દેવભૂમિ દ્વારકા જિલ્લાના આ વર્ષે ખૂબ જ નહીવત વરસાદ તથા દુષ્કાળની જોવા મળતી પરિસ્થિતિ વચ્ચે ખાલી રહેલા ખંભાળિયાના ઘી ડેમ સહિતના મુખ્ય સ્ત્રોતોને નર્મદાના પાણીથી ભરી દેવા માટે કરવામાં આવેલી રજૂઆતો બાદ ગઈકાલથી ખંભાળિયાના માટે “સૌની” યોજના હેઠળ નર્મદાના પાણીના સપ્લાયનો પ્રારંભ કરવામાં આવ્યો છે.
દેવભૂમિ દ્વારકા જિલ્લામાં આ વર્ષે ઐતિહાસિક પ્રમાણમાં ઓછો કરી શકાય તેટલો કુલ માત્ર બે ઈંચ સરેરાશ વરસાદ વરસ્યો છે. જેના કારણે તમામ જળ સ્ત્રોતો તળિયાઝાટક બની ગયા છે. આગામી દિવસોમાં પીવાના તેમજ ખેતીના માટેના પાણી માટે વિકટ પરિસ્થિતિ વચ્ચે હાલારના સાંસદ પૂનમબેન માડમ, ખંભાળિયાના ધારાસભ્ય મુળુભાઈ બેરા તથા જિલ્લા ભાજપ પ્રમુખ મયુરભાઈ ગઢવી દ્વારા મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલને જિલ્લાના તમામ મોટા જળ સ્ત્રોતોને “સૌની” યોજના હેઠળ નર્મદા નદીના પાણીથી ભરી દેવા માટે રજૂઆત કરવામાં આવી હતી. જેનો મુખ્યમંત્રીએ હકારાત્મક અભિગમ અપનાવીને આ વ્યવસ્થા તાકીદે કરવામાં આવી છે.
આને અનુલક્ષીને ગઈકાલે રવિવારે ખંભાળિયાના ઘી ડેમ માટે સૌની યોજના હેઠળ પાણી સપ્લાય શરૂૂ થઈ જવા પામ્યો છે. ખંભાળિયા નજીકના કોટા ગામ પાસે આવેલા ખોડીયાર ડેમ નજીક સૌની યોજના હેઠળ આવી પહોંચેલા નર્મદાના પાણીને અહીંના ધારાસભ્ય મુળુભાઈ બેરા, જિલ્લા ભાજપ પ્રમુખ મયુરભાઈ ગઢવી, નગરપાલિકાના પ્રમુખ વિજયભાઈ કણજારીયા, જિલ્લા ભાજપ મહામંત્રી રાજુભાઈ ભરવાડ, યુવરાજસિંહ વાઢેર, એભાભાઈ કરમુર, શહેર ભાજપ પ્રમુખ મિલનભાઈ જોશી, મોહિતભાઈ મોટાણી, સહિતના આગેવાનો, હોદ્દેદારોએ ખાસ ઉપસ્થિત રહી શાસ્ત્રોક્ત વિધિથી વધામણા કર્યા હતા.નર્મદાનું પાણી ખંભાળિયા પહોંચતા સ્થાનિક ખેડૂતો અને શહેરીજનોમાં આનંદની લાગણી પ્રસરી જવા પામી છે. આ પાણી મળતા શહેરમાં પીવાના તથા સિંચાઈના પાણીના પ્રશ્નનું નિરાકરણ આવે તેવી સંભાવનાઓ જોવા મળી રહી છે. આગામી દિવસોમાં જિલ્લાના સાની ડેમ, સિંહણ ડેમ, ગઢકી ડેમ વગેરે ડેમોમાં પણ સૌની યોજના હેઠળ પાણી પહોંચાડવામાં આવશે.
