જામનગરમાં ફ્લાયઓવર નીચે દબાણ હટાવવા ગયેલી મનપાની ટીમ પર હુમલો

જામનગર શહેરના જુના રેલવે સ્ટેશન નજીક આવેલા નવા ફ્લાયઓવર નીચે થયેલા દબાણો દૂર કરવા માટે ગયેલી જામનગર મહાનગરપાલિકાની એસ્ટેટ શાખા તથા દબાણ હટાવ શાખાની ટીમ…

જામનગર શહેરના જુના રેલવે સ્ટેશન નજીક આવેલા નવા ફ્લાયઓવર નીચે થયેલા દબાણો દૂર કરવા માટે ગયેલી જામનગર મહાનગરપાલિકાની એસ્ટેટ શાખા તથા દબાણ હટાવ શાખાની ટીમ પર ઝૂપડાવાસીઓના કેટલાક તત્વોએ હુમલો કરતાં ભારે અફડાતફડીનો માહોલ સર્જાયો હતો. ઘટનામાં મનપાના ચાર હંગામી કર્મચારીઓ ઇજાગ્રસ્ત બન્યા હતા, જેમને સારવાર માટે સરકારી જી.જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.
પ્રાપ્ત વિગતો મુજબ રેલવે સ્ટેશન નજીકના વિસ્તારમાં રેલવે તંત્ર દ્વારા જગ્યા સુરક્ષિત કરવા માટે દિવાલનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે. જેના કારણે અગાઉ ત્યાં વસવાટ કરતા કેટલાક ઝૂપડાવાસીઓએ નવા ફ્લાયઓવર નીચે આશ્રય લીધો હતો અને ત્યાં માલસામાન એકત્ર કરી ફરીથી વસવાટની વ્યવસ્થા શરૂ કરી હતી.

આ દબાણો દૂર કરવા માટે આજે મહાનગરપાલિકાની એસ્ટેટ શાખા અને દબાણ હટાવ શાખાની ટીમ સ્થળ પર પહોંચી હતી. દરમિયાન કેટલાક શખ્સો ઉશ્કેરાઈ જતા મનપાના કર્મચારીઓ સાથે બોલાચાલી કરી હતી. ત્યારબાદ હુમલાખોરોએ કર્મચારીઓ પર મરચાં પાવડરનો સ્પ્રે છાંટ્યો હતો અને પથ્થરમારો શરૂ કર્યો હતો. આ હુમલામાં મનપાના ચાર હંગામી કર્મચારીઓ ચેતનસિંહ જાડેજા, વિજય ઝાલા, વિજય ખરાડી અને મહિપત દાઉદીયા ઇજાગ્રસ્ત બન્યા હતા. ઘટનાની જાણ થતાં મહાનગરપાલિકાના સિક્યુરિટી વિભાગના ઇન્ચાર્જ અધિકારી અનવર ગજ્જણ સહિત અન્ય અધિકારીઓ તાત્કાલિક જી.જી. હોસ્પિટલ પહોંચ્યા હતા અને ઇજાગ્રસ્ત કર્મચારીઓની સારવાર અંગે જરૂરી વ્યવસ્થા કરી હતી.

બીજી તરફ ઘટનાની જાણ પોલીસને કરવામાં આવતા પોલીસ કાફલો પણ સ્થળ પર તેમજ હોસ્પિટલ ખાતે દોડી ગયો હતો. સમગ્ર બનાવ અંગે જવાબદારો સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવા માટે તજવીજ શરૂ કરવામાં આવી છે. બનાવને પગલે વિસ્તારમાં તંગદિલીનો માહોલ સર્જાયો હતો, જોકે પોલીસ અને મનપાના અધિકારીઓએ પરિસ્થિતિ પર કાબૂ મેળવી લીધો હોવાનું જાણવા મળે છે. સીટીબી ડિવિઝનના પોલીસ સ્ટાફ દ્વારા સમગ્ર વિસ્તારને કોર્ડન કર્યો છે, અને હુમલાખોરોને શોધવા માટેની કાર્યવાહી હાથ ધરી છે.