પાડોશી પર જર્મન શેફર્ડ કૂતરૂં છૂટુ મુકી હુમલો

મવડીના પુનિતનગરમાં જૂની અદાવતમાં બનેલી ચોંકાવનારી ઘટના મવડી પ્લોટ ફાયરબ્રિગેડ સામે આવેલ અમરનગર શેરી નંબર 1 માં જૂની અદાવતનો ખાર રાખીને એક યુવક પર તેના…

મવડીના પુનિતનગરમાં જૂની અદાવતમાં બનેલી ચોંકાવનારી ઘટના

મવડી પ્લોટ ફાયરબ્રિગેડ સામે આવેલ અમરનગર શેરી નંબર 1 માં જૂની અદાવતનો ખાર રાખીને એક યુવક પર તેના જ પડોશીએ પાળેલા જર્મન શેફર્ડ કૂતરા વડે હુમલો કરાવવાની અને કૂતરાને બાંધવાની લોખંડની સાંકળ વડે માર મારવાની ઘટના સામે આવી છે. આ અંગે અમરનગરમાં રહેતા અને રિક્ષા ચલાવી પરિવારનું ગુજરાન ચલાવતા 34 વર્ષીય કિશનભાઈ રમેશભાઈ મેવાડા નામના યુવકે માલવીયાનગર પોલીસ મથકમાં પોતાના જ વિસ્તારમાં રહેતા દીપ કૃષ્ણસિંહ જાડેજા નામના શખ્સ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે.

ફરિયાદમાં જણાવેલી વિગતો અનુસાર, તારીખ 28/09ના રોજ સાંજના આશરે સાતેક વાગ્યાના સુમારે કિશનભાઈ પોતાના ઘર પાસે પોતાની રિક્ષા લઈને બેઠા હતા. તે દરમિયાન પડોશમાં રહેતો આરોપી દીપ કૃષ્ણસિંહ જાડેજા પોતાનું પાળેલું જર્મન શેફર્ડ કૂતરૂૂં લઈને ત્યાં આવ્યો હતો. દીપે આવેશમાં આવીને કિશનભાઈ સાથે ગાળાગાળી કરી હતી અને “તમે ક્રાઈમ બ્રાન્ચમાં મારી વાત કરો છો અને અગાઉ પણ મોબાઈલ બાબતે ખોટી રીતે હેરાન કર્યા હતા” તેમ કહી ઝઘડો કર્યો હતો. ત્યારબાદ ઉશ્કેરાયેલા દીપે પોતાની પાસે રહેલી કૂતરાને બાંધવાની લોખંડની સાંકળ વડે કિશનભાઈને આડેધડ માર મારવાનું શરૂૂ કર્યું હતું.

માર મારવા ઉપરાંત આરોપી દીપે પોતાના હિંસક જર્મન શેફર્ડ કૂતરાને કિશનભાઈ પર છોડી મૂક્યો હતો. કૂતરાએ કિશનભાઈના શરીરે આડેધડ બચકાં ભરી લેતાં તેઓને ડાબા હાથે, જમણા હાથે તથા ડાબા પગે ગંભીર ઈજાઓ પહોંચી હતી અને લોહી નીકળવા લાગ્યું હતું. સાંકળના પ્રહારથી કિશનભાઈના કપાળ અને જમણી આંખ પાસે પણ ગંભીર મૂઢ ઈજાઓ થઈ હતી. કિશનભાઈ જેમતેમ કરીને બચીને પોતાના ઘરમાં ભાગી ગયા હતા, છતાં આરોપીએ તેમના ઘર પાસે આવીને તેમની પત્ની પૂનમબેન સાથે પણ બેફામ ગાળાગાળી કરી હતી. ઘટનાને પગલે આસપાસના લોકો એકઠા થઈ જતાં આરોપી કૂતરા સાથે ત્યાંથી નાસી છૂટ્યો હતો.
બનાવ બાદ ઈજાગ્રસ્ત કિશનભાઈના પિતા રમેશભાઈએ તુરંત 112 અને 108 એમ્બ્યુલન્સને જાણ કરતાં 108ની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી અને કિશનભાઈને સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડ્યા હતા.