જાપાનના આઈચી-નાગોયામાં શનિવાર, 19 સપ્ટેમ્બરે 20મી એશિયન ગેમ્સનું સત્તાવાર ઉદ્ઘાટન થશે. જોકે કેટલીક સ્પર્ધાઓ પહેલેથી શરૂૂ થઈ ચૂકી છે, ભારત માટે આજનો દિવસ ખાસ બની શકે છે. કારણ કે ટેકબોલની મહિલા સિંગલ્સ સેમિફાઇનલમાં ક્વિમ્સી ડી’સોઝા મેદાનમાં ઉતરશે. જો તેઓ સેમિફાઇનલ જીતીને ફાઇનલમાં પહોંચે છે, તો ભારત માટે ટેકબોલમાં પ્રથમ એશિયન ગેમ્સ મેડલ નિશ્ચિત થઈ જશે.
આ વખતે એશિયન ગેમ્સમાં 45 દેશો અને પ્રદેશોના ખેલાડીઓ 43 રમતોમાં ભાગ લઈ રહ્યા છે. સ્પર્ધા 19 સપ્ટેમ્બરથી 4 ઑક્ટોબર સુધી ચાલશે. જાપાન ત્રીજી વખત એશિયન ગેમ્સનું યજમાન બની રહ્યું છે.
ભારતીય ચાહકો માટે દિવસની શરૂૂઆત ટેકબોલથી થશે. મહિલા સિંગલ્સની સેમિફાઇનલમાં ક્વિમ્સી ડી’સોઝા ઇન્ડોનેશિયાની સુમાયા સામે રમશે. ડી’સોઝાએ ટુર્નામેન્ટની શરૂૂઆત જાપાનની વિશ્વ રેન્કિંગમાં સાતમા ક્રમે રહેલી યુઇના સકામોટોને 2-1થી હરાવીને કરી હતી. ત્યારબાદ તેમણે કંબોડિયાની કોમેયાન ડીને 2-0થી હરાવી સેમિફાઇનલમાં સ્થાન મેળવ્યું હતું. ટેકબોલ આ એશિયન ગેમ્સમાં પ્રથમ વખત સામેલ કરવામાં આવ્યો છે. તેથી ડી’સોઝાની સેમિફાઇનલ માત્ર વ્યક્તિગત સફળતા માટે જ નહીં, પરંતુ ભારત માટે આ નવી રમતમાં ઐતિહાસિક મેડલની સંભાવના માટે પણ મહત્વની છે.
શનિવારનો સૌથી મોટો કાર્યક્રમ આઈચી-નાગોયાના પાલોમા મિઝુહો સ્ટેડિયમમાં યોજાનારો ઉદ્ઘાટન સમારોહ રહેશે. ભારત તરફથી બે જાણીતા ખેલાડીઓ શૂટર મનુ ભાકર અને શોટપુટર તજિંદરપાલ સિંહ તૂર ધ્વજવાહક તરીકે ભારતીય દળનું નેતૃત્વ કરશે. ઉદ્ઘાટન સમારોહ ભારતીય સમય મુજબ બપોરે 2:30 વાગ્યાથી 4:30 વાગ્યા સુધી યોજાશે. એટલે ભારતીય ચાહકો માટે સવારે ટેકબોલની સેમિફાઇનલ બાદ બપોરે એશિયન ગેમ્સના સત્તાવાર ઉદ્ઘાટનનો આનંદ માણવાનો મોકો રહેશે.આ વખતે ભારત 500થી વધુ ખેલાડીઓ સાથે એશિયન ગેમ્સમાં ઉતરી રહ્યું છે. તાજા આંકડા મુજબ ભારતીય દળમાં 503 ખેલાડીઓનો સમાવેશ થાય છે, જેમાં 269 પુરુષ અને 234 મહિલા ખેલાડીઓ છે. ભારત 36 રમતોમાં ભાગ લઈ રહ્યું છે.
