જાગનાથ પ્લોટમાં કોર્ટ કેસનો ખાર રાખી પરિવાર પર હુમલો

સાઢુભાઈ સહિતના શખ્સોએ કાર નીચે કચડવાનો પ્રયાસ કરી મચાવ્યો આતંક: સ્વબચાવમાં લત્તાવાસીઓએ કારમાં તોડફોડ કરતા હુમલાખોરો ફરાર રાજકોટના હાર્દ સમાન જાગનાથ પ્લોટ વિસ્તારમાં ગઈકાલે મોડી…

સાઢુભાઈ સહિતના શખ્સોએ કાર નીચે કચડવાનો પ્રયાસ કરી મચાવ્યો આતંક: સ્વબચાવમાં લત્તાવાસીઓએ કારમાં તોડફોડ કરતા હુમલાખોરો ફરાર

રાજકોટના હાર્દ સમાન જાગનાથ પ્લોટ વિસ્તારમાં ગઈકાલે મોડી રાત્રે લોહિયાળ દ્રશ્યો સર્જાયા હતા. શહેરના જાગનાથ પ્લોટ શેરી નં. 14માં રહેતા બોરાણા પરિવારના ઘર પર રાત્રિના સુમારે કારમાં સવાર થઈને આવેલા છથી સાત શખ્સોએ હિંસક હુમલો કરતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે. પારિવારિક ઝઘડા અને કોર્ટ કેસનો ખાર રાખીને કરવામાં આવેલા આ હુમલામાં હુમલાખોરોએ અમાનવીયતાની હદ વટાવી પરિવારના મોભી પર કાર ચડાવી દેવાનો પ્રયાસ કર્યો હતો, જેમાં બે વ્યક્તિઓને ઈજાઓ પહોંચતા તેમને તાત્કાલિક સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે. આ ઘટના અંગે પ્રદ્યુમનનગર પોલીસ મથકમાં લેખિત અરજી આપવામાં આવતા પોલીસે તપાસનો ધમધમાટ શરૂૂ કર્યો છે.

આ બનાવની વિગત એવી છે કે, જાગનાથ પ્લોટમાં રહેતા ગોપાલભાઈ રાજેશભાઇ બોરાણાએ પોલીસમાં કરેલી ફરિયાદ મુજબ, તેમના નાના ભાઈ કિશનભાઈના પત્ની દેવીકાબેન છેલ્લા દોઢ વર્ષથી રિસામણે છે અને આ મામલે હાલ કોર્ટમાં કાયદેસરની કાર્યવાહી ચાલી રહી છે. આ બાબતનો ખાર રાખીને કિશનભાઈના સાઢુભાઈ મનિષભાઈ જોગેલા અને તેનો ભાઈ મિલનભાઈ અન્ય સાત અજાણ્યા શખ્સો સાથે લાલ રંગની કાર લઈને રાત્રિના એક થી દોઢ વાગ્યાના અરસામાં બોરાણા પરિવારના ઘરે ધસી આવ્યા હતા. આ સમયે ઘરની બહાર ઉભેલા ગોપાલભાઈના કાકા સુનીલભાઈ રામજીભાઈ બોરાણા (ઉ.વ. 45) ને હુમલાખોરોએ ટાર્ગેટ બનાવી તેમની ઉપર બેફામ ગતિએ કાર ચલાવી ઠોકર મારી પછાડી દીધા હતા. કાર પેટના ભાગેથી પસાર થઈ જતાં સુનીલભાઈને ગંભીર ઈજાઓ પહોંચી હતી.

કારમાંથી નીચે ઉતરેલા શખ્સો લાકડી અને ધોકા જેવા હથિયારોથી સજ્જ હતા. તેઓએ બોરાણા પરિવારના સભ્યો સાથે બેફામ ગાળાગાળી કરી હુમલો શરૂૂ કરી દીધો હતો. આ ધમાલ દરમિયાન વચ્ચે છોડાવવા પડેલા ગોપાલભાઈના માતા વિજ્યાબેન રાજેશભાઇ બોરાણા (ઉ.વ. 55) ને પણ હુમલાખોરોએ ઈજા પહોંચાડી હતી. મધરાત્રે થયેલા આ હુમલા અને દેકારાને પગલે આસપાસના લત્તાવાસીઓ જાગી ગયા હતા અને ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. લોકોનું ટોળું એકઠું થઈ જતાં અને પરિવારે પણ સ્વબચાવમાં વળતો પ્રહાર કરી હુમલાખોરોની કારમાં તોડફોડ શરૂૂ કરતા હુમલાખોરો ગભરાઈને પોતાની કાર ઘટનાસ્થળે જ મૂકીને અંધારામાં નાસી છૂટ્યા હતા.

સ્થાનિકોએ જ્યારે હુમલાખોરોની કારની તપાસ કરી ત્યારે કારની અંદરથી નશીલા પદાર્થના ચપલા (પોટલીઓ) મળી આવ્યા હતા, જે સૂચવે છે કે હુમલાખોરો નશાની હાલતમાં આતંક મચાવવા આવ્યા હતા. ઘટના બાદ તુરંત પોલીસને જાણ કરવામાં આવી હતી. ગોપાલભાઈ બોરાણાએ જણાવ્યું હતું કે, માત્ર પત્નીના ઉપરાણામાં સાઢુ અને તેના સાથીઓએ આ હિચકારો હુમલો કર્યો છે. પ્રદ્યુમનનગર પોલીસે હાલ આ મામલે લેખિત અરજી સ્વીકારીને સીસીટીવી ફૂટેજ અને અન્ય પુરાવાઓના આધારે મનિષ જોગેલા સહિતના શખ્સો સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.