ક્રાઇમ
વેપારીનું ફેક ઇન્સ્ટાગ્રામ આઇડી બનાવી બદનામ કરવાનો પ્રયાસ
રૈયા ટેલિફોન એક્ષચેન્જ પાસે હરિનગરમાં આવેલા સમ પ્લાઝામાં રહેતાં કપડાના હોલસેલ વેપારી શ્યામભાઈ દિનેશભાઈ ભુત (ઉ.વ.32)નું અજાણ્યા શખ્સે ફેક ઇન્સ્ટાગ્રામ આઈડી બનાવી તેમાં તેના અને તેની પત્નીના ફોટા મુકી તેની સાથે બદનામ થાય તેવું લખાણ લખ્યાની સાયુબર ક્રાઈમ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે.
મૂળ ધોરાજીના શ્યામભાઈએ ફરિયાદમાં જણાવ્યું છે કે ગઈ તા.રર સપ્ટેમ્બરના રોજ રાજકોટમાં રહેતા મામા નિલેશભાઈ દુદાણીએ જાણ કર્યા બાદ તપાસ કરતાં જાણવા મળ્યું હતું કે કોઈ અજાણ્યા શખ્સે તેનું ફેક ઈન્સ્ટા આઈડી બનાવી, તેના કોઈ પણ રીતે ફોટા મેળવી,ફેક આઈડીમાં તેના અને તેની પત્નીના ફોટાઓ સાથે ધોખાઘડી સે સાવધાન,જાહેર નોટીસ કમ ચેતવણી,સર્તક રહે તેવા લખાણ સાથેનું પેજ બનાવી પોસ્ટ કર્યું હતું.
જેથી તેણે સાયબર ક્રાઈમના હેલ્પલાઈન નંબર ઉપર કોલ કરી ફરિયાદ નોંધાવી હતી.જેના આધારે આજે સાયબર ક્રાઈમ પોલીસના પીઆઇ આર.જી.પઢીયાર અને સ્ટાફે અજાણ્યા શખ્સ સામે ગુનો દાખલ કરી તેની ઓળખ મેળવવા તજવીજ શરૂૂ કરી છે.અત્રે ઉલ્લેખનીય છે કે,અગાઉ શ્યામભાઈએ વ્યાજખોરો વિરુદ્ધ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.જે મામલે આરોપીઓના મળતીયા પણ શ્યામભાઈને પ્રતિષ્ઠાને હાની પહોંચાડવા પ્રયાસ કર્યો હોવાની શંકા છે.