કલમ 142, સુપ્રીમનો ઉદૃેશ સારો પણ ઝડપી ન્યાય દૂર

સુપ્રીમ કોર્ટે ભારતીય બંધારણની કલમ 142 હેઠળ પોતાને મળેલી ખાસ સત્તાનો ઉપયોગ કરીને દેશની તમામ હાઈકોર્ટને કેસોના ચુકાદા ઝડપથી આપવા અને ન્યાયમાં થતો વિલંબ રોકવા…

સુપ્રીમ કોર્ટે ભારતીય બંધારણની કલમ 142 હેઠળ પોતાને મળેલી ખાસ સત્તાનો ઉપયોગ કરીને દેશની તમામ હાઈકોર્ટને કેસોના ચુકાદા ઝડપથી આપવા અને ન્યાયમાં થતો વિલંબ રોકવા માટે કેટલાંક ફરમાન કર્યા છે. સુપ્રીમ કોર્ટે આદેશ આપ્યો છે કે, હાઈ કોર્ટના જજ કોઈ પણ ચુકાદો અનામત રાખે પછી તેની ત્રણ મહિનામાં જાહેરાત કરી દેવી પડશે. જામીનના કેસમાં દલીલો પૂરી થઈ જાય પછી એ જ દિવસે ને મોડામાં મોડા બીજા દિવસે ચુકાદો જાહેર કરી દેવો પડશે. અંડરટ્રાયલ આરોપીને જામીન મળે તો તેની જાણ એ જ દિવસે કરીને તેને બધી પ્રક્રિયા પૂરી કરીને એ દિવસે છોડી દેવો પડશે ને ટ્રાયલ કોર્ટને પણ એ જ દિવસે જામીન મંજૂર કરાયા હોવાની જાણ કરવી પડશે. હાઈ કોર્ટ કોઈ પણ ચુકાદો આપે તેના 24 કલાકમાં વેબસાઈટ પર ચડાવી દેવાનો રહેશે.

સુપ્રીમ કોર્ટે નિયમો બનાવવા જ હોય તો જામીન અરજી થાય તેના વધારેમાં વધારે ચાર દિવસ કે અઠવાડિયામાં તેનો નિકાલ થઈ જાય એવો નિયમ બનાવવો પડે. એ જ રીતે હાઈ કોર્ટમાં આવતા કોઈ પણ કેસમાં વધુમાં વધુ ત્રણ મહિના ને બહુ ખેંચાય તો છ મહિનામાં ચુકાદો આવી જાય એવું ફરમાન કરવું જોઈએ. અત્યારે તો હાઈ કોર્ટમાં કેસ આવે પછી તમામ પક્ષકારોને નોટિસ આપવાથી માંડીને બીજી પ્રક્રિયામાં જ છ મહિના નિકળી જાય છે. પછી પક્ષકારો હાજર થવામાં ઠાગાઠેયા કરે તેમાં તારીખ પર તારીખ પડતી જાય ને કેસ લંબાતો જાય. એ જ રીતે જામીન અરજીનો ચુકાદો આવવામાં જ ઘણી વાર બબ્બે ત્રણ-ત્રણ મહિના નિકળી જાય છે. તેમાં રાજકીય દબાણ હેઠળ કોઇને ફિટ કરી દીધો હોય તો બાર મહિના લગી જામીન અરજીનો ચુકાદો જ ના આવે એવું પણ થઈ જાય છે. આ સ્થિતિ બદલવાની જરૂૂર છે ને સમગ્ર પ્રક્રિયા ઝડપી થાય ને દરેક પ્રકારના કેસ માટે નિશ્ચિત સમયમર્યાદા નક્કી થાય એ જરૂૂરી છે પણ તેના બદલે સુપ્રીમ કોર્ટે જેનાથી ઝાઝો ફરક ના પડે એવાં ફરમાન કરી દીધાં છે.

સુપ્રીમ કોર્ટે બીજી લગામ હાઈ કોર્ટ દ્વારા મનફાવે એ રીતે કેસોની પ્રાયોરિટી નક્કી કરાય છે તેના પર મૂકવાની છે. અત્યારે હાઈ કોર્ટો પોતાને મનફાવે એવા કેસો લઈ લે છે ને પછી પ્રાયોરિટીના ધોરણે તેમની સુનાવણી પણ હાથ ધરી દે છે. સુપ્રીમ કોર્ટે કલમ 142 હેઠળ પોતાને મળેલી વિશેષ સત્તાનો ઉપયોગ કરવો જ હતો તો ખરેખર ન્યાય ઝડપથી થાય એ માટે વધારે આકરાં પગલાં ભરવાની જરૂૂર હતી. ભારતીય બંધારણની કલમ 142 સુપ્રીમ કોર્ટને કોઈપણ પેન્ડિંગ કેસમાંસંપૂર્ણ ન્યાય સુનિશ્ચિત કરવા માટે જરૂૂરી કોઈપણ હુકમનામું અથવા આદેશ પસાર કરવાની અસાધારણ સત્તા આપે છે. સુપ્રીમ કોર્ટ અસરકારક રીતે પ્રક્રિયાગત અથવા બંધારણીય અવરોધોને બાયપાસ કરીને વિશેષ સત્તા હેઠળ આદેશો આપી શકે છે એ જોતાં સુપ્રીમ કોર્ટે સપાટો બોલાવી દેવાની જરૂૂર હતી. તેના બદલે સુપ્રીમ કોર્ટે કોઈ ફરક જ ના પડે એવાં ફરમાનો કરીને સોનાની જાળ પાણીમાં નાંખી દીધી હોય એવું લાગે છે.

ભારતમાં ન્યાયતંત્ર એક સમયે અત્યંત શક્તિશાળી મનાતું હતું અને લોકો આંખ મીંચીને ન્યાયતંત્રમાં વિશ્વાસ મૂકતા હતા. બીજે બધે ભલે અન્યાય થાય પણ કોર્ટમાં જઈશું એટલે ન્યાય મળશે જ એવો લોકોનો પાકો ભરોસો હતો પણ ન્યાયમાં થતા વિલંબના કારણે લોકોમાં આ ભરોસો ઘટ્યો છે. આ ભરોસો પાછો કાયમ કરવો જરૂૂરી છે ને સુપ્રીમ કોર્ટે એ વાત સમજીને કલમ 142નો ઉપયોગ કરીને આદેશ આપ્યા પણ તેનાથી સુપ્રીમ કોર્ટની સારી ભાવનાનો ઉદ્દેશ પાર નહીં પડે. તેના માટે દંડો ચલાવવો પડે.