વડોદરામાં આસિ.લેબર કમિશનર અને શ્રમ અધિકારી 70 હજારની લાંચ લેતા ઝડપાયા

વડોદરામાં લાંચિયા સરકારી બાબુઓ સામે એસીબીએ લાલ આંખ કરીને વધુ એક સફળ ટ્રેપ કરી છે. લેબર કમિશનર કચેરીમાં લેબર લાયસન્સ આપવા માટે રૂૂ. 70 હજારની…

વડોદરામાં લાંચિયા સરકારી બાબુઓ સામે એસીબીએ લાલ આંખ કરીને વધુ એક સફળ ટ્રેપ કરી છે. લેબર કમિશનર કચેરીમાં લેબર લાયસન્સ આપવા માટે રૂૂ. 70 હજારની લાંચ માગવામાં આવી હતી. રકમ સ્વીકારતા આસિસ્ટન્ટ લેબર કમિશનર દિપક ચૌહાણ અને શ્રમ અધિકારી રણજિત જાદવને એસીબીએ રંગેહાથ ઝડપી પાડીને બંનેની ધરપકડ કરી છે. વડોદરા સ્થિત લેબર કમિશનરની કચેરીમાં ભ્રષ્ટાચારનો મોટો પર્દાફાશ થયો છે. કચેરીમાં જરૂૂરી લેબર લાયસન્સ મેળવવા માટે સરકારી કામગીરી હેઠળ પહોંચેલા અરજદાર પાસે લાંચની માગણી કરવામાં આવી હતી. આ કામ ઝડપથી પૂરું કરી લાયસન્સ આપવાના બદલામાં જવાબદાર સરકારી અધિકારીઓ દ્વારા રૂૂ. 70 હજારની લાંચની માગણી મૂકવામાં આવી હતી.

ભ્રષ્ટાચાર વિરોધી દળ એટલે કે એસીબીને આ લાંચની માગણી અંગે જાણ થતાં સમગ્ર બાબતે તપાસ હાથ ધરાઈ હતી. એસીબીની ટીમે તાત્કાલિક લેબર કમિશનર કચેરી ખાતે આયોજનબદ્ધ ટ્રેપ ગોઠવીને લાંચિયા અધિકારીઓને ઝડપી લેવાની કાર્યવાહી શરૂૂ કરી હતી.આયોજિત છટકા દરમિયાન કચેરીમાં આસિસ્ટન્ટ લેબર કમિશનર દિપક ચૌહાણ અને શ્રમ અધિકારી ક્લાસ 3 રણજિત જાદવની સંડોવણી સામે આવી હતી.

70 હજાર સ્વીકારવાની પ્રક્રિયા ચાલી રહી હતી ત્યારે જ એસીબીની ટીમે ત્રાટકીને બંને અધિકારીઓને રંગેહાથ પકડી પાડ્યા હતા. એસીબી દ્વારા સ્થળ પરથી લાંચના નાણાં જપ્ત કરીને આસિસ્ટન્ટ લેબર કમિશનર દિપક ચૌહાણ તેમજ શ્રમ અધિકારી રણજિત જાદવ બંનેની કાયદેસર ધરપકડ કરવામાં આવી છે. વડોદરામાં સરકારી કચેરીમાં ઉચ્ચ પદ પર બેઠેલા અધિકારીઓ લાંચ લેતા ઝડપાતા સરકારી આલમમાં ભારે ખળભળાટ મચી ગયો છે. એસીબીની ટીમે બંને લાંચિયા અધિકારીઓ સામે ગુનો નોંધીને આગળની તપાસ હાથ ધરી છે.