાતેથી ઝડપાયેલી મહિલાની પોલીસે અટકાયત કરી છે. હાલ પોલીસે તપાસ કરતા તેમની પાસેથી ગીર સોમનાથ જિલ્લાના એનક ડોક્યુમેન્ટ મળી આવ્યા હતા. તેમજ તેમની પૂછપરછ દરમ્યાન અલગ અલગ જેટલા 10 એડ્રેસ બોલી રહી હતી.હાલ મહિલાની માનસિક સ્થિતિ અને તેના ભૂતકાળના રેકોર્ડની તપાસ કરવામાં આવી રહી હોવાનુ જાણવા મળી રહ્યુ છે.

‘બાળકો ચોરતી ગેંગ’ સક્રિય થયાના મેસેજ વાયરલ, લોકો કાયદો હાથમાં ન લે: ડીસીપી બાંગરવા

રાજકોટ સહિત સૌરાષ્ટ્રભરમાં છેલ્લા કેટલાક દિવસોથી સોશિયલ મીડિયા ઉપર ’બાળકો ચોરતી ગેંગ’ સક્રિય હોવાના મેસેજ અને વીડિયો વાયરલ થઈ રહ્યા છે. આ અંગે સ્થિતિ સ્પષ્ટ કરતા રાજકોટ DCP ક્રાઈમ જગદીશ બાંગરવાએ જણાવ્યું કે, સૌરાષ્ટ્રમાં હાલ આવી અનેક ઘટનાઓ સામે આવી રહી છે જેમાં શંકાના આધારે નિર્દોષ લોકોને માર મારવામાં આવી રહ્યો છે. હું તમામ નાગરિકોને અપીલ કરું છું કે કોઈએ પણ કાયદો હાથમાં લેવો નહીં. જો તમને કોઈ વ્યક્તિ શંકાસ્પદ જણાય તો તાત્કાલિક પોલીસનો સંપર્ક કરો. બાંગરવાએ વધુમાં સ્પષ્ટતા કરી હતી કે, અત્યાર સુધી રાજકોટ પોલીસની તપાસમાં બાળકોના અપહરણની કોઈ સત્તાવાર ગેંગ સક્રિય હોય તેવું બહાર આવ્યું નથી. સોશિયલ મીડિયા પર ફેલાતી અફવાઓ અને ભ્રમથી દૂર રહેવા તેમણે ખાસ તાકીદ કરી હતી.

Exit mobile version