ગુજરાત
નવા વર્ષની શરૂઆતમાં જ હાર્ટએટેકનો ખતરો યથાવત્ : 4ના ભોગ લીધા
રાજકોટના યુવાન, પ્રૌઢ, આધેડ અને દેવગામ આશ્રમમાં આધેડ હૃદયરોગનો હુમલો આવતા ઢળી પડ્યા
રાજકોટ સહિત રાજ્યભરમાં હદય રોગના હુમલાએ હાહાકાર મચાવ્યો છે. ત્યારે રાજકોટમાં નવા વર્ષની શરૂઆતમાં જ હદય રોગના હુમલાનો ખતરો યથાવત હોય તેમ વધુ ચાર માનવ જીંદગીને હદય રોગનો હુમલો ભરખી ગયો હોવાની ઘટના સામે આવી છે. યુવાન, પ્રૌઢ અન્ય બે આધેડના મોતથી ગમગીની છવાઈ જવા પામી છે.
આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ રાજકોટમાં 150 ફૂટ રીંગ રોડ ઉપર આવેલ એપલવિલા એપાર્ટમેન્ટમાં રહેતા કલ્પેશભાઈ જયંતિભાઈ પરસાણા નામનો 32 વર્ષનો યુવાન બપોરના 1:30 વાગ્યાના અરસામાં પોતાના ઘરે હતો ત્યારે બેભાન હાલતમાં ઢળી પડ્યો હતો. યુવકને તાત્કાલીક સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં ફરજ પરના તબીબે જોઈ તપાસી યુવકનું હદય રોગના હુમલાથી મોત નિપજ્યું હોવાનું જાહેર કરતા પરિવાર શોકમા ગરકાવ થઈ ગયો હતો. પ્રાથમિક પુછપરછમાં મૃતક કલ્પેશભાઈ પરસાણા બે ભાઈ એક બહેનમાં વચેટ અને અપરણીત હતો.
બીજા બનાવમાં રાજકોટમાં મવડી પ્લોટ વિસ્તારમાં આવેલા વિનાયક નગરમાં રહેતા અને હાલ લોધીકાના દેવગામ ખાતે આવેલા શ્રીસંત સેવાભાવ ચેરીટેબલ ટ્રસ્ટમાં આશ્રય લઈ રહેલા રમેશભાઈ વિરજીભાઈ પાણખાણિયા ઉ.વ.55ને હદય રોગનો હુમલો આવતા સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિલમાં દાખલ કરાવમાં આવ્યા હતા. જ્યાં ફરજ પરના તબીબે મૃત જાહેર કરતા પરિવારમાં ગમગીની છવાઈ જવા પામી હતી. મૃતક આધેડ પાંચભાઈ એક બહેનમાં વચેટ અને અપરણીત હતાં. તેમજ માનસીક બીમારીના કારણે આશ્રમમાં આશ્રય લઈ રહ્યા હતાં.
ત્રીજા બનાવમાં રામનાથપરા વિસ્તારમાં આવેલા નવયુ પરામાં રહેતા પ્રતાપભાઈ બાબુભાઈ ગોહેલ ઉ.વ.45 પોતાના ઘરે હતા ત્યારે હદય રોગનો હુમોલ આવતા બેભાન હાલતમાં તાત્કાલીક સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતાં. જ્યાં તેમનું મોત નિપજતા પરિવારમાં શોકની લાગણી પ્રસરી છે. પ્રાથમિક પુછપરછમાં મૃતક પ્રૌઢ ચાર ભાઈ બે બહેનમાં નાના હતાં. અને તેમને સંતાનમાં બે પુત્ર અને એક પુત્રી છે.
ચોથા બનાવમાં ભઅવતીપરા વિસ્તારમાં રહેતા અરવિંદભાઈ દેવજીભાઈ જોગેલા નામના 54 વર્ષના આધેડ પોતાના ઘરે હતા ત્યારે રાત્રીના 11 વાગ્યાના અરસામાં હદય રોગનો હુમલો આવતા તેમને તાત્કાલીક સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. ત્યાં તેમની સારવાર કારગત નિવડે તે પૂર્વે જ આધેડે હોસ્પિટલના બિછાને દમ તોડી દીધો હતો. મૃતક આધેડ ત્રણ ભાઈમાં મોટા હતાં. અને તેમને સંતાનમાં એક પુત્ર અને પુત્રી હોવાનું જાણવા મળ્યું છે. ઉપરોક્ત બનાવ અગે પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.